પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઓડિશામાં તાલચેર ફર્ટીલાઈઝર પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 SEP 2018 12:55PM by PIB Ahmedabad

મંચ પર વિરાજમાન ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલજી, રાજ્યના મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જુએલ ઓરમજી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, સંસદમાં મારા સાથી શ્રી સતપતીજી, અહીંના ધારાસભ્ય બ્રજકિશોર પ્રધાનજી, અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આના પછી મારે એક વિશાળ જનસભામાં બોલવાનું છે અને એટલા માટે હું તેની વિસ્તારપૂર્વકની ચર્ચા અહિં ન કરીને ખુબ ઓછા શબ્દમાં આ શુભ અવસરની, તેના પ્રત્યે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને સમય સીમામાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાના સંકલ્પની સાથે હું સંલગ્ન તમામ લોકોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

એક રીતે આ પુનરોદ્ધારનું કાર્ય કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. અનેક દાયકાઓ પહેલા જે સપનાઓ ગૂંથવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ન કોઈ ખામીના કારણે તે બધા જ સપનાઓ ધ્વસ્ત થઇ ચુક્યા હતા. અને અહિંના લોકોએ પણ આશા છોડી દીધી હતી કે શું આ પ્રોજેક્ટને, આ ક્ષેત્રને પુનર્જીવન પ્રાપ્ત થઇ શકે છે ખરું?

પરંતુ અમે સંકલ્પ કર્યો છે દેશમાં નવી ઊર્જાની સાથે, નવી ગતિની સાથે દેશને નવી ઊંચાઈઓ પર લઇ જવાનો છે, અને તે સંકલ્પને સિદ્ધ કરવા માટે એવા અનેક વિશાળકાય પ્રોજેક્ટ, અનેક વિશાળકાય યોજનાઓ, અનેક વિશાળકાય પહેલો, તેમાં પણ ઊર્જા જોઈએ, તેમાં પણ ગતિ જોઈએ, તેમાં પણ સંકલ્પ શક્તિ જોઈએ અને તેનું જ પરિણામ છે કે લગભગ 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આજે આ પ્રોજેક્ટના પુનરોદ્ધારનું અહિયાં પ્રારંભ થવા જઈ રહ્યો છે.

સંપૂર્ણ હિન્દુસ્તાનને માટે આ નવી ટેકનોલોજી છે. કોલ ગેસિફીકેશન દ્વારા અહીંના આ કાળા હીરાને એક નવી ટેકનોલોજી દ્વારા માત્ર આ ક્ષેત્રને જ નહી; દેશને પણ નવી દિશા મળવાની છે. દેશને બહારથીજે ગેસ લાવવો પડે છે, બહારથી યૂરિયા લાવવું પડે છે; તેનાથી પણ મુક્તિ મળશે અને બચત થશે.

આ ક્ષેત્રના નવયુવાનો માટે પણ આ રોજગારનો મોટો અવસર છે. આશરે સાડા ચાર હજાર લોકો આ પ્રોજેક્ટની સાથે જોડાશે અને તેના કારણે તેની આસપાસ પણ ઘણી બધી વ્યવસ્થાઓ વિકસિત થાય છે, જેનો લાભ અહિંયા મળશે.

વિકાસની દિશા કઈ રીતે બદલી શકાય તેમ છે – નીતિ સાફ હોય, નિયત દેશને માટે સમર્પિત હોય, ત્યારે નિર્ણયો પણ શ્રેષ્ઠ હોય છે. આપણા દેશમાં નવરત્ન, મહારત્ન, રત્ન – એવા અનેક સરકારી પીએસયુની ચર્ચા આપણે સાંભળતા આવ્યા છીએ. ક્યારેક સારા સમાચાર, તો ક્યારેક ખરાબ સમાચાર આવતા રહે છે. પરંતુ તેમને મિલાવીને એક નવશક્તિ બનીને કઈ રીતે કોઈ પ્રોજેક્ટને આગળ વધારી શકાય તેમ છે, તે એક નવું ઉદાહરણ દેશની સામે પ્રસ્તુત થશે કે જ્યારે દેશના આ પ્રકારના રત્ન એકઠા થઈને મહારત્ન એકત્રિત થઈને આ પ્રોજેક્ટની જવાબદારી લેશે અને તે સૌના નિષ્ણાતો, તે સૌનું ધન આ કામમાં લાગશે અને ઓડિશાના જીવનને અને દેશના ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું કારણ બનશે.

મને જણાવવામાં આવ્યું છે, કારણ કે હું એવા પ્રોજેક્ટમાં જાઉં છું તો હું પુછુ છું કે ઉત્પાદનની તારીખ જણાવો. તેમણે મને 36 મહિના કહ્યાં છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે 36 મહિના પછી હું ફરીથી અહિં તમારી વચ્ચે આવીશ અને તેનું ઉદઘાટન પણ તમારી વચ્ચે કરીશ. એ જ વિશ્વાસની સાથે હું ફરી એકવાર મુખ્યમંત્રીજીનો હૃદયથી આભાર વ્યક્ત કરીને આ મારી વાણીને અહિં વિરામ આપું છું.

ખુબૂ-ખૂબ આભાર!

 

RP



(Release ID: 1546958) Visitor Counter : 62