વહાણવટા મંત્રાલય

લોથલ ખાતે આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટ સિટી ખાતે મેરિટાઇમ પાર્ક બનાવાશે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા


પરિવહન ખર્ચ ઓછું કરવા માટે જળ પરિવહન શ્રેષ્ઠ માર્ગ: કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી માંડવીયા

પોસ્ટેડ ઓન: 21 SEP 2019 5:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરાત કરી હતી કે ગુજરાતના લોથલ ખાતે આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે. શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું. તેમણે ઉમેર્યું હતું કે, મેરિટાઇમ ક્ષેત્ર ભારત માટે નવું નથી આથી તેનો ઇતિહાસ દેશ અને દુનિયા સામે મુકવા માટે લોથલમાં અંદાજે 400 થી 500 કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ કોમ્પલેક્ષ તૈયાર કરાશે. જેમાં મેરીટાઈમ ઇતિહાસ, સંબંધિત રેપ્લિકાઓ, તેની સાથે સંકળાયેલા પુરાવાઓ, મેરિટાઇમ સંશોધનો અને સંસાધનો દર્શાવાશે. કેન્દ્રીય મંત્રી આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે “ગુજરાત સહિત ભારત અને વિશ્વમાં બંદર અને સહાયક ક્ષેત્ર: ઉભરતી તકો અને પડકારો” વિષય પર આયોજિત સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા.

 

કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાએ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે મેરિટાઇમ પાર્ક ઉભુ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગનો ઉદ્યોગ વિકસેલો છે, ગુજરાતમાં મહત્વના બંદરો આવેલા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે આ પ્રકારનું મેરીટાઇમ પાર્ક ઊભું કરવાથી મેરીટાઇમ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

 

મેરીટાઈમ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં પરિવહન ખર્ચ 14 ટકા છે જ્યારે વિશ્વમાં તે સરેરાશ 9 ટકા છે. ભારતે જો સ્પર્ધામાં ટકી રહેવું હોય તો પરિવહન ખર્ચ ઓછો કરવો આવશ્યક બની જાય છે. ભારતમાં એક ટન માલ એક કિલોમીટર સુધી પરિવહન કરવા માટે માર્ગ પરિવહનમાં ત્રણ રૂપિયા, રેલવે પરિવહનમાં બે રૂપિયા અને જળપરિવહનમાં 90 પૈસાનો ખર્ચ લાગે છે. આથી જો માલ પરિવહનનો ખર્ચ ઘટાડવો હોય તો જળ પરિવહન વ્યવસ્થા વિકસાવી અને અપનાવી ખૂબ જરૂરી છે. પરિણામે આ ક્ષેત્રમાં અદભુત અવસરો રહેલા છે અને મેરીટાઇમ મેનેજમેન્ટ ક્ષેત્રે ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

મેરિટાઇમ ક્ષેત્રમાં ભરપૂર રોજગારની સંભાવનાઓ વિશે જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં વહાણવટા ક્ષેત્રે પાંચ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનું છે. આ માટે તેમણે શિપિંગ મહાનિર્દેશક દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ધરખમ સુધારો કર્યો છે, જેનાથી પરીક્ષાના પરિણામમાં સુધારો આવ્યો છે અને દરિયા ખેડુઓ (Seafarers)ની સંખ્યા અંદાજે 2014 માં 94000 હતી તે વધીને આજે 2,14,000 સુધી પહોંચી ગઈ છે.

 

ક્રુઝ પર્યટન ક્ષેત્રમાં રોજગારીની તકો વિશે જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે તેઓ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, વિશાખાપટ્ટનમ અને ગોવા એમ પાંચ સ્થળોએ ક્રુઝ ટર્મિનલ બનાવી રહ્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થશે. તેમણે જણાવ્યું હતું કે તુતીકોરીન અને કોચીનને ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.

 

શીપીંગ ક્ષેત્રમાં રહેલી તકો વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે તેઓ ભારતને નૌકા નિર્માણ (barge construction) માટેનું હબ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ફિલીપાઇન્સનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે આ નાનકડો દેશ આજે ટગ બોટ નિર્માણ ક્ષેત્રે અવ્વલ નંબરે છે. ભારત પણ મધ્યમ કક્ષાના શિપ ક્ષેત્રે નંબર વન બની શકે તેમ છે. તેમણે જણાવ્યું કે આઇઆઈટી ચેન્નાઈ ખાતે સેન્ટર ઓફ એકસેલન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દરિયામાં ડ્રેજીંગ ક્ષેત્રે સંશોધન કરી રહ્યું છે.

 

મહાત્મા ગાંધી દ્વારા આ દેશને આપવામાં આવેલી અમૂલ્ય ભેટ એવી બુનિયાદી શિક્ષણ વ્યવસ્થા અંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે બુનિયાદી શિક્ષણનો પાયો સમૂહજીવન, સ્વાવલંબન અને બાળકના સર્વાંગી વિકાસ પર રહેલો છે. આ શિક્ષણ વ્યવસ્થા અપનાવીને દેશ ફરીથી વિશ્વ ગુરુ બની શકે તેમ છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આધુનિક શિક્ષણ અભ્યાસક્રમ વિશે 22 મુદ્દા તૈયાર કરવામાં આવ્યા છે; જેમાં 18 મુદ્દાઓમાં ગાંધીજી દ્વારા આપવામાં આવેલી બુનિયાદી શિક્ષણ વ્યવસ્થાની ઝલક જોવા મળે છે.

 

ઉદ્ઘાટન સમારંભ બાદ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડ્યા, પ્રો-વાઈસ ચાન્સેલર ડો. જગદીશ ભાવસાર, નેધરલેન્ડ એલચી કચેરીમાં વેપાર અને રોકાણ કમિશનર શ્રી અમલન બોરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

J.Khunt


(રીલીઝ આઈડી: 1585767) મુલાકાતી સંખ્યા : 278
આ રીલીઝ વાંચો: English