સંસદીય બાબતોનું મંત્રાલય
રાષ્ટ્રપતિએ ગુજરાતના કેવડિયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકશાહી પ્રણાલીમાં, ચર્ચા ક્યારેય વિવાદનું રૂપ ના લે તે માટે સંવાદનું માધ્યમ એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે
બંધારણ દિવસ નિમિત્તે વિશેષ પ્રદર્શનમાં ભારતની લોકશાહીના ઇતિહાસ અને બંધારણની રચનાની રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવી
Posted On:
25 NOV 2020 4:40PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે ગુજરાતમાં કેવડિયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે, લોકશાહી પ્રણાલીમાં, ચર્ચા ક્યારેય વિવાદનું રૂપ ના લે તે માટે સંવાદનું માધ્યમ એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સંસદીય લોકશાહીમાં, સત્તા પક્ષની સાથે-સાથે વિપક્ષની ભૂમિકા પણ ખૂબ મહત્વની હોય છે અને આથી બંનેની વચ્ચે સૌહાર્દ, સહકાર અને અર્થપૂર્ણ ચર્ચા થાય તે જરૂરી છે. ગૃહમાં લોકોના પ્રતિનિધિઓ વચ્ચે પ્રબળ અને અર્થપૂર્ણ ચર્ચા માટે યોગ્ય માહોલ પૂરો પાડવાની અને ચર્ચા તેમજ ન્રમતા સાથે આદરપૂર્ણ સંવાદોને પ્રોત્સાહન આપવાની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસર્સની હોય છે.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, નિષ્પક્ષતા અને ન્યાય આપણી સંસદીય લોકશાહી પ્રણાલીના આધારસ્તંભ છે. ગૃહના અધ્યક્ષનું સ્થાન ગૌરવ અને ફરજ બંનેનું પ્રતીક છે. તેમાં ન્યાયની નિષ્ઠા અને સૂઝ બંને હોવા જરૂરી છે. તે નિષ્પક્ષતા, પ્રમાણિકતા અને ન્યાયોચિતતાનું પ્રતીક છે અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમનું આચરણ આ ઉચ્ચ આદર્શોથી પ્રેરિત હોવું જોઇએ.
પરિષદમાં આ વર્ષની થીમ 'બંધારણ સભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સૌહાર્દપૂર્ણ સંકલન – જીવંત લોકશાહીની ચાવી' રાખવામાં આવી છે.
લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, “બંધારણ દિવસ એ આપણા બંધારણમાં જણાવવામાં આવેલી આપણી ફરજોનો પ્રતિબિંબિત કરવાનો અને આપણા મહાન નેતાઓએ ચિંધેલા માર્ગનું પાલન કરવા માટેની પ્રતિજ્ઞા લેવાનો પ્રસંગ છે. આપણે આપણા નાગરિકોના કલ્યાણ, વિચારો, આશાઓ અને મનોકામનાઓ માટે ઉભા છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, લોકોના પ્રતિનિધિઓએ બંધારણમાં ઉલ્લેખિત મૂલ્યો પ્રત્યે નિષ્ઠા દાખવીને તેમની ફરજનું નિર્વહન કરવું જોઇએ.
ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે - બંધારણ સભા, કારોબારી અને ન્યાયપાલિકા આ ત્રણેય અંગોએ એકબીજાના અધિકારક્ષેત્રની પવિત્રતાનો આદર કરીને પૂર્ણ પારસ્પરિક આદર દર્શાવવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, “હું પ્રિસાઇડિંગ ઓફિસર્સને લોકશાહીના મંદિરના સર્વોચ્ચ પૂજારીઓ કહેવાનું પસંદ કરું છું.”
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, “તમારે લોકશાહીના મંદિરના ગર્ભગૃહની પરમ પવિત્રતા જાળવવી આવશ્યક છે.”
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ, અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલે નિભાવેલી અજોડ ભૂમિકાના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે ગુજરાતમાંથી બંધારણ સભાના સભ્ય તરીકે બંધારણની રચનામાં કનૈયાલાલ મુનશી અને હંસા મહેતાએ નિભાવેલી મહત્વની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિષ નારાયણસિંહ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી, કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતો અને ભારે ઉદ્યોગ અને જાહેર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી અર્જૂન રામ મેઘવાલ, લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા શ્રી અધિર રંજન ચૌધરી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વિવિધ રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદો અને ધારાસભાઓના પ્રિસાઇડિંગ ઓફિસર્સ તેમજ અન્ય મહાનુભવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. લોકસભા, રાજ્યસભા અને વિવિધ વિધાનસભા સચિવાલયોના વરિષ્ઠ સ્ટાફ સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
બંધારણ દિવસ નિમિત્તે પ્રદર્શન
આ પરિષદના ભાગરૂપે, માહિતી અને પ્રસારણ મંત્રાલાયના બ્યૂરો ઓફ આઉટરીચ કમ્યુનિકેશન દ્વારા સંસદીય સંગ્રહાલય અને પૂરાતત્વના સહયોગથી પરિષદના સ્થળ પર વિશેષ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં વેદિક સમયથી લઇને આધુનિક લોકશાહી ભારતના નિર્માણ માટે લિચ્છવી સમયગાળા સુધીની આપણા દેશની લોકશાહી પરંપરાની સફર પ્રદર્શિત કરવામાં આવી છે.
આ પ્રદર્શન 1600 ચોરસ ફૂટમાં ફેલાયેલું મલ્ટી મીડિયા પ્રદર્શન છે જેમાં સંખ્યાબંધ સ્થાયી પ્રદર્શકો, પ્લાઝ્મા ડિસ્પ્લે, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ફ્લિપ બુક, RFID કાર્ડ રિડર, ઇન્ટરએક્ટિવ સ્ક્રીન, ડિજિટલ ટચ વૉલ વગેરે પણ છે.
ભારતના બંધારણની રચનાના નિર્માણમાં આર્કાઇવલ સામગ્રીનો વિગતવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. બંધારણની રચના સંબંધિત ઘટનાઓ દર્શાવતા કેટલાક દુર્ગભ ફિલ્મ ફુટેજ, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા આપવામાં આવેલા ભાષણો વગેરે પણ ફિલ્મ ડિવિઝન દ્વારા અહીં પ્રદર્શન અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ બે દિવસીય પરિષદનું 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસના પ્રસંગે સમાપન થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પરિષદના સમાપન સત્રને સંબોધિત કરશે.
આવતીકાલે સમાપન દિવસ નિમિત્તે પરિષદમાં આવેલા તમામ મહાનુભવો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારતના બંધારણના આમુખનું વાંચન કરશે.
વધુમાં, તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને ધારાસભાઓના સચિવો બંધારણીય મૂલ્યો અનુસાર ધારાસભાઓને મજબૂત અને સશક્ત બનાવવાની સાથે-સાથે ધારાસભાઓને વધુ જવાબદાર બનાવવા માટે પ્રતિજ્ઞા લેશે. આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળ ખાતે યોજવામાં આવશે.
આ પરિષદનું ઘોષણાપત્રની સ્વીકૃતિ સાથે સમાપન કરવામાં આવશે.
MD/DK
(Release ID: 1675737)
Visitor Counter : 242