કૃષિ મંત્રાલય
ખેડૂતોનું સશક્તિકરણ એ સરકારની પ્રાથમિકતા છે – પીયૂષ ગોયલ
Posted On:
03 OCT 2020 5:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પસાર કરવામાં આવેલો કૃષિ કાયદો અતિ મહત્વનો નિર્ણય છે જે ખેડૂતોના જીવનમાં સુધારો લાવશે અને તેમની આવક વધારીને બે ગણી કરશે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ખેડૂતોને સશક્ત બનાવવા એ સરકારની પ્રાથમિકતા છે.
મુંબઇમાં એક “આઉટરીચ પહેલ”ના ભાગરૂપે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતી વખતે રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, “સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ ખરડાએ આપણા ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટેના કાયદાએ જુના બંધનોમાંથી આઝાદી આપી છે. તેનાથી દેશના કૃષિ ક્ષેત્રમાં ઝડપથી વિકાસનો માર્ગ મોકળો થશે.”
શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવો કૃષિ કાયદો ખેડૂતોને ઉપજના ભાવની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કરાર આધારિત સંરક્ષણ પૂરું પાડે છે અને તેમને અનુકૂળ બજાર મુલ્યોનો લાભ ઉઠાવવાની સ્વતંત્રતા પણ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને હવે યોગ્ય ભાવે, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ પોતાની ઉપજ વેચવાની સ્વતંત્રતાની સાથે અધિકાર આપવામાં આવ્યો છે.
લઘુતમ ટેકાના ભાવ અંગે મંત્રી મહોદયે જણાવ્યું હતું કે, “દેશમાં લઘુતમ ટેકાના ભાવનો અમલ ગઇકાલે હતો, આજે છે અને આવતીકાલે પણ રહેશે.” તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ઉત્પાદન ખર્ચના 1.5 ગણા લઘુતમ ટેકાના ભાવ નિર્ધારિત કર્યા છે. આ ઉપરાંત, તેને આવી ઘણી અન્ય બાબતો સુધી પણ વધારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, “લઘુતમ ટેકાના ભાવ અને ખરીદી હાલના સમયમાં ઓછા ફુગાવાના સમય દરમિયાન પણ વધ્યા છે.”
શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા છ વર્ષમાં નાફેડને સતત 20 ગણા સુધી ધિરાણની બાંહેધરી આપી છે. જેના પરિણામરૂપે નાફેડમાંથી વધુ ખરીદી થઇ છે, જેથી આત્મનિર્ભરતામાં વધારો થયો છે. ખાસ કરીને કઠોળમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.
મંત્રી મહોદયે ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા સંખ્યાબંધ નિર્ણયો વિશે પણ માહિતી આપી હતી જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવી, કિસાન ક્રેડિટ કાર્ડનું વિસ્તરણ અને ખેડૂતો માટે સસ્તા ધિરાણની જોગવાઇ વગેરે પણ ગણાવ્યા હતા. શ્રી ગોયલે કહ્યું હતું કે, “અમે નીમ-કોટિંગને અનિવાર્ય કરી દીધું છે જેથી ખાતરમાં ઉભી થતી અછત દૂર થઇ ગઇ છે અને ખેતરોમાંથી ખાતર અન્યત્ર પહોંચી જવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.”
કરાર આધારિત ખેતી સંબંધે લોકોના મનમાં રહેલી આંશકાઓનું ખંડન કરતા મંત્રી મહોદયે જણાવ્યું હતું કે, આ માત્ર એક વિકલ્પ છે, તે અનિવાર્ય નથી. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે, નવો કાયદો ખેડૂતોને ત્રણ દિવસમાં ચુકવણીની જોગવાઇ પૂરી પાડે છે અને જો કોઇ ફરિયાદો હોય તો તેના નિવારણ માટે, સંસ્થાગત તંત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
કિસાન રેલ સેવા લોકોને પસંદ પડી રહી છે
મંત્રી મહોદયે જણાવ્યું હતું કે, કિસાન રેલ સેવાઓને ખેડૂતો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેલવે અને કૃષિ મંત્રાલય સાથે મળીને કિસાન રેલ કોરીડોરને સંસ્થાગત રૂપ આપવા માટે કામ કરી રહ્યાં છે જેથી ફળો અને શાકભાજી માટે તેને હવામાનને અનુકૂળ બનાવી શકાય. તેમણે કહ્યું હતું કે, “અમે કૃષિ મંત્રાલયની સાથે ચર્ચા કરી રહ્યાં છીએ. ગોદામોને વિકસાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે જેથી કૃષિ ઉપજના બગાડની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવી શકાય.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઝડપથી ખરાબ થઇ જતી ચીજવસ્તુઓના પરિવહન માટે એર કંડિશનિંગ રેલવે કોચ શરૂ કરવા માટે અમે કૃષિ મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યાં છીએ. ગોદામો વિકાસવવા માટે પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જેથી કૃષિ ઉપજના વ્યયની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવી શકાય.”
મહારાષ્ટ્રના દેવલાલીથી બિહાર સુધીની પ્રથમ કિસાન રેલવેને લીલી ઝંડી બતાવીને તેમણે રવાના કરી હતી. હવે મોસંબી અને નારંગીની મોસમ શરૂ થઇ ગઇ હોવાથી નાગપુરથી દેશના વિવિધ ભાગોમાં સંતરાના પરિવહન માટે નાગપુરથી કિસાન રેલવે શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
SD/GP/BT
(Release ID: 1661503)
Visitor Counter : 178