વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે સૌ પ્રથમ ‘BIMSTEC પોર્ટ’ સંમેલનનું ઉદઘાટન કર્યું

Posted On: 07 NOV 2019 8:59PM by PIB Ahmedabad

3 ભારતીય બંદરો અને પોર્ટ ઓથોરિટી ઓફ થાઇલેન્ડ (રંગોંગ બંદર) વચ્ચે વેપાર સહકાર વધારવા માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરાયા

7-8 નવેમ્બર, 2019ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત સૌ પ્રથમ BIMSTEC બંદરોની પરિષદનું શિપિંગ રાજય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પરિષદ દરિયાઇ સહકાર, બંદર આધારિત જોડાણ પહેલો અને સભ્ય દેશો વચ્ચે શ્રેષ્ઠ પ્રણાલીઓના આદાન-પ્રદાન મજબૂત કરવા માટે મંચ પૂરો પાડવાનો હેતુ ધરાવે છે. જોડાણ પૂરું પાડવું BIMSTEC દેશોની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકીનો એક વિષય છે.

પરિષદનું ઉદઘાટન કરતી વખતે શ્રી મનસુખ માંડવિયાએ સબકા સાથ, સબકા વિકાસના સૂત્ર ઉપર વિશેષ ભાર મુકીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના SAGAR (સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝિયન)ની દૂરંદેશિતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેનો ઉદ્દેશ ક્ષેત્રમાં આવેલા તમામ દેશોને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા પૂરી પાડવાનો છે. મંત્રીએ વધુમાં ભારત BIMSTEC સભ્ય રાષ્ટ્રો સાથે ગાઢ સંબંધોનું નિર્માણ કરવા માટે ઉત્સુક છે તેવો ઇરાદો પણ જાહેર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે બંદરોની પ્રથમ BIMSTEC પરિષદ આ ઉદ્દેશને આગળ વધારવા માટે ખૂબ લાંબી સફર કાપશે.

આંધ્રપ્રદેશ સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક અને યુવા ઉત્થાન મંત્રાલયના મંત્રીશ્રી એમ.એસ.રાવ, આંધ્રપ્રદેશના ઉદ્યોગ, વાણિજ્ય અને માહિતી તકનિક મંત્રી શ્રી એમ.જી.રેડ્ડીની સાથે સાથે વિશાખાપટ્ટનમના સંસદસભ્ય શ્રી. એમ.વી.વી. સત્યનારાયણે પણ પરિષદમાં હાજરી આપી હતી.

07 નવેમ્બરના રોજ પરિષદ દરમિયાન રંગોગ બંદર (પોર્ટ ઓથોરિટી ઓફ થાઇલેન્ડ) અને ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, કોલકાતા પોર્ટ ટ્રસ્ટ વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આ સમજૂતી કરાર જોડાણ મજબૂત કરવાના BIMSTECના ઉદ્દેશ સાકાર કરવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે અને તે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક ભાગ છે. આ સમજૂતી કરાર થાઇલેન્ડના પશ્ચિમ દરિયા કિનારા ઉપર આવેલા બંદરો અને ભારતના પૂર્વ દરિયા કાંઠા ઉપર આવેલા બંદરો જેમ કે ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ અને કોલકાતા વચ્ચે જોડાણમાં વધારો કરશે. આ સમજૂતી કરાર ભારત અને થાઇલેન્ડ વચ્ચે પ્રવાસનો સમય 10-15 દિવસથી ઘટાડીને 7 દિવસ કરીને આર્થિક ભાગીદારીમાં પણ વધારો કરશે.

ભારત બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન’(BIMSTEC)ને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે. BIMSTEC દક્ષિણ એશિયાના પાંચ દેશો (બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, ભૂતાન અને નેપાળ) અને દક્ષિણ પૂર્વ એશિયા (મ્યાનમાર અને થાઇલેન્ડ)ના બે દેશો વચ્ચે જોડવાની કામગીરી કરે છે.

BIMSTEC ક્ષેત્ર વિશ્વની 22% વસ્તી એટલે કે 167 અબજ લોકોને આવરી લે છે અને તેની સંયુક્ત જીડીપી 3.71 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. અત્યાર સુધી ચાર BIMSTEC બેઠકો યોજવામાં આવી છે. આ અગાઉ 30-31 ઓગસ્ટ 2018ના રોજ કાઠમંડુ ખાતે BIMSTEC બેઠક (અગાઉની બેઠકો 2004માં બેંગકોક, 2008માં નવી દિલ્હી, 2014માં નાઇ પાઇ ટાઉ) યોજાઇ હતી. 2016માં ગોવામાં ‘BIMSTEC આઉટરિચ સમિટ અને લીડર્સ સમિટ યોજાઇ હતી. 30મી મે, 2019ના રોજ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશના વડાઓએ પણ ભાગ લીધો હતો.

NP/DS/RP



(Release ID: 1591059) Visitor Counter : 244


Read this release in: English , Hindi , Bengali