રસાયણ અને ખાતર મંત્રાલય

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) હેઠળ ભારત સરકાર દ્વારા 'જનઔષધિ સુવિધા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન'

પરવડે તેવા દરના સેનેટરી નેપકિન હવે 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 3600થી વધુ જનઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ, એક પેડની કિંમત ફક્ત રૂ. 2.50

Posted On: 04 JUN 2018 7:17PM by PIB Ahmedabad

નવી દિલ્હી - 05 જૂન, 2018

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ એલ. માંડવિયાએ આજે (જૂન 04, 2018) પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) હેઠળ 'જનઔષધિ સુવિધા ઓક્સો-બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન' લોન્ચ કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા  આ પરવડે તેવા દરના સેનેટરી નેપકિન હવે 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 3600થી વધુ જનઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ થયા છે. કેન્દ્ર સરકારના રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમારે તા. 8 માર્ચ, 2018 (વિશ્વ મહિલા દિન પ્રસંગે) ના રોજ આપેલા વચન મુજબ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે તમામ મહિલાઓ માટે આ ખાસ ભેટ છે કારણ કે, આ અનોખું ઉત્પાદન પરવડે એવી કિંમતે ઉપલબ્ધ કરાયેલું હોવા ઉપરાંત તેમાં આરોગ્યની સાથે-સાથે ઉપયોગ કરવામાં સરળતા તથા તેના નિકાલનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ જનઔષધિ સુવિધા એટલા માટે ખાસ છે કે તેનો નિકાલ કરાયા પછી તે પ્રાણવાયુ (ઓક્સીજન)ના સંપર્કમાં આવે ત્યારે તે બાયોડીગ્રેડેબલ એટલે કે વિઘટનક્ષમ બની જાય છે. આ સુવિધા દ્વારા ભારતની વંચિત મહિલાઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત થશે તેમજ તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દરેકને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા ના દ્રષ્ટિકોણને સાકાર કરશે.

પરવડે તેવા સુવિધા સેનેટરી નેપકિનની વાત પર ભાર મુકતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે હાલમાં બજારમાં ઉપલબ્ધ સેનેટરી નેપકિનની કિંમત 8 રૂપિયા છે. પરંતુ હવે વંચિત વર્ગો માટે સુવિધા નેપકિન રૂપિયા 2.50ની કિંમતે ઉપલબ્ધ થશે.

શ્રી માંડવિયાએ નોંધ લીધી હતી કે મહિલાઓનો એક વર્ગ કે જે હાલમાં બજારમાં ઉપલબ્ધ સેનેટરી નેપકિનનો ઉપયોગ એટલા માટે નથી કરતો કેમ કે તેની કિંમત પોસાય તેવી નથી અને રજોદર્શનના સમયગાળા દરમિયાન બિનઆરોગ્યપ્રદ સાધનોનો ઉપયોગ કરે છે. આવાં બિનઆરોગ્યપ્રદ સાધનોના ઉપયોગથી મહિલાઓ સંક્રામક ચેપ, પ્રજનન અંગોનો ચેપ, મૂત્રમાર્ગનો ચેપ અને સર્વાઈકલ કેન્સરનો ભોગ બને છે અને ઘણીવાર મહિલાઓને વંધ્યત્વપણાની ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે.

વર્ષ 2015-16ના નેશનલ ફોમિલી હેલ્થ સર્વેક્ષણ મુજબ 15થી 24 વર્ષની વયની અંદાજે 58 ટકા મહિલાઓ સ્થાનિક સ્તરે બનેલા નેપકિનનો અને રૂના ટુકડાનો ઉપયોગ કરે છે, શહેરી વિસ્તારોમાં વસવાટ કરતી અંદાજે 78 ટકા મહિલાઓ રજોદર્શન દરમિયાન આરોગ્યપ્રદ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 48 ટકા મહિલાઓને સ્વચ્છ સેનેટરી નેપકિન ઉપલબ્ધ છે.

આ પ્રસંગે ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ શ્રી નવદિપ રિનવા, બ્યુરો ઑફ ફાર્મા પીએસયુઝ ઑફ ઈન્ડિયા (બીપીપીઆઈ)ના સીઈઓ શ્રી સચિન સિંઘ તથા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NP/J.Khunt/RP



(Release ID: 1534390) Visitor Counter : 146


Read this release in: English , Tamil , Malayalam