માહિતી અને પ્રસારણ મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રાલયના પશ્ચિમ ઝોન દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિતે કોવિડ-19: માન્યતાઓ અને હકીકતો વિષય પર વેબિનાર યોજાયો
તકેદારીઓનું પાલન કરો, અફવાઓ માનશો નહીં, આશા ફેલાવો અને આરોગ્ય સંભાળ યોદ્ધાઓને તેમજ એકબીજાને મદદરૂપ થવામાં સહકાર આપવા માટે નેતૃત્વ સંભાળો: ડૉક્ટર્સ ડે નિમિત્તે તબીબોએ સંદેશો આપ્યો
Posted On:
01 JUL 2020 4:15PM by PIB Ahmedabad
“અજેય તબીબી યોદ્ધાઓ અદૃશ્ય વાયરસરૂપી દુશ્મન પર વિજય મેળવવા જઇ રહ્યા છે”. રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે કોવિડ-19: માન્યતાઓ અને હકીકતો વિષયો પર આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, પશ્ચિમ પ્રદેશ અને પ્રાદેશિક સંપર્ક બ્યૂરો, મહારાષ્ટ્ર અને ગોવા પ્રદેશના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વેબિનારની શરૂઆત આ સકારાત્મક નોંધ સાથે થઇ હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના પશ્ચિમ ઝોનના મહા નિદેશક મનિષ દેસાઇએ આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક શબ્દો તાજા કર્યા હતા. કોવિડ દર્દીઓની સારવારમાં ફરજ નિભાવતા બે તબીબોએ આ વેબિનારમાં સંબોધન આપ્યું હતું. તેમણે આ બીમારીના વિવિધ પરિબળો પર પ્રકાશ પાડ્યો હતો જેમાં માન્યતાઓ અને હકીકતો, તેમજ બીમારી સંબંધિત કમ્યુનિકેશન જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોને આ વાયરસ સામે લડવામાં લાભ થાય અને સશક્ત થાય તેમજ તેઓ મહામારીના સમયમાં પોતાની જાતને સલામત રાખી શકે તેવા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. પૂણેની હોસ્પિટલમાં સેવા આપતા કન્સલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ ડૉ. ઇશ્વર ઝંવર અને મુંબઇમાં નાયર હોસ્પિટલ ખાતે કોવિડ-19 માટે HR અને લોજિસ્ટિક્સના ઇન્ચાર્જ તેમજ સાઇકિયાટ્રિ વિભાગના વડા ડૉ. હેનલ શાહે આ વેબિનારમાં સહભાગી થનારા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વેબિનારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતા વિવિધ વિભાગોના 100 જેટલા અધિકારી અને સ્ટાફના સભ્યોએ ભાગ લીધો હતો જેમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, પ્રાદેશિક સંપર્ક બ્યૂરો, ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને ફિલ્મ ડિવિઝન પણ સામેલ થયા હતા.
ડૉ. ઝંવરે વર્ણવ્યું હતું કે, કોવિડ-19 વાયરસ "સુપર સ્પ્રેડર” છે જેના વિશે "આપણે દરરોજ શીખી રહ્યાં છીએ”. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શ્વસનમાં નીકળતા ડ્રોપલેટ્સથી ફેલાય છે અને તેની સારવાર માટે આજદિન સુધી કોઇ જ પરખાયેલી અસરકારક દવા મળી શકી નથી અને તેમજ હાલમાં આ દર્દીઓને માત્ર આનુષંગિક સારવારો આપવામાં આવે છે. પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે, “આથી, આપણે એવું વિચારીને ક્યારેય આત્મસંતોષ ના કરવો જોઇએ કે આની દવા અને રસી આવી રહી છે” અને તેમણે લોકોને અપીલ કરી હતી કે, સરકાર અને ICMR દ્વારા માસ્ક પહેરવા, 6 ફુટનું અંતર જાળવવા, હાથ ધોવા અને અન્ય તકેદારીઓ રાખવા માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે. આ વાયરસ સાથે સંકળાયેલી કેટલાક સામાન્ય માન્યતાઓનો ઉલ્લેખ કરતા ડૉ. ઝંવરે આ માન્યતાઓ પાછળની વાસ્તવિકતાઓથી લોકોને વાકેફ કર્યા હતા. જેમ કે સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરના ઉપયોગના સ્થાને બ્લો ડ્રાઇંગ અથવા UV ઇન્ફેક્શન લેમ્પનો ઉપયોગ ના થઇ શકે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, ચીનથી પ્રાપ્ત થતા પેકેજમાં ચોક્કસપણે વાયરસનું સંક્રમણ થશે તેવું ના કહી શકાય અને ન્યૂમોનિયા સામેની રસી કોરોના વાયરસમાં કામ લાગતી નથી. ઘરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓથી આ વાયરસ ફેલાતો હોવાની માન્યતાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, ઘરમાં પાળવામાં આવતા બિલાડી અથવા કૂતરા જેવા પાલતુ પ્રાણીઓથી આ વાયરસનું સંક્રમણ થતું હોવાના કોઇ નક્કર પુરાવા નથી છતાં પણ તેમના સંપર્કમાં આવ્યા પછી સાબુથી બરાબર હાથ ધોવામાં આવે તે સલાહ ભર્યું છે જેથી તેમના શરીરમાંથી આપણામાં આવી શકતા સાલ્મોનેલા અથવા ઇ.કોલી જેવા બેક્ટેરિયા સામે રક્ષણ મળી શકે. ફરી, તેમણે એમ પણ કહ્યું હતું કે, લસણ, પાણી નીકળતા નાકને ખારા પાણીથી સાફ કરવું અથવા તલનું તેલ નાખવુ એ તમામ પદ્ધતિઓ આ વાયરસથી દૂર રહેવા માટે પરખાયેલી પદ્ધતિઓ નથી.
SARS-COV2 સામેની લડાઇમાં અત્યાર સુધીની પ્રગતિ અંગે બોલતા ડૉ. ઝંવરે આશાવાદ સાથે એવું મંતવ્ય આપ્યું હતું કે, માનવજાતે ઓરી, શીતળા અને પોલિયો વગેરે જેવા પ્રાણઘાતક વાયરસોનો ભૂતકાળમાં સામનો કર્યો છે અને આમ, ટૂંક સમયમાં કોરોના વાયરસની સારવાર પણ ઉપલબ્ધ થશે તેવી આશા છે. ડૉ. ઝંવરે આપેલું પ્રેઝન્ટેઝન અહીં ઍક્સેસ કરી શકાય છે.
ડૉ. હેનલ શાહે જણાવ્યું હતું કે, “વાયરસ કરતા તો સોશિયલ મીડિયા પર ડરનો માહોલ વધુ ઝડપથી ફેલાય છે.” જ્યારથી આ મહામારીની શરૂઆત થઇ ત્યારથી ફેલાતી કેટલીક ખોટી મોહિતી અને સનસનાટીભર્યા સમાચારો અંગે ડૉ. શાહે મંતવ્ય આપ્યું હતું કે, આરોગ્ય કમ્યુનિકેશનમાં મીડિયાની ભૂમિકા ખોટી માહિતીનો પ્રસાર રોકવાની અને લોકોને સલામત રાખવા માટે સુરક્ષાત્મક માહિતીનો પ્રસાર કરવાની છે. તેમણે વધુમાં કહ્યું કે, રિપોર્ટિંગની ભાષા લોકોમાં ભય, શરમ અને હિનતાની ભાવના ઉભી કરનારી ના હોવી જોઇએ. વાયરસના ફેલાવાનો ડર કલંકની ભાવના સાથે આવે છે જેથી લોકો પોતાના લક્ષણો છુપાવી રાખે છે અને ડૉક્ટરની સલાહ લેવાથી દૂર ભાગે છે. મીડિયા અને કમ્યુનિકેશનની ભૂમિકા કે જે સંબંધિત ઇન્ફોડેમિક (ખોટી માહિતીની મહામારી) સામે લડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના વિશે તેમણે જણાવ્યું હતું કે, તેમણે લોકોને જે કંઇપણ થઈ રહ્યું છે તેના સાચા જ્ઞાન દ્વારા સશક્ત કરવા જોઇએ. પ્રકાશિત અથવા પ્રસારિત સમર્થન આપતી માહિતી વિશે તેમણે જણાવ્યું હતું કે, “શું સનસનાટીપૂર્ણ છે અને શું મદદરૂપ છે તેની વચ્ચે આપણે ભેદ પારખવાનો છે.”
કોવિડ હોસ્પિટલમાં કામ કરવાના અને કોવિડની ફરજમાં નિમાયેલા ડૉક્ટરો સાથે કામ કરવાના પોતાના અનુભવો જણાવતા ડૉ. શાહે ઉમેર્યું હતું કે, “કોઇ વ્યક્તિ મહામારી માટે અગાઉથી તૈયારી કરીને નહોતા બેઠા. અમે સૌએ ખૂબ ઝડપથી છલાંગ લગાવી હતી.” ખૂબ જ ટૂંકા સમયગાળામાં આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ શ્રેણીબદ્ધ ફેરફારો થયા. ડૉ. શાહ જેની સાથે સંકળાયેલા છે તે નાયર હોસ્પિટલની એક ઘટનાનું દૃષ્ટાંત આપતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ મોટી સંખ્યામાં ઓક્સિજન બેડ ઉપલબ્ધ નહોતા. હવે, કોવિડ-19ની સારવાર લઇ રહેલા 1043 દર્દીઓને ઓક્સિજન સમર્થિત બેડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તબીબો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલા તબીબો હવે તેઓ કોઇપણ ક્ષેત્રના નિષ્ણાત હોય તેને ધ્યાનમાં રાખ્યા વગર કોવિડના દર્દીઓની સારવારમાં સેવા આપી રહ્યા છે. તેમને આ મહામારીમાના દર્દીઓની સારવાર કરવા માટે તાલીમ મળી હોય કે ના હોય, તેમણે આવા કેસ સંભાળ હોય કે ના હોય તો પણ તે તમામ તબીબોને કોવિડ-19ના દર્દીઓની સારવારમાં કામે લગાડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે,”તમામ તબીબો તેમની તજજ્ઞતા અને આરામદાયક ક્ષેત્રોને છોડીને માત્ર આ એક હેતુ માટે કામ કરી રહ્યા છે, તેના કારણે પણ તેમના પર તણાવ વધે છે.”
તબીબો જે ચિંતા અને ડરનો સામનો કરી રહ્યા છે તેના વિશે બોલતા ડૉ. શાહે જણાવ્યું હતું કે, તેમને પોતાના પરિવારના સભ્યોમાં આ વાયરસનું સંક્રમણ ફેલાવાનો ડર રહે છે. તબીબોની સાથે સાથે, તેમના પરિવારજનો પણ કોરોના વાયરસ સામેની આ લડાઇમાં જોડાયેલા છે. આથી, એકધારો અનિશ્ચિતતાનો માહોલ છે કારણ કે આ નવો વાયરસ છે અને આજદિન સુધી તેની કોઇ સચોટ સારવાર મળી શકી નથી જે તેમની ચિંતામાં વધારો કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, એકધારું બદલાતી પાળીમાં કામ કરવાથી પણ તેમના આરોગ્ય પર વધુ તણાવ પડે છે. વધુમાં, તબીબોએ પોતાને સારવારના નવા પ્રોટોકોલ, સંશોધનો, વિશ્વવ્યાપી અને સ્થાનિક સ્તરના શ્રેષ્ઠ આચરણો સામે સન્મુખ થવું પડે છે. નિવાસી તબીબોને તેમની પરીક્ષાઓ નજીક આવીને ઉભી છે જેથી કોવિડની ડ્યૂટીના કારણે તેમની ચિંતામાં વધારો થયો છે અને તેમને તૈયારીઓ માટે ખૂબ જ ઓછો સમય મળે છે. સૌથી મોટી વાત એ છે કે, તેઓ બધા જ દર્દીઓને મૃત્યુ પામતા જોતા હોવા છતાં તેનાથી હતોત્સાહ થયા વગર નિષ્ઠા અને સમર્પણ સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
તબીબોને જે લાંછનને આધીન બનાવવામાં આવે છે તે અંગે જણાવતાં ડૉ. શાહે જણાવ્યું હતું કે સમાજ લાંછનની પ્રતિક્રિયા હિંસા દ્વારા આપે છે. ત્યારબાદ ફરી વખત, તેમના કેટલાક પડોશીઓ આવા અનિશ્ચિત સમયમાં તેમના જૂસ્સાને ઊંચો રાખવા માટે હંમેશા પ્રયત્ન કરી રહ્યાં છે.
ડૉ. શાહે જાણકારી આપી હતી કે તેમના કેટલાક સહકર્મીઓ વાયરસનો શિકાર બન્યાં હતા. પરંતુ ત્યારબાદ સાજા થતાની સાથે જ તેઓ ફરી વખત ફરજ પર પરત ફર્યા હતા.
તબીબી સમુદાયની અપેક્ષાઓ અંગે ડૉ. શાહે જણાવ્યું હતું કે, “અમે આશા રાખી રહ્યાં છીએ કે કોવિડ-19 બાદ આરોગ્ય માળખાં અને આરોગ્ય વ્યાવસાયિકો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી અમે ભવિષ્યમાં આવા પ્રકારની બિમારોઓનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર રહી શકીએ.”
છ મિનિટ ચાલવાના પરીક્ષણની અગત્યતા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ડૉ. ઝંવરે જણાવ્યું હતું કે તે માત્ર ગંભીરતાના આધાર પર દર્દીઓને અલગ પાડવાનું પરીક્ષણ છે અને તે RT-PCR પરીક્ષણનું સ્થાન લઇ શકે તેમ નથી.
અનલૉક 2ના તબક્કામાં આરોગ્ય સંબંધિત માહિતી સંચાર કેવી રીતે આદર્શરૂપ હોવો જોઇએ તેના સંદર્ભમાં ડૉ. શાહે જણાવ્યું હતું કે, હવે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇ આરોગ્ય વ્યાવસાયિકોના હાથમાંથી આગળ વધીને જનસમુદાય સુધી પહોંચી ગઇ છે. આથી, સરકાર અને ICMR દ્વારા નિર્દિષ્ટ કરેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું હવે જનસમુદાયની જવાબદારી છે, જે અત્યારે કોરોના સંબંધિત માહિતી સંચારનો મુખ્ય આધાર બનવું જોઇએ.
ડૉ. શાહે વધુમાં અભિપ્રાય આપ્યો હતો કે, માધ્યમો અને માહિતી સંચાર વ્યવસ્થામાં પુરાવા-આધારિત માહિતી સંચારની સાથે સાથે આશા અને સકારાત્મકતાની લાગણીનું પ્રતિબિંબ પણ રજૂ થવું જોઇએ.
વૃદ્ધ લોકો ઉપર કોવિડ-19ની મનોવૈજ્ઞાનિક અસર અંગે ડૉ. શાહે જણાવ્યું હતું કે, વૃદ્ધ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિતો સાથે જોડાયેલા રહેવા પ્રોત્સાહન આપવું જોઇએ.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવાઓ અંગે ડૉ. ઝંવરે જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવાઓ લેવી એક તરફ સારી બાબત છે, પરંતુ આપણે કોવિડ-19ના નિવારાત્મક પગલાંઓ જેમ કે માસ્ક પહેરવું, હાથ ધોવા અને શારીરિક અંતર જાળવવા જેવા પગલાં સમક્ષ તેને સંબંધિત મૂંઝવણ ઉભી ન કરવી જોઇએ.
પોતાના પ્રારંભિક પ્રવચનમાં મહાનિદેશકે આનંદીબેન પટેલ, દ્વારકાનાથ કોટનિસ, બિધાન ચંદ્ર રોય જેવા પ્રખ્યાત તબીબોને યાદ કર્યા હતા જેમણે માનવજાતની ઉમદા સેવા માટે લોકો તરફથી ભારે આદરભાવ મળી રહ્યો છે. તબીબો પ્રત્યે પોતાના આદરભાવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજે આપણે અહીં એકત્રિત થયા છે, તેનું કારણ બીજું કોઇ નહીં પરંતુ આપણાં તબીબો અને આરોગ્ય સંભાળ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોરોના યોદ્ધાઓ છે. “જ્યારે વિશ્વ કોવિડ-19 મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે કોરોના વાયરસ સામે લાંબી ચાલનારી આ લડાઇમાં કોરોના યોદ્ધાઓ સૌથી અગ્ર હરોળમાં ઊભા રહ્યાં છે.” કોરોના વાયરસ સામે લડવા માટે કેન્દ્રના અસરકારક, સક્રિય અને ક્રમિક અભિગમ અંગે તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓને ખૂબ જ નજીકથી સહકાર પૂરો પાડી રહી છે. કોઇ એક રાજ્યની સફળગાથાની જાણકારી બીજા રાજ્યોને પણ આપવામાં આવી રહી છે, જેથી તે સફળગાથાનું અનુકરણ અન્ય રાજ્યોમાં પણ કરી શકાય. કોવિડ-19 સામેની લડાઇનો જવાબ સુગ્રથિત વ્યૂહરચનાનો અમલ કરીને આપવામાં આવ્યો છે. આજે, ધારાવી એક સફળ મોડલ બની ગયું છે જેનો અભ્યાસ સમગ્ર દેશની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે, બ્રાઝિલને તે જાણવામાં રસ છે કે આ સફળતાનું પ્રતિબિંબ સાઉ પાઉલોમાં કેવી રીતે પાડી શકાય.” મહાનિદેશકે જાહેર માહિતી સંચારમાં આપણી જ્ઞાનની ઉણપ દૂર કરવા અને વધુ સારી સહાનુભૂતિ માટે પુરાવા-આધારિત માહિતી સંચારના અગત્યતા ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો.
ROB પૂણેના નિદેશક સંતોષ અજમેરાએ આભાર પ્રવચન આપ્યું હતું, જેમણે કોવિડ-19 સામેની લડાઇ જીતવામાં જાહેર માહિતી સંચારના મહત્ત્વ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
GP/DS
(Release ID: 1635701)
Visitor Counter : 250