પ્રધાનમંત્રીનું કાર્યાલય

શ્રીનગર ખાતે કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 19 MAY 2018 6:26PM by PIB Ahmedabad

મંચ પર ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ શ્રીમાન એન. એન. વોહરાજી, મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીજી, મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન નીતિન ગડકરીજી, ડૉક્ટર જીતેન્દ્ર સિંહજી, આર. કે. સિંહજી, જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન કવિન્દ્ર ગુપ્તાજી, રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સુનીલકુમાર શર્માજી, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી નઝીર અહમદ ખાનજી, સાંસદ અને દેશના વરિષ્ઠ નેતા, આદરણીય ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાજી, સાંસદ શ્રીમાન મુજફ્ફર હુસૈન બૈગજી અને અહિં ઉપસ્થિત સૌ મહાનુભવો અને જમ્મુ કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો છે. તમારૂ પોતાનાપણું, તમારો સ્નેહ જ છે જે મને વારંવાર અહિયાં ખેંચીને લઇ આવે છે. વીતેલા ચાર વર્ષોમાં એવું કોઈ પણ વર્ષ નથી રહ્યું જ્યારે મારે અહિયાં આવવાનું ન થયું હોય. જ્યારે શ્રીનગરમાં પુર પછી પણ દિવાળી હતી, મેં અહિયાં પીડિતોની વચ્ચે જ દિવાળી ઉજવી હતી. તેના સિવાય સરહદ પર ઉભેલા આપણા જવાનો સાથે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો અને આજે જ્યારે રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે પણ હું આપ સૌની વચ્ચે છું. આ મહિનો પયગંબર મહમ્મદ સાહેબના ઉપદેશ અને તેમના સંદેશને યાદ કરવાનો અવસર છે. તેમના જીવનમાંથી મળતી સમાનતા અને બંધુત્વની શિક્ષા જ સાચા અર્થમાં દેશ અને દુનિયાને આગળ લઇ જઈ શકે તેમ છે.

એ પણ સુખદ સંયોગ છે કે રમજાનના આ મુબારક મહિનામાં આપણે અહિં એક ઘણા મોટા સપનાને પૂર્ણ થવાનાં અવસરે એકઠા થયેલા છીએ. આજે મને કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાને દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અનેક મુશ્કેલીઓ પાર કર્યા પછી આ પરિયોજના જમ્મુ કાશ્મીરની વિકાસ યાત્રામાં નવા પાસાને જોડવા માટે તૈયાર છે તે અવસર પર હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. જેનાથી રાજ્યને વિનામુલ્યે અને પૂરતી માત્રામાં વીજળી મળશે. હાલના સમયમાં જમ્મુ કાશ્મીરને જરૂરી વીજળી દેશના અન્ય ક્ષેત્રમાંથી પૂરી પાડવામાં આવે છે. 330 મેગાવોટની આ પરિયોજનાની શરૂઆત થવાથી વીજળીની તંગીની સમસ્યાને ઘણી ઓછી કરી શકાશે.

ભાઈઓ અને બહેનો, આ પરિયોજના એન્જીનીયરીંગની બેજોડ મિસાલ છે. તેને પૂરી કરવા માટે અનેક લોકોએ તપસ્યા કરી છે. પહાડની છાતી ફાડીને કિશનગંગાના પાણીને ટનલના માધ્યમથી બાંદીપોરાની બોનાર નહેરમાં પહોંચાડવામાં આવ્યું. આ પરિયોજના સાથે જોડાયેલ દરેક કારીગર, કર્મચારી, દરેક એન્જીનીયર સૌ કોઈ વિશેષ અભિનંદનને પાત્ર છે. તમારા જ જુસ્સાનું પરિણામ છે કે આ મુશ્કેલ પરિયોજનાને આપણે સૌ પૂર્ણ કરી શક્યા છીએ.

હમણાં અહિં આ મંચ પરથી મને શ્રીનગરના રીંગ રોડનો શિલાન્યાસ કરવાનો પણ અવસર મળ્યો છે. બેતાલીસ કિલોમીટરના આ માર્ગ પર પાંચસો કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ રીંગ રોડ શ્રીનગર શહેરના આંતરિક વિસ્તારોમાં જે સામાન્ય સમસ્યા છે તેને ખૂબ ઓછી કરશે, તમારૂ જીવન સરળ બનાવશે.

આ સાથે જ જમ્મુ કાશ્મીરના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે રાજ્યના ત્રણેય ભાગો કાશ્મીર, જમ્મુ અને લદ્દાખનો સંતુલિત વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. તેને જ ધ્યાનમાં રાખીને અઢી વર્ષ પહેલા 80 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. મને આનંદ છે કે આટલા ઓછા સમયમાં લગભગ ત્રેસઠ કરોડ રૂપિયાના પરિયોજનાને મંજુરી આપી દેવામાં આવી ચુકી છે અને 20 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ પણ કરી નાખવામાં આવ્યો છે. આ રકમથી જમ્મુ કાશ્મીરમાં આઈઆઈટી બનાવવાનું કામ, આઈઆઈએમ બનાવવાનું કામ, બે એઈમ્સ બનાવવાનું કામ, પ્રાથમિક દવાખાનાઓથી લઈને જિલ્લા દવાખાનાઓના આધુનિકીકરણનું કામ પણ ચાલી રહ્યું છે.

નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, બારમાસી રોડ, નવી સુરંગો, પાવર ટ્રાન્સમીશન અને વિતરણ લાઈનો, નદીઓ અને ઝરણાઓનું સંરક્ષણ, ખેડૂતો માટે યોજનાઓ, કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસિંગ, નવયુવાનો માટે રોજગારના નવા અવસરો આવી અનેક નવી પહેલો લેવામાં આવી રહી છે. 21મી સદીનું જમ્મુ કાશ્મીર અહીંના લોકોની આશાઓ, આકાંક્ષાઓને અનુરૂપ હોય, તેના પર પ્રાથમિકતાથી કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ, જ્યારે પણ હું પહાડ ઉપર જાઉં છું તો એક કહેવત જરૂરથી યાદ આવે છે. અગાઉ કહેવાતું હતું કે પહાડની યુવાની અને પહાડનું પાણી ક્યારેય પહાડના કામમાં નથી આવતું. આ કહેવત ત્યારની છે કે જ્યારે આધુનિક ટેકનોલોજીનો એટલો પ્રસાર થયો નહોતો, માણસ પ્રકૃતિની સામે મજબૂર હતો. પરંતુ અત્યારે સમય બદલાઈ ગયો છે. આ કહેવતને તમારા સૌના સહયોગથી અમે બદલવામાં લાગેલા છીએ. જમ્મુ કાશ્મીરનું પાણી અને અહીંના યુવાનો બંને આ ધરતીને કામમાં આવવાનાં છે.

જમ્મુ કાશ્મીરમાં અનેક નદીઓ છે જ્યાં જળ વિદ્યુતની અપાર સંભાવનાઓ છે. આ દેશનો એ ભાગ છે કે જે માત્ર પોતાની જરૂરિયાતો માટે જ નહી પરંતુ દેશને માટે પણ વીજળી ઉત્પન્ન કરવાની સક્ષમતા ધરાવે છે. તેને જ ધ્યાનમાં રાખીને વીતેલા ચાર વર્ષોથી અમે અહિં આગળ અનેક પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છીએ. કિશ્તવાડમાં 8000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી તૈયાર થનારા હાયડ્રો પાવર પરિયોજનાનું કાર્ય પણ ખૂબ જલ્દીથી શરૂ થઇ જશે.

જમ્મુ કાશ્મીરના દરેક ઘર સુધી કોઇ અવરોધ વિના વીજળી પહોંચાડવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ ગ્રીડ અને સ્માર્ટ મીટર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શેરીની લાઈટોનું આધુનીકરણ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના ગામથી લઈને કસબાઓ સુધી તમામને પ્રકશિત કરવા માટે રાજ્યની વીજળી વિતરણ પદ્ધતિને સુધારવા માટે લગભગ 4 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ, માત્ર ગામ અને ઘરો સુધી વીજળી પહોંચાડવી એટલો જ ઉદ્દેશ્ય નથી. પરંતુ જે ઘરોમાં વીજળી પહોંચી ગઈ છે તેમાં વીજળીના બીલનો બોજ ન પડે તેની માટે પણ પ્રયાસો થઇ રહ્યા છે. ઉજાલા યોજના અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં પણ 78 લાખથી વધુ એલઈડી બલ્બનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

તેનાથી અહીંની જનતાને વીજળીનાં બીલમાં દર વર્ષે લગભગ 400 કરોડ રૂપિયાથી વધુની બચત થઇ રહી છે. સરકાર રાજ્યમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનાં પ્રયાસમાં લાગેલી છે. સૌભાગ્ય યોજના હેઠળ હવે જમ્મુ કાશ્મીરના એ દરેક ઘરમાં મફત વીજળી જોડાણ આપવાનું કામ ચાલી રહ્યું છે જ્યાં હજુ સુધી વીજળી નથી પહોંચી શકી.

સાથીઓ જમ્મુ કાશ્મીરમાં વિકાસનું સૌથી મોટું માધ્યમ જો કોઈ ક્ષેત્ર હોય, તો તે પ્રવાસન છે, તે દાયકાઓથી આપણે જોતા આવ્યા છીએ. ઓછા રોકાણ પર સૌથી વધુ રોજગાર ઉત્પન્ન કરનારૂ આ ક્ષેત્ર જમ્મુ કાશ્મીરનું ભાગ્ય વિધાતા બની રહ્યું છે. પરંતુ હવે આ ક્ષેત્ર જુના રીત રીવાજો પર નથી ચાલતું. આજનો પ્રવાસી, આજની સુવિધાઓ ઇચ્છે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કલાકો સુધી રાહ જોઈ શકે તેમ નથી, તે સાંકડા રસ્તાઓમાં ફસાવા નથી માંગતો, તેને સતત વીજળી જોઇએ છે, તે સાફ સફાઈ ઇચ્છે છે, તેને સારી હવાઈ સેવા જોઇએ છે.

પ્રવાસન માટે જે આધુનિક પ્રણાલીની જરૂર હોય છે, તેને ધ્યાનમાં રાખીને અમારી સરકાર અનેક યોજનાઓ પર આગળ વધી રહી છે. જેટલી આ પ્રણાલી મજબુત થશે તેટલી જ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધશે, એટલું જ નહી, જમ્મુ કાશ્મીરના નવયુવાનોને રોજગાર માટે નવા અવસરો પણ મળશે, તેટલી જ તમારી કમાણી પણ વધશે.

સાથીઓ, સમગ્ર વિશ્વમાં અનેક ક્ષેત્રો એવા છે જ્યાંની સંપૂર્ણ અર્થવ્યવસ્થા પ્રવાસન પર આધારિત છે, સમગ્ર દેશની અર્થવ્યવસ્થા. એકલા જમ્મુ કાશ્મીરમાં તે ક્ષમતા છે કે તે ભારતની અર્થવ્યવસ્થાની ગતિ હજુ પણ વધારે વધારવાની ક્ષમતા ધરાવે છે. જો હું માત્ર પ્રવાસનની વાત કરૂ તો લગભગ 2 હજાર કરોડ રૂપિયાના રોકાણથી 12 ડેવલપમેન્ટ ઑથોરીટી, ૩ ટુરીઝમ સર્કીટ, 50 ટુરિસ્ટ વિલેજ બનાવવાનું કામ કરવામાં આવશે. પરંતુ જેમ કે મેં પહેલા પણ કહ્યું, પ્રવાસનની સાથે જ તેના સમગ્ર પ્રણાલીને મજબુત કરવી ખૂબ જ જરૂરી છે.

આ પ્રણાલીનો ઘણો મોટો આધાર છે જોડાણ. એ જ કારણ છે કે જોડાણ માટે જમ્મુ કાશ્મીરમાં ઘણા મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યને આપવામાં આવેલા પેકેજનો લગભગ અડધો ભાગ માર્ગ વિકાસનાં ક્ષેત્ર પર જ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક વિકસી રહ્યું છે.

અહિં આવતા પહેલા, મેં દેશની સૌથી લાંબી જોજિલા સુરંગના કાર્યનો શુભારંભ કર્યો છે. આ ટનલ જમ્મુ કાશ્મીરમાં વિકાસની નવી ગાથા લખવાની છે. તમે વિચારો, કનેક્ટિવિટી વધશે તો ઘણીવાર અભ્યાસ માટે, સંબંધીઓને મળવા જવા માટે, ઈલાજ માટે, વેપાર માટે આવતા જતા, સામાનના ખરીદ-વેચાણના પરિવહન માટે, તમારે ઓછુ હેરાન થવું પડશે. રસ્તામાં મોડા પડવાના કારણે જે આપણા સફરજનો ખરાબ થઇ જાય છે, આપણું શાકભાજી ખરાબ થઇ જાય છે, અહીં ખેડૂતોનું જે નુકસાન થાય છે તે પણ આપણે ઘણી માત્રામાં ઓછું કરી શકીએ તેમ છીએ.

અહિં શ્રીનગરમાં બનનારો રીંગ રોડ હોય, શ્રીનગર-શોપિયા-કાઝીગુંડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે પછી ચેનાની-સુધ મહાદેવ-ગોહા રોડ હોય, તેના પૂર્ણ થવાથી તમારા લોકોનો સમય પણ બચશે અને સંસાધનોનો વ્યય પણ ઓછો થશે. રાજ્યના એવા વિસ્તારો કે જે હિમ વર્ષામાં મહિનાઓ માટે સંપર્ક વિહોણા થાય છે, એમને પણ જોડવામાં આવી રહ્યા છે, તેના માટે હેલીકોપ્ટર સેવા પૂરી પાડવામાં આવી રહી છે. એ પણ તમારી જાણકારીમાં છે કે સરકાર દ્વારા શ્રીનગર અને જમ્મુને સ્માર્ટ સીટી બનાવવા માટે પણ કામ પ્રગતિમાં છે.

શહેરમાં પાણી પૂરું પાડવા અને ગટર વ્યવસ્થાને સરખી કરવા માટે અમૃત યોજના હેઠળ લગભગ સાડા પાંચસો કરોડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આધુનિક સુવિધાઓ હશે, આધુનિક રસ્તાઓ હશે, તો તમારી જિંદગી તો સરળ બનશે જ, જમ્મુ કાશ્મીરમાં, તેની સુંદરતામાં પણ વધારે નવા ચાર ચાંદ લાગી જવાના છે.

ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે ગામ અને શહેરોને સ્માર્ટ બનાવવાની વાત કરીએ છીએ તો સ્વચ્છતા તેનું અભિન્ન અંગ છે. મને ખુશી છે કે જમ્મુ કાશ્મીરની જનતા પણ આ અભિયાનને પૂરી તાકાતથી આગળ વધારી રહી છે.

તાજેતરમાં જ અહિંની એક દીકરીનો વીડિયો મેં સોશિયલ મીડિયા પર જોયો હતો. પાંચ વર્ષની ‘જન્નત’ દાલ લેકને સાફ કરવા માટેના અભિયાનમાં જોડાયેલી છે. જ્યારે દેશનું ભવિષ્ય આટલું પવિત્ર અને સ્વચ્છ વિચારતું હોય, ત્યારે મને આ અભિયાનના એક સભ્ય હોવાના નાતે વધારે ખુશી થાય છે. સાથીઓ, એવા અનેક લોકો છે જે પોતાના સ્તરે આ પ્રકારના કાર્યો કરી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો, મને એ વાતનો અહેસાસ છે કે ભીષણ પુરે અહિયાં જે વિનાશ વેર્યો હતો તેણે તમારા જીવનને બદલી નાખ્યું છે. અમારો એ દરેક શક્ય પ્રયાસ છે કે જ્યાં જ્યાં પણ નુકસાન થયું છે તેની ભરપાઈ થાય અને તેની માટે રાજ્ય સરકારની સતત મદદ કરવામાં આવી રહી છે.

સાથીઓ, એક અન્ય ઘણો ગંભીર વિષય છે જેના પર પીડીપી-ભાજપની સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કાર્ય કરી રહી છે. તે વિષય છે વિસ્થાપિતોનો. જે લોકો સરહદ પારની પરિસ્થિતિથી કંટાળીને અહિં આવ્યા છે, જેમને સ્થાનિક સમસ્યાઓના લીધે ઘર છોડવું પડ્યું છે, જુદી-જુદી જગ્યાઓ પર તેમના પુનર્વસન માટે લગભગ-લગભગ સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ, આજે જમ્મુ કાશ્મીરના અનેક યુવાનો, દેશના અન્ય રાજ્યોના નવયુવાનો માટે આદર્શ બની રહ્યા છે. સનદી સેવામાં જ્યારે અહીંના નવયુવાનોના નામ જોઉં છુ, તેમને મળું છું તો મારી ખુશી બમણી થઇ જાય છે. મને યાદ છે દેશની છાતી ત્યારે ફૂલી ગઈ હતી જ્યારે અહીંના બાંદીપોરાની દીકરીએ કિક બોક્સિંગમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તજામુલ જેવી પ્રતિભાને દેશ બેકાર જવા ન દઈ શકે. એ જ કારણ છે કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરની રમતગમત પ્રતિભાને નિખારવા માટે રાજ્ય સરકારની સાથે મળીને પ્રયાસ કરી રહી છે. એ જ ભાવના અંતર્ગત અહિયાં ખેલકૂદને લગતી માળખાકિય સુવિધાઓ વિકસિત કરવાનો પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાઈઓ અને બહેનો, જમ્મુ કાશ્મીરના નવયુવાનોને શિક્ષણ અને રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની સાથે મળીને અનેક નવી યોજનાઓને સાકાર કરવામાં આવી છે. હિમાયત યોજના અંતર્ગત અહીંના એક લાખ નવયુવાનોને તાલીમ આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. 16 હજારથી વધુ બાળકોને પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમને દેશની શ્રેષ્ઠ કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ શિક્ષણનો અવસર આપવામાં આવ્યો છે. જુદા-જુદા કારણોના લીધે કોલેજો અને શાળાને વચ્ચેથી છોડનારા લગભગ 60 હજાર વિદ્યાર્થીઓને નોકરીનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

અહીંના નવયુવાનો દેશ અને પ્રદેશના નાગરિકોની સુરક્ષામાં કામ આવી શકે, તેના માટે પણ નવા અવસરો પેદા કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસને સશક્ત કરવા માટે 5 ભારતીય રીઝર્વ બટાલીયનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે ભરતીની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે, જે પછી અહીંના 5 હજાર યુવાનોને સુરક્ષાનાં ક્ષેત્રમાં રોજગારી મળી છે.

ભાઈઓ અને બહેનો, અમારી સરકાર માટે નાગરિકો અને રાષ્ટ્રની સુરક્ષા, એ સૌથી મોટી પ્રાથમિકતા છે. આ જવાબદારીને નિભાવવા માટે અમારા સુરક્ષા દળો સતત લાગેલા રહ્યાં છે, અહિયાં જમ્મુ કાશ્મીરની પોલીસ હોય, પેરામીલીટરી ફોર્સ અને સેનાના જવાનો હોય, આપ સૌને હું કહેવા માંગું છું કે મુસીબતની ઘડીમાં પણ તમે શાનદાર કામ કરી રહ્યા છો. તમારી વચ્ચે જે તાલમેળ છે, સહકારભાવ છે, તેના માટે આપ સૌ ખૂબ-ખૂબ અભિનંદનને પાત્ર છો. ભલે તે પૂર હોય કે પછી હિમવર્ષા હોય કે પછી આગ જેવી વિપત્તિઓ હોય, મુશ્કેલીમાં ફસાયેલા દરેક જમ્મુ કાશ્મીરવાસીને માટે સુરક્ષાદળોનું યોગદાન અતુલનીય છે. અહીંની જનતા માટે તે જે કંઈ પણ કરી રહી છે, જે પણ કષ્ટ સહન કરી રહી છે તેનું એક એક ચિત્ર દેશની જનતાના દિલો-દિમાગમાં છવાયેલું છે.

ભાઈઓ અને બહેનો દેશના સવા સો કરોડ લોકો આજે નવા ભારતનાં સંકલ્પ પર કામ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર આ નવા ભારતનો સૌથી ચમકતો સિતારો બની શકે તેમ છે. કોઈ કારણ નથી કે જમ્મુ કાશ્મીરમાં દેશના સૌથી શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાન, સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ, સૌથી શ્રેષ્ઠ માર્ગો, સૌથી આધુનિક હવાઇમથક ન હોય. કોઈ કારણ નથી કે, અહીંના આપણા બાળકો સારા ડોક્ટર ન બને, સારા એન્જીનીયર ન બને, સારા પ્રોફેસર ન બને અને સારા અધિકારીઓ ન બને, કોઈ કારણ નથી.

સાથીઓ, ઘણી બધી શક્તિઓ છે, જે નથી ઇચ્છતી કે જમ્મુ કાશ્મીરનો વિકાસ થાય. અહીંના લોકોનું જીવન ખુશહાલ બને, પરંતુ સાથીઓ આપણે આ વિદેશી તાકાતોને જવાબ આપીને આગળ વધતા રહેવાનું છે.

અહિં મહેબૂબા મુફ્તીજીના નેતૃત્વમાં ચાલી રહેલ પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર અને કેન્દ્રની એનડીએ સરકાર સતત એવા નવયુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે, જે વિદેશી દુષ્પ્રચારથી પ્રભાવિત થઈને પોતાની જ પવિત્ર ધરતી પર પ્રહાર કરી રહ્યા છે.

સાથીઓ, શાંતિ અને સ્થાયિત્વનો કોઈ વિકલ્પ નથી હોતો. મારો આગ્રહ છે કે જે નવયુવાનો રસ્તા ભટકી ગયા છે, તેઓ મુખ્ય પ્રવાહમાં પાછા આવી જાય. આ મુખ્ય પ્રવાહ છે, તેમનો પરિવાર, તેમના માતા-પિતા. તે મુખ્ય પ્રવાહ છે જમ્મુ કાશ્મીરના વિકાસમાં તેમનું સક્રિય યોગદાન. આ યુવા પેઢી પર જ જવાબદારી છે જમ્મુ કાશ્મીરનું ગૌરવ વધારવાની. જમ્મુ કાશ્મીરમાં એટલા સાધનો છે, એટલા સંસાધનો છે, એટલું સામર્થ્ય છે કે કોઈ કારણ નથી કે જમ્મુ કાશ્મીર, ભારત પોતાના બીજા ક્ષેત્રો કરતા થોડું પણ પાછળ રહી જાય. ભટકેલા નવયુવાનો દ્વારા ઉઠાવવામાં આવેલ દરેક પથ્થર, દરેક હથિયાર તેમના પોતાના જમ્મુ કાશ્મીરને અસ્થિર કરે છે.

રાજયને હવે અસ્થિરતાના આ વાતાવરણમાંથી બહાર નીકળવું જ પડશે. ભવિષ્યની માટે, આપણી આવનારી પેઢી માટે, તેમને માત્ર કાશ્મીર જ નહીં, ભારતના વિકાસની મુખ્યધારા સાથે પણ જોડાવું પડશે. હજારો વર્ષોથી, આપણે એક ભારત માતાના સંતાનો છીએ. દુનિયાની કોઈ શક્તિ એવી નથી જે ભાઈને ભાઈથી દુર કરી શકે છે. માના દૂધમાં પણ ક્યારેય કોઈ તિરાડ ના હોઈ શકે. જે લોકો દાયકાઓથી આ પ્રયાસમાં લાગેલા હતા તેઓ હવે પોતે વિખેરાવાની અવસ્થામાં છે.

ભાઈઓ અને બહેનો હું ફરી કહેવા માંગીશ કે ગયા વર્ષે મેં દિવાળી ગુરેઝમાં જવાનો સાથે ઉજવી હતી તો આ વર્ષે રમજાનના અવસર પર અહિં આપ સૌની વચ્ચે આવ્યો છું. આ જ તો કાશ્મીરની ભાવના છે, આ જ તો આ ધરતીની દેશ અને દુનિયાને દેન છે. અહિં સૌનું સ્વાગત છે, અહિં સૌનો સત્કાર છે. આ તે પરંપરાની ધરતી છે કે જે દેશ અને દુનિયામાં ક્યાંય નથી મળતી. આ જ ધરતીને પંથ અને સંપ્રદાયોથી વધુ પરંપરાઓએ સીંચી છે. એટલા માટે –

કાશ્મીરીયતના અટલજી પણ કાયલ રહ્યા છે અને આ જ કાશ્મીરીયતનો મોદી પણ મુરીદ છે.

અને મેં તો લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે:

ના તો ગાળથી સમસ્યા ઉકેલાવાની છે, ના તો ગોળીથી સમસ્યા ઉકેલાશે, દરેક કાશ્મીરીને ગળે લગાડવાથી સમસ્યા ઉકેલાશે.

જમ્મુ કાશ્મીરના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે નીતિ પણ છે, નિયત પણ છે અને નિર્ણય લેવામાં પણ આપણે ક્યારેય પાછળ નથી રહી જતા. વિદ્યાર્થીઓ પર હજારો કેસોને પાછા લેવાની પ્રક્રિયા હોય કે પછી હમણાં રમજાનના આ પવિત્ર મહિનામાં લેવામાં આવેલ સીઝ ફાયરનો નિર્ણય, તેની પાછળની વિચારધારા એ જ છે કે કાશ્મીરના દરેક નવયુવાનને, અહીંના દરેક વ્યક્તિને સ્થાયિત્વ મળે, સ્થિરતા મળે અને વિકાસ મળે.

સાથીઓ, આ માત્ર સીઝફાયર નથી, તે ઇસ્લામની આડમાં આતંકવાદ ફેલાવનારાઓને ઉજાગર કરવાનું એક માધ્યમ પણ છે. હું સમજુ છું કે જમ્મુ કાશ્મીરના લોકો આ વાતને જોઈ રહ્યા છે કે કઈ રીતે તેમને ભ્રમમાં રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. સ્થાયિત્વની આ પ્રક્રિયાને આગળ વધારવા માટે સરકારે એક પ્રતિનિધિને પસંદ કર્યો છે. તે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી, અહીંના જુદા-જુદા સંગઠનો સંસ્થાઓને મળી રહ્યા છે. અને હું ઇચ્છુ છું કે જે પણ પોતાની વાત છે તે ત્યાં જઈને કહે. દરેક વ્યક્તિ સાથે વાતચીત કરીને તે શાંતિ પ્રક્રિયાને મજબુત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો સરકાર પોતાના તરફથી કોઈ કસર નથી છોડી રહી. પરતું કાશ્મીરિયત અને જમ્હુરીયતના ગઠબંધનને યથાવત રાખવામાં આપ સૌ લોકોને અને હું જમ્મુ કાશ્મીરના તમામ નાગરિકોને અપીલ કરવા માંગું છું કે આપ સૌની પણ, અહીંના દરેક માતા-પિતાની, અહીંના યુવાનોની, બુદ્ધિજીવીઓની અને ધર્મગુરુઓની સૌથી મોટી જવાબદારી છે સૌથી મોટી ભૂમિકા છે.

હું ઈચ્છીશ કે તમે, અમે આપણે સૌ આપણી તમામ શક્તિઓને માત્ર અને માત્ર જમ્મુ કાશ્મીરના વિકાસ પર લગાવીએ. દરેક સમસ્યા, દરેક વિવાદ, દરેક મતભેદનો, તેનો એક જ ઉપાય છે - વિકાસ, વિકાસ અને માત્ર વિકાસ.

નવા ભારત સાથે જ ન્યુ જમ્મુ કાશ્મીર, શાંત અને સમૃદ્ધ જમ્મુ કાશ્મીર બદલતા ભારતની વિકાસ ગાથાને વધુ મજબુત કરશે, એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે અને હું આ જ વિશ્વાસની સાથે આપ લોકોની વચ્ચે પણ મારી પોતાની ભાવનાઓને ખુલીને પ્રગટ કરવા માગુ છું. પોતાની વાતને ખુલીને કહુ છું અને હું દુનિયાના લોકોને પણ કહું છું - દુનિયાના દેશો, જે પણ આ રસ્તા ઉપર ચાલી નીકળ્યા છે, બધા પસ્તાઈ રહ્યા છે. બધા પાછા ફરી રહ્યા છે. તેઓ પાછા વળવાનો રસ્તો શોધી રહ્યા છે. અને એટલા માટે અમન અને ચેનની જિંદગી, શાંતિ અને સમૃદ્ધિની જિંદગી, સુખ ચેનની જિંદગી, આ જ વિરાસતને આપણે આગળ વધારવાની છે અને એની માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ કમી નહીં રહે. જ્યાં પણ જરૂર હશે બધા જ પગલાઓ ભરતા જઈશું. તમારો સાથ અને સહયોગ રહેશે; આપણે જે ઈચ્છાને લઇને નીકળ્યા છીએ તે ઈચ્છાને આપણે પૂરી કરીને રહીશું અને ફરી એકવાર આપણું આ કાશ્મીર, આપણું આ જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ સમગ્ર વિસ્તાર બધા જ ભારતીયો માટે તે જ મુકુટ મણીના રૂપમાં હરેકને પ્રેમથી ગળે લગાવવાનો અવસર આપશે.

એ જ ભાવના સાથે સેઠા સેઠા શુક્રિયા, અજ઼ દીયુ ઇજ઼ાજત, ખુદાઈ થઈ નવ ખોશત ખુશહાલ

આભાર!!!

 

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1533025) Visitor Counter : 101


Read this release in: English , Marathi , Assamese , Tamil