માનવ સંસાધન વિકાસ મંત્રાલય
અમદાવાદમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં 200 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઈસરોની સાત સમસ્યાઓ હલ કરવા મેદાને પડશે
36 કલાકની નોન-સ્ટોપ હેકાથોનમા 12 રાજ્યોની 29 ટીમો ભાગ લેશે
Posted On:
01 MAR 2019 6:09PM by PIB Ahmedabad
ગત વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) કેન્દ્રસ્થાને રહેશે, જેમાં દેશભરના 12 રાજ્યોમાંથી આવનારા 174 વિદ્યાર્થીઓ અને 26 પ્રોફેસરો ઈસરોની સાત સમસ્યાઓ હલ કરવા મેદાને પડશે. બીજી અને ત્રીજી માર્ચના રોજ યોજાનારી ૩૬ કલાકની આ નોન-સ્ટોપ હેકાથોનમાં બે આઈઆઈટી અને એક એનઆઈટી સહિત 29 ટીમો ભાગ લેશે.
વિશ્વની સૌથી મોટી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2019 દેશભરના 48 નોડલ સેન્ટરોમાં એકસાથે યોજાશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સથી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. અમદાવાદમાં યોજાનારી હેકાથોનમાં ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઈસરો સામેના શિવાનંદ આશ્રમમાં આ કાર્યક્રમ યોજાશે.
હેકાથોનની યજમાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠ, ઈસરોના વૈજ્ઞાનિકો હરેશ ભટ્ટ અને અતુલ શુક્લા તથા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સ્મિતા કેલકરે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા કહ્યું હતું કે ઈસરો માટે યોજાનારી અમદાવાદ હેકાથોનમા રાજસ્થાનની 5, તામિલનાડુ અને પોંડીચેરીની ચાર - ચાર, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ત્રણ-ત્રણ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કોઇમ્બતુર અને પશ્ચિમ બંગાળની બબ્બે ટીમો મધ્યપ્રદેશ તથા દિલ્હીની એક એક ટીમો ભાગ લેશે. ઈસરો તરફથી આ વખતે સાત વિવિધ સમસ્યાઓ આપવામાં આવી છે.
બીજી બાજુ જીટીયુ સંલગ્ન દસ કૉલેજોની 22 ટીમો હેકાથોનમા ભાગ લેવા વિવિધ રાજ્યોમાં ગઈ છે. ભારતભરમાંથી આશરે બે લાખ વિદ્યાર્થીઓએ આ હેકાથોન માં ભાગ લેવા માટે અરજી કરી હતી, જેમાંથી 52 હજાર વિદ્યાર્થીઓને માન્ય રહી હતી. તેમાંથી 8 વિદ્યાર્થીઓની એક એવી 34000 ટીમો નક્કી કરવામાં આવી હતી. તેઓને વિવિધ મંત્રાલય તથા સમાજને લગતી 500 સમસ્યાઓ આપવામાં આવી હતી. આમાંથી 1300 ટીમો ફાઈનલમાં પહોંચી છે. ગત વર્ષે હેકાથોનમા તૈયાર થઈ ચૂકેલી 20 સોફ્ટવેર અને 12 હાર્ડવેર એપ્લિકેશનો હાલમાં વિવિધ મંત્રાલયોની સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બની રહી છે.
NP/J.Khunt
(Release ID: 1567045)
Visitor Counter : 307