પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

મંત્રીમંડળે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના"ના લાભની સમયમર્યાદા 01.07.2020થી વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 08 JUL 2020 4:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી  મંત્રીમંડળની બેઠકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઉજ્જવલાના લાભાર્થીઓ માટે પ્રધાનંમત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભ વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 01.07.2020થી વધુ ત્રણ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળશે.

સરકારે રોગચાળાને કારણે સૌથી માઠી અસર અનુભવતા ગરીબો અને વંચિત વર્ગોને સલામતી પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે રાહત પેકેજ પ્રધાનંમત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. પેકેજમાં ગરીબ પરિવારો માટે રાહતો પણ સામેલ છે, જેઓ પીએમયુવાય હેઠળ એલપીજી કનેક્શનનો લાભ લેતા હતા. પીએમજીકેવાય-ઉજ્જવલા અંતર્ગત 01.04.2020થી ત્રણ મહિનાના સમયગાળા માટે પીએમયુવાયના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક રિફિલ પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો હતો.

યોજના અંતર્ગત એપ્રિલથી જૂન, 2020 દરમિયાન ઉજ્જવલાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂ. 9709.86 કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યાં હતાં અને પીએમયુવાયના લાભાર્થીઓને 11.97 કરોડ સીલિન્ડર આપવામાં આવ્યાં હતાં. યોજનાએ લાંબા ગાળે કોરોનાવાયરસ રોગચાળાને કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં ઊભા થયેલા વિક્ષેપથી પીડિત લોકોની હાડમારીઓ ઘટાડી હતી.

યોજનાની સમીક્ષા દરમિયાન એવી જાણકારી મળી છે કે, પીએમયુવાયના લાભાર્થીઓના એક વર્ગે યોજનાના ગાળાની અંદર સીલિન્ડર રિફિલની ખરીદી કરવા તેમના ખાદામાં અગાઉથી જમા રકમનો ઉપયોગ કર્યો નથી. મંત્રીમંડળે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સમયમર્યાદા વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. એનાથી પીએમયુવાયના લાભાર્થીઓને લાભ થશે, જેમણે સિલિન્ડર ખરીદવા માટે અગાઉથી જમા થયેલી રકમનો ઉપયોગ કરીને રિફિલની ખરીદી કરી નથી. એટલે પોતાના ખાતામાં અગાઉથી હસ્તાંતરિત થયેલી રકમ ધરાવતા લાભાર્થીઓ હવે 30 સપ્ટેમ્બર સુધી ફ્રી રિફિલની ડિલિવરી મેળવી શકે છે.

 

GP/DS


(Release ID: 1637275) Visitor Counter : 223