પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તરપ્રદેશના નોઈડામાં સેમસંગ મોબાઈલ ઉત્પાદન એકમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 09 JUL 2018 8:25PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ અને મારા મિત્ર શ્રીમાન મૂન જે-ઈન, સેમસંગના વાઈસ ચેરમેન જય વાય. લી, કોરિયા અને ભારતના પ્રતિનિધિઓ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો.

મારા મિત્ર રાષ્ટ્રપતિ મૂનની સાથે નોઈડામાં બનેલી સેમસંગની આ ફેક્ટરીમાં આવવું મારા માટે ખૂબ સુખદ અનુભવ છે. મોબાઈલ ઉત્પાદનનું નવું એકમ ભારતની સાથે જ ઉત્તરપ્રદેશ અને નોઈડા માટે પણ ગૌરવનો વિષય છે. આ નવા એકમ માટે સેમસંગની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામના પાઠવું છું.

સાથિયો, ભારતને ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાની દિશામાં આજનો આ અવસર ખૂબ મહત્વનો છે. 5 હજાર કરોડ રૂપિયાનું આ રોકાણ ભારતમાં સેમસંગના વ્યાપારિક સંબંધોને ન માત્ર મજબૂત બનાવશે, પરંતુ ભારત અને કોરિયાના સંબંધો માટે પણ મહત્વનું સાબિત થશે. સેમસંગનું ગ્લોબલ આર એન્ડ ડી હબ ભારતમાં છે, અને હવે આ ઉત્પાદન સુવિધા પણ આપણું ગૌરવ વધારશે.

સાથિયો, જ્યારે પણ વ્યાપારી સમુદાયના લોકો સાથે મારી વાતચીત થાય છે તો એક વાત હું હંમેશા કહું છું. ભારતમાં કદાચ જ એવું કોઈ મધ્યમ વર્ગ ઘર હશે જ્યાં ઓછામાં ઓછું એક કોરિયાઈ ઉત્પાદન ત્યાં નજરમાં ન આવતું હોય. નિશ્ચિતપણે ભારતીય લોકોના જીવનમાં સેમસંગે પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. ખાસ કરીને તમારા ફોન, ઝડપથી વધી રહેલા સ્માર્ટ ફોન બજારમાં આજે વૈશ્વિક પ્રતિનિધિત્વ ધરાવે છે. સેમસંગના નેતૃત્વ સાથે જ્યારે પણ મારી વાત થઈ છે તો હંમેશા મેં તેમને ભારતમાં ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે. આજે નોઈડામાં થઈ રહેલું આ આયોજન એ વાતનું એક પ્રતિબિંબ છે. આજે ડિજિટલ ટેકનોલોજી સામાન્ય નાગરિકના જીવનને સરળ બનાવવમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આજે ભારતમાં લગભગ 40 કરોડ સ્માર્ટ ફોન કાર્યરત છે, 32 કરોડ લોકો બ્રોડબેન્ડનો ઉપયોગ કરી રહ્યા છે, ઘણા ઓછા દરે ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ છે, દેશની એક લાખથી વધુ ગ્રામ પંચાયતો સુધી ફાઈબર નેટવર્ક પહોંચી ગયું છે. આ બધી વાતો, દેશમાં થઈ રહેલી ડિજિટલ ક્રાંતિનો સંકેત છે.

સાથિયો, સસ્તા મોબાઈલ ફોન, ઝડપી ઈન્ટરનેટ, સસ્તા ડેટા સાથે આજે ઝડપી અને પારદર્શી સેવાની ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ છે. વિજળી – પાણીનું બિલ ભરવાનું હોય, શાળા-કોલેજમાં પ્રવેશ હોય, પ્રોવિડન્ટ ફંડ હોય કે પેન્શન, લગભગ દરેક સુવિધા ઓનલાઈન મળી રહી છે. દેશભરમાં ફેલાયેલા લગભગ 3 લાખ કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ લોકોની સેવામાં કાર્ય કરી રહ્યા છે. તો શહેરોમાં મફત વાઈ-ફાઈ હોસ્પૉટ ગરીબ, મધ્યમ વર્ગીય યુવાનોની આકાંક્ષાઓને નવી ઉડાન આપી રહ્યાં છે.

એટલુ જ નહિં, જેમ (જેઈએમ) એટલે કે ગવર્નમેન્ટ ઈ માર્કેટ દ્વારા સરકાર હવે સીધી જ ઉત્પાદકો પાસેથી સામાનની ખરીદી કરી રહી છે. એનાથી મધ્યમ અને નાના ઉદ્યમીઓને પણ લાભ થયો છે, તો સરકારી ખરીદીમાં પારદર્શિતા વધી છે.

સાથિયો, આજે ડિજિટલ વ્યવહારો સતત વધી રહ્યા છે. ભીમ એપ અને રૂપે કાર્ડથી વ્યવહારો ઘણા સરળ થયા છે. જૂન મહિનામાં લગભગ 41 હજાર કરોડની લેવડ-દેવડ ભીમ એપ દ્વારા થઈ છે. આજે ભીમ અને રૂપે કાર્ડથી દેશમાં જ નહીં વિશ્વમાં પણ ઉત્સુકતા છે. એવામાં આજે થઈ રહેલું આ આયોજન ભારતના નાગરિકોના સશક્તિકરણમાં યોગદાન તો આપશે જ, મેક ઈન ઈન્ડિયાની ઝુંબેશને પણ ગતિ આપશે.

સાથિયો, મેક ઈન ઈન્ડિયા પ્રત્યે અમારો આગ્રહ માત્ર એક આર્થિક નીતિનો ભાગ નહીં, પરંતુ એ કોરિયા જેવા આપણા મિત્ર દેશો સાથેના સબંધોનો સંકલ્પ પણ છે. આ સેમસંગ જેવી વિશ્વાસુ બ્રાન્ડને નવી તક આપવાની સાથે જ દુનિયાના દરેક વ્યાપારીને ખુલ્લું આમંત્રણ છે જે નવા ભારતના નવા પારદર્શી વ્યાપારની સંસ્કૃતિનો લાભ ઉઠાવવા ઈચ્છે છે. ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા અને વધતા નવમધ્યમ વર્ગ સાથે રોકાણની અનંત સંભાવનાઓ રહેલી છે. મને આનંદ છે કે આ પહેલને આજે દુનિયાભરમાંથી આવકાર મળી રહ્યો છે, સહયોગ મળી રહ્યો છે. મોબાઈલ ફોન ઉત્પાદનની જો વાત કરીએ તો આજે ભારત દુનિયામાં બીજા નંબરે પહોંચી ગયું છે. વિતેલા ચાર વર્ષોમાં ફેક્ટરીઓની સંખ્યા, મોબાઈલ ફોન બનાવનારી ફેક્ટરીઓની સંખ્યા 2થી વધીને 120 થઈ ગઈ છે અને આનંદની વાત એ વાત છે કે જે પૈકી 50થી વધુ તો અહીં નોઈડામાં જ છે. આનાથી 4 લાખથી વધુ નવયુવાનોને સીધી રોજગારી મળી રહી છે. રોજગાર નિર્માણમાં પણ સેમસંગની અગ્રણી ભૂમિકા રહી છે. આખા દેશમાં લગભગ 70 હજાર લોકોને તમે સીધો રોજગાર આપ્યો, જેમાંથી લગભગ 5 હજાર અહીં નોઈડામાં છે. આ નવા પ્લાન્ટથી એક હજાર બીજા લોકોને રોજગારી મળવાની છે. મને જણાવવામાં આવ્યું છે કે અહીં બનેલું આ એકમ કંપનીનું સૌથી મોટું મોબાઈલ ફોન ઉત્પાદન એકમ રહેશે. અહીં દર મહિને લગભગ 1 કરોડ ફોન બનશે. મહત્વપૂર્ણ એ પણ છે કે અહીં જે પણ ઉત્પાદન થશે તેની 30 ટકા નિકાસ થશે. દુનિયાના અલગ-અલગ દેશોમાં જશે. નિશ્ચિતપણે  આનાથી વૈશ્વિક બજારમાં તમારી સ્થિતિ વધુ મજબૂત થશે. એટલે કે કોરિયાની ટેકનોલોજી અને ભારતના ઉત્પાદન અને સૉફટવેર સહયોગથી દુનિયા માટે અમે શ્રેષ્ઠ ઉત્પાદન તૈયાર કરીશું. એ જ આપણા બંને દેશોની તાકાત છે અને આપણો વહેંચાયેલો દ્રષ્ટિકોણ છે.

એક વાર ફરી સેમસંગની આખી ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. અને મને આજે અહીં આમંત્રણ આપ્યું, આ અવસરનો લાભ આપ્યો, એના માટે ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1538248) Visitor Counter : 224


Read this release in: English , Marathi , Assamese , Tamil