પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં વિવિધ પરિયોજનાઓનાં ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી

Posted On: 29 JUL 2018 2:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તરપ્રદેશમાં રૂ. 60,000 કરોડથી વધારેનાં રોકાણ સાથે 81 પ્રોજેક્ટનાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટનાં આયોજનનાં થોડાં મહિનાની અંદર આ વિવિધ પરિયોજનાઓએ આકાર લીધો છે. ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન ફેબ્રુઆરી, 2018માં થયું હતું, જેનો ઉદ્દેશ રાજ્યમાં રોકાણને આકર્ષવાનો અને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાનો હતો.

અહીં પ્રધાનમંત્રીએ દેશનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ અસગ્રસ્ત લોકોને સહાય કરવા રાજ્ય સરકારો સાથે કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર નાગરિકોની સારસંભાળ લેનાર સંવેદનશીલ સરકાર છે અમારો ઉદ્દેશ લોકોનાં જીવનમાં મુશ્કેલીઓ દૂર કરવાનો અને જીવનની સરળતા વધારવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, આજે આપણે ઉત્તરપ્રદેશની કાયપલટ કરવાનાં પ્રયાસરૂપે એકત્ર થયાં છીએ. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાંચ મહિનાની અંદર (દરખાસ્તથી ભૂમિપૂજન) વાસ્તવિક સ્વરૂપે આકાર લઈ રહ્યાં છે, જે ખરેખર ઉત્કૃષ્ટ બાબત છે, તેમણે આ સિદ્ધિ બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે નોંધ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજ્યનાં ચોક્કસ ક્ષેત્રો પૂરતાં મર્યાદિત નથી, પરંતુ તે રાજ્યને સંતુલિત વિકાસ માટે સક્ષમ બનાવશે.

પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારની નવી કાર્યશૈલીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્યમાં રોકાણનાં વાતાવરણમાં થયેલું પરિવર્તન રોજગારી, વેપાર, સારાં માર્ગો, પર્યાપ્ત વીજ પુરવઠો અને ઉજ્જવળ ભવિષ્ય માટે અવસરો લાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રોજગારીની ઘણી નવી તકો પ્રદાન કરશે અને સમાજનાં વિવિધ તબક્કાઓને લાભાન્વિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા મુખ્ય કાર્યક્રમોને આ પ્રોજેક્ટ મારફતે મોટું પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ લાખ સામાન્ય સેવા કેન્દ્રો ફેલાયેલા છે, જે કાર્યદક્ષ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનીને ગ્રામજનોનાં જીવનમાં પરિવર્તન લાવી રહ્યાં છે, તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર પરંપરાગત કાર્યશૈલીનો અંત લાવી રહી છે તથા સમાધાન અને જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, ભારત મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો સૌથી મોટો દેશ બની ગયો છે અને આ ઉત્પાદન ક્રાંતિમાં ઉત્તરપ્રદેશની મુખ્ય ભૂમિકા રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માળખાગત પરિયોજનાઓ પૂર્ણ થવાથી ભારતમાં વેપાર-વાણિજ્ય કરવામાં વધારે સરળતા પ્રાપ્ત થશે અને માલપરિવહન પર થતો ખર્ચ ઘટશે. તેમણે ઉદ્યોગસાહસિકો અને વેપારીઓને ડિજિટલ નાણાકીય વ્યવહારો તરફ આગળ વધવા માટે વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ દેશમાં વીજ પુરવઠો વધારવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ પરંપરાગત ઊર્જાથી સ્વચ્છ ઊર્જા તરફ આગેકૂચ કરી રહ્યો છે તથા ઉત્તરપ્રદેશ સૌર ઊર્જાનું કેન્દ્ર બનશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ઊર્જા ખાધ 2013-14માં 4.2 ટકાથી ઘટીને અત્યારે 1 ટકાથી ઓછી થઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતનો રોડમેપ જન ભાગીદારી મારફતે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાનો છે.

 

RP


(Release ID: 1540558) Visitor Counter : 126