PIB Headquarters

રૂપિયા 6 કરોડની જીએસટીની ચોરી પકડાઇ

Posted On: 27 SEP 2019 6:30PM by PIB Ahmedabad

સુરત ઝોનલ યુનિટનાં ડીજીજીઆઈનાં અધિકારીઓને એક બાતમી મળી હતી કે સીક્યોરિટી સર્વિસ પ્રદાન કરતી મેસર્સ નિસા ઇન્ડસ્ટ્રિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, વાપી જીએસટી એકત્ર કરીને જીએસટીની ચોરી કરવામાં સંકળાયેલી છે અને સરકારી તિજોરીમાં જીએસટી ભરતી નથી. આ માહિતી પ્રાપ્ત થતાં અધિકારીઓએ વાપીમાં કથિત જીએસટી રજિસ્ટ્રન્ટનાં સંકુલોમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મોટી કરચોરી દર્શાવતા ગેરરીતિનાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં. આ યુનિટ ગુજરાતમાં અમદાવાદ, બરોડા, ભરુચ, સુરત અને વાપીમાં સ્થિત વિવિધ ઔદ્યોગિક એકમોને સીક્યોરિટી સર્વિસીસ પ્રદાન કરે છે. શરૂઆતનાં અંદાજ મુજબ, જીએસટીની ચોરી આશરે રૂ. 6.00 કરોડની છે, જેની કબૂલાત રજિસ્ટ્રન્ટે કરી છે અને થોડાં દિવસોમાં ભરવાની ખાતરી આપી છે. જપ્ત કરેલા દસ્તાવેજોની તપાસ ચાલુ છે, જેથી જો વધારે કરચોરી હોય તો એની જાણકારી મળે.

અન્ય એક તપાસ મેસર્સ પરમ કન્સ્ટ્રક્શન કંપની, 210એ, દીપ કમલ કમર્શિયલ હબ, પ્રાણીસંગ્રહાલય પાસે, સાર્થના જકાત નાકા, સુરત સામે હાથ ધરવામાં આવી હતી, જે કન્સ્ટ્રક્શન સર્વિસ પ્રદાન કરે છે. એવો ખુલાસો થયો હતો કે, કથિત કંપનીએ ઇનવોઇસ રેઇઝ કરીને સર્વિસ ટેક્ષ/જીએસટી એકત્ર કર્યો હતો, પણ સરકારમાં જમા કરાવ્યો નહોતો. પ્રાથમિક અંદાજ મુજબ, કંપનીએ રૂ. 20 કરોડથી વધારેની સર્વિસ આપી છે, જેમાં રૂ. 2.75 કરોડની કરચોરી કરી છે. કંપનીએ સ્વૈચ્છિક ધોરણે કરવેરાની જવાબદારી સ્વીકારી હતી અને આંશિક ચુકવણી કરી હતી તેમજ બાકીની ચુકવણી થોડાં દિવસોમાં કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત આ કેસમાં તપાસ ચાલુ છે.

 

 



(Release ID: 1586648) Visitor Counter : 125


Read this release in: English