પ્રધાનમંત્રીનું કાર્યાલય
આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
Posted On:
26 JAN 2018 1:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ અહિં પ્રસ્તુત છે.
“આસિયાન-ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ”
લેખકઃ શ્રી નરેન્દ્ર મોદી
આજે અમારી રાજધાની નવી દિલ્હીમાં ભારતનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે અને તેમાં આસિયાનનાં સભ્ય રાષ્ટ્રોનાં વડાઓ મુખ્ય અતિથિઓ તરીકે 10 પ્રતિષ્ઠિત મહેમાનોને આવકારીને પર 1.25 અબજ ભારતીયો ગર્વની લાગણી અનુભવશે.
મને ગુરુવારે આસિયાન-ભારતની ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી સ્વરૂપે સ્મારક શિખર સંમેલન માટે આસિયાન દેશોનાં વડાઓને આવકારવાની તક મળી હતી. અમારી સાથે તેમની હાજરી આસિયાન દેશોમાંથી અમારાં માટે શુભકામનાની અભૂતપૂર્વ ચેષ્ટા છે. તેમનાં પ્રતિસાદ સ્વરૂપે શિયાળાની સવારે ભારત તેમને મૈત્રીપૂર્ણ ઉષ્મા સાથે આવકારે છે.
આ સાધારણ ઘટના નથી. આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના છે. આસિયાનનાં સભ્ય દેશો અને ભારતમાં કુલ 1.9 અબજ લોકો વસે છે, જે દુનિયાની 25 ટકા વસતિ છે અને તેના માટે અત્યંત મહત્વની સમજુતીઓ આ દેશો વચ્ચેની ભાગીદારીને એક સુત્રમાં બાંધી દે છે.
ભારત અને આસિયાનની ભાગીદારી 25 વર્ષ જૂની હોઈ શકે છે. પણ દક્ષિણપૂર્વ એશિયાનાં દેશો સાથે ભારતનો સંબંધ 2,000 વર્ષથી છે. શાંતિ અને મૈત્રી, ધર્મ અને સંસ્કૃતિ, કળા અને વાણિજ્ય, ભાષા અને સાહિત્યનાં તાંતણે બંધાયેલો આ કાયમી સંબંધ અત્યારે ભારતની ભવ્ય વિવિધતાનાં દરેક પાસાંમાં ઊડીને આંખે વળગે છે તથા દક્ષિણપૂર્વ એશિયા આપણાં લોકો વચ્ચે વિશિષ્ટ સુવિધાજનક જોડાણ અને ઘનિષ્ઠતા પ્રદાન કરે છે.
બે દસકાથી વધારે સમય અગાઉ ભારતે વિશ્વ માટે પોતાનાં દ્વાર ખોલી નાંખ્યા હતાં અને ઉદારીકરણનો માર્ગ અપનાવીને અભૂતપૂર્વ પરિવર્તનનાં પંથે આગેકૂચ કરી હતી. સ્વાભાવિક છે કે દક્ષિણપૂર્વ એશિયાનાં સંબંધો હજારો વર્ષોથી ચાલ્યાં આવતા હોવાથી ઉદારીકરણની શરૂઆત પૂર્વથી થઈ હતી. એટલે ભારતે પૂર્વ સાથે પુનઃસંકલન સાધવાની નવી સફરનો પ્રારંભ કર્યો હતો. ભારત માટે મોટા ભાગનાં ભાગીદાર દેશો અને બજારો પૂર્વમાં છે, જેમાં આસિયાન અને પૂર્વ એશિયાનાં દેશોથી લઈ ઉત્તર અમેરિકા સામેલ છે. જમીન અને દરિયાઈ માર્ગે અમારાં પડોશી દેશો દક્ષિણપૂર્વ એશિયા અને આસિયાન અમારી પૂર્વ તરફ જુઓ તો નીતિમાં સર્વોચ્ચ સ્થાને હતાં અને છેલ્લાં ત્રણ વર્ષથી અમારી એક્ટ ઇસ્ટ પોલિસીમાં તેઓ સર્વોપરિતા ધરાવે છે.
આસિયાન અને ભારતે સંવાદનાં ભાગીદારો તરીકે સફર શરૂ કરી હતી, જે અત્યારે વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી છે. આસિયાનનાં દરેક સભ્ય દેશ સાથે અમે રાજદ્વારી, આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રોમાં સંબંધોમાં વૃદ્ધિ કરી છે. અમે અમારાં મહાસાગરોને સલામત અને સુરક્ષિત રાખવા સંયુક્તપણે કામ કરીએ છીએ. અમારાં વેપાર અને રોકાણનાં પ્રવાહોમાં અનેકગણો વધારો થયો છે. આસિયાન ભારતનું ચોથું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, એ જ રીતે ભારત આસિયાનનું સાતમું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ભારતમાંથી વિદેશોમાં થતાં રોકાણનો 20 ટકા હિસ્સો આસિયાન દેશો મેળવે છે. સિંગાપુરનાં નેતૃત્વમાં આસિયાન ભારત માટે રોકાણનો અગ્રણી સ્ત્રોત છે. આ વિસ્તારમાં ભારતની મુક્ત વેપારી સમજૂતીઓ સૌથી જૂની અને સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી પાસાં ધરાવે છે.
હવાઈ જોડાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અમે નવી પ્રાથમિકતા સાથે દક્ષિણપૂર્વ એશિયામાં હાઇવેનું વિસ્તરણ કરી રહ્યાં છીએ, જે જોડાણમાં વધારો નિકટતાને પ્રતિપાદિત કરે છે. તે ભારતને દક્ષિણપૂર્વ એશિયામાં પ્રવાસનનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં સ્ત્રોતોમાં પણ સ્થાન આપે છે. વિવિધતાનાં મૂળિયા અને ગતિશીલતા ધરાવતાં આ વિસ્તારમાં ભારતનાં 6 મિલિયન લોકો રહે છે, જેઓ આપણી વચ્ચે અસાધારણ માનવીય જોડાણ ધરાવે છે.
પ્રધાનમંત્રીએ આસિયાનનાં દરેક સભ્ય દેશ માટે આ પ્રમાણે તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે
થાઇલેન્ડ
આસિયાનમાં થાઇલેન્ડ ભારતનાં મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર દેશ તરીકે બહાર આવ્યો છે અને આસિયાનમાંથી ભારતમાં મહત્ત્વપૂર્ણ રોકાણકાર દેશોમાંનો એક પણ છે. છેલ્લાં દસકામાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારે વધ્યો છે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે સંબંધો ઘણાં વિસ્તારોમાં વિસ્તૃતપણે ફેલાયેલા છે. અમે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાને જોડતાં મહત્ત્વપૂર્ણ રિજનલ પાર્ટનર્સ છીએ. અમે આસિયાન, ઇસ્ટ એશિયા સમિટ અને બિમ્સ્ટેક (ધ બે ઓફ બેંગાલ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન)માં ગાઢ સહકાર ધરાવીએ છીએ, તેમજ મેકોંગ ગંગા સહકાર, એશિયા કોઓપરેશન ડાયલોગ અને હિંદ મહાસાગરનાં દેશોનાં સંગઠન સાથે પણ જોડાયેલા છીએ. થાઇલેન્ડનાં પ્રધાનમંત્રીએ વર્ષ 2016માં ભારતની મુલાકાત લીધી હતી, જેનાં પરિણામે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર કાયમી અસર થઈ છે.
જ્યારે થાઇલેન્ડનાં મહાન અને લોકપ્રિય રાજા ભૂમિબોલ આદુલ્યદેજનું નિધન થયું હતું, ત્યારે થાઈ ભાઈઓ અને બહેનોની સાથે સમગ્ર ભારતીયોની લાગણી જોડાયેલી હતી. થાઇલેન્ડનાં નવા રાજા મહામહિમ રાજા મહા વજિરાલોંગકોર્ન બોદિન્દ્રાદેબાયાવારાંગકુનનાં લાંબા, સમૃદ્ધ અને શાંતપૂર્ણ શાસન માટે પ્રાર્થના કરવામાં થાઇલેન્ડનાં મૈત્રીપૂર્ણ લોકો સાથે ભારતનાં લોકો પણ જોડાયાં હતાં.
વિયેતનામ
ભારત અને વિયેતનામ વિદેશી શાસનમાંથી સ્વતંત્રતા મેળવવા અને આઝાદી માટેની રાષ્ટ્રીય લડાઈ માટે એકસમાન સંઘર્ષમાં ઐતિહાસિક મૂળિયા સાથે પરંપરાગત, ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે. મહાત્મા ગાંધી અને હો ચી મિન્હ જેવા રાષ્ટ્રીય મહાનાયકોએ બંને દેશોની જનતાને સંસ્થાનવાદ સામે લડવા માટે પ્રેરિત કર્યા હતાં. વર્ષ 2007માં વિયેતનામનાં પ્રધાનમંરી ન્ગુયેન તાન ડુંગની મુલાકાત દરમિયાન અમે વ્યૂહાત્મક ભાગીદારીની સમજૂતી કરી હતી. આ વ્યૂહાત્મક ભાગીદારી વર્ષ 2016માં વિયેતનામની મારી મુલાકાત દરમિયાન વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થઈ છે.
વિયેતનામ સાથે ભારતનાં સંબંધો આર્થિક અને વાણિજ્યિક જોડાણ દ્વારા વિકસી રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 10 ગણો વધ્યો છે. ભારત અને વિયેતનામ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનાં મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે સંરક્ષણ સહકાર વિકસ્યો છે. બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી અન્ય એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.
મ્યાન્માર
ભારત અને મ્યાન્માર 1600 કિમીથી વધારે જમીન સરહદ તેમજ દરિયાઈ સરહદ ધરાવે છે. આપણાં સહિયારા ઐતિહાસિક ભૂતકાળની જેમ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ગાઢ સંબંધ અને આપણો સહિયારો બૌદ્ધિક વારસો એકતાંતણે જોડી રાખે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્વેદાગોન પગોડાનો ચમકતો ટાવર છે. ભારતીય પુરાતત્ત્વીય સર્વેનાં સાથસહકાર સાથે બાગાનમાં આનંદા મંદિરને પુનઃસ્થાપિત કરવાનો સહકાર આ સહિયારા વારસાનું પ્રતિક પણ છે.
સંસ્થાનવાદી ગાળા દરમિયાન આપણાં નેતાઓ વચ્ચે રાજકીય સંબંધોનું નિર્માણ થયું હતું, જેમણે સ્વતંત્રતા માટે આપણાં સામાન્ય સંઘર્ષ દરમિયાન આશા અને એકતાનું પ્રદર્શન કર્યું હતું. ગાંધીજી કેટલીક વખત યાંગુનની મુલાકાત લીધી હતી. બાળગંગાધર તિલકને ઘણાં વર્ષો સુધી યાંગુનમાં કાળા પાણીની સજા થઈ હતી. ભારતની આઝાદી માટે નેતાજી સુભાષચંદ્ર બોઝે કરેલાં આહવાને મ્યાન્મારમાં ઘણાં લોકોનાં હૃદયમાં ખળભળાટ મચાવ્યો હતો અને તેમનું દિલ જીતી લીધું હતું.
છેલ્લાં દસકામાં આપણો વેપાર બમણાથી વધારે વધ્યો છે. આપણાં રોકાણનાં સંબંધો પણ મજબૂત છે. વિકાસમાં સહકારે મ્યાન્માર સાથે ભારતનાં સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અત્યારે આ સહાય પોર્ટફોલિયો 1.73 અબજ ડોલરનો છે. મ્યાન્મારની રાષ્ટ્રીય પ્રાથમિકતાને અનુરૂપ ભારતનો પારદર્શક વિકાસ સહકાર અને આસિયાન જોડાણનાં માસ્ટર પ્લાન સાથે સમન્વય પણ સ્થાપિત કરે છે.
સિંગાપુર
ભારતનાં અગ્નિ એશિયાનાં દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો માટે, વર્તમાન સંબંધોની પ્રગતિ માટે અને ભવિષ્યની સંભવિતતા માટે સિંગાપુર પ્રવેશદ્વાર સમાન છે. સિંગાપુર ભારત અને આસિયાન વચ્ચે સેતુ સમાન છે.
અત્યારે તે અમારાં માટે પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર, અગ્રણી આર્થિક ભાગીદાર અને મુખ્ય વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદાર છે, જે કેટલાંક પ્રદેશો અને વૈશ્વિક મંચોમાં આપણાં સભ્યપદમાં પ્રતિબિંબિત થાય છે. સિંગાપુર અને ભારત વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.
આપણાં રાજકીય સંબંધો શુભેચ્છા, ઉષ્મા અને વિશ્વાસનાં પાયા પર આધારિત છે. આપણાં સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધો બંને માટે સૌથી વધુ મજબૂત સંબંધોમાંનાં એક છે.
આપણી આર્થિક ભાગીદારી આપણાં બંને દેશો માટે પ્રાથમિકતાનાં દરેક ક્ષેત્રને આવરી લે છે. ભારતમાં સૌથી વધુ રોકાણ કરતાં દેશોમાં સિંગાપુર સ્થાન ધરાવે છે.
સિંગાપુરમાં હજારો ભારતીય કંપનીઓ નોંધણી ધરાવે છે.
16 ભારતીય શહેરો સિંગાપુરમાં દર અઠવાડિયે 240થી વધારે સીધી ફ્લાઇટ ધરાવે છે. સિંગાપુરની મુલાકાત લેતાં વિદેશી પ્રવાસીઓમાં ભારતીયો ત્રીજું સૌથી મોટું જૂથ છે.
સિંગાપુરની પ્રેરણાત્મક બહુસાંસ્કૃતિકતા અને પ્રતિભાશાળી લોકો માટે સન્માનની ભાવના જીવંત અને ગતિશીલ ભારતીય સમુદાય ધરાવે છે, જે બંને દેશો વચ્ચે સંબંધોને ગાઢ બનાવવામાં યોગદાન આપી રહ્યો છે.
ફિલિપાઇન્સ
મેં બે મહિના અગાઉ ફિલિપાઇન્સની અતિ સંતોષકારક મુલાકાત લીધી હતી. આસિયાન-ભારત, ઇએએસ અને સંબંધિત શિખર સંમેલનોમાં હાજરી આપવા ઉપરાંત મને રાષ્ટ્રપતિ દુતેર્તેની મુલાકાતથી આનંદ થયો હતો. અમે આપણાં ઉષ્માસભર અને સમસ્યામુક્ત સંબંધને આગળ કેવી રીતે વધારવા એ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને દેશો સેવા ક્ષેત્રમાં મજબૂત છે અને આપણો વૃદ્ધિદર મુખ્ય દેશોમાં સૌથી ઊંચો છે. આપણી વેપાર-વાણિજ્યિક ક્ષમતાને કારણે આપણી વેપારની સંભવિતતા ઘણી વધારે છે.
મેં સર્વસમાવેશક વિકાસ અને ભ્રષ્ટાચાર સામે લડવાનાં મુદ્દે રાષ્ટ્રપતિ દુતેર્તેની કટિબદ્ધાની પ્રશંસા કરી હતી. આ એવા ક્ષેત્રો છે, જેમાં બંને દેશો એકસાથે કામ કરી શકે છે. અમને સાર્વત્રિક આઇડી કાર્ડ, નાણાકીય સર્વસમાવેશકતા, તમામ માટે બેંકિંગ સુવિધાઓ સુલભ કરવી, સરકારી લાભોનું સીધું હસ્તાંતરણ સુલભ કરવું તથા કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં ફિલિફાઇન્સ સાથે અમારો અનુભવ વહેંચવાનો આનંદ થશે. ફિલિપાઇન્સની સરકાર માટે પ્રાથમિકતાનું અન્ય એક ક્ષેત્ર તમામ માટે વાજબી કિંમતે દવાઓ સુલભ કરાવવાનું છે, જેમાં અમે પ્રદાન કરવા તૈયાર છીએ. મુંબઈથી મારાવી સુધી આતંકવાદને કોઈ સીમા નથી. અમે આ સામાન્ય પડકાર સામે લડવા ફિલિપાઇન્સ સાથે અમારાં સહકારને વધારી રહ્યાં છીએ.
મલેશિયા
ભારત અને મલેશિયા વચ્ચે સમકાલીન સંબંધો વિસ્તૃત છે અને ઘણાં ક્ષેત્રોમાં ફેલાયેલા છે. ભારત અને મલેશિયા વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે તથા બંને દેશો બહુપક્ષીય અને અનેક ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે. મલેશિયાનાં પ્રધાનમંત્રીની વર્ષ 2017માં ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર કાયમી અસર થઈ છે.
મલેશિયા આસિયાનમાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે તા આસિયાનમાંથી ભારતમાં મહત્ત્વપૂર્ણ રોકાણકાર દેશોમાંનો એક છે. છેલ્લાં 10 વર્ષમાં ભારત અને મલેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારે વધ્યો છે. બંને દેશો વર્ષ 2011થી દ્વિપક્ષીય વિસ્તૃત આર્થિક સહકાર સમજૂતી ધરાવે છે. આ સમજૂતી એ અર્થમાં વિશિષ્ટ છે કે બંને પક્ષો ચીજવસ્તુઓનાં વેપારમાં આસિયાન પ્લસ કટિબદ્ધતાઓ પ્રસ્તુત કરે છે તથા સેવામાં અને વેપારમાં ડબલ્યુટીઓ પ્લસ પ્રસ્તાવનું આદાનપ્રદાન કરે છે. બંને દેશો વચ્ચે મે, 2012માં સંશોધિત બમણો કરવેરા ટાળવા માટે સમજૂતી થઈ હતી તથા વર્ષ 2013માં કસ્ટમ્સ સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) થયાં હતાં, જેનાથી આપણાં વેપાર અને રોકાણ સહકારમાં વધારો થયો હતો.
બ્રુનેઈ
છેલ્લાં દસકામાં ભારત અને બ્રુનેઈ વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં બમણાથી વધારે વધારો થયો છે. ભારત અને બ્રુનેઈ સંયુક્ત રાષ્ટ્ર, બિનજોડાણવાદી સંગઠન (એનએએમ), કોમનવેલ્થ, એઆરએફ વગેરેમાં સભ્યો છે તથા મજબૂત પરંપરાગત અને સાંસ્કૃતિક સંબંધો સાથે વિકાસશીલ રાષ્ટ્રો તરીકે બ્રુનેઈ અને ભારત મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની વિભાવનાઓમાં વાજબી સમાનતા ધરાવે છે. બ્રુનેઈનાં સુલતાને મે, 2008માં ભારતની મુલાકાત લીધી હતી, જે ભારત-બ્રુનેઈનાં સંબંધોમાં સીમાચિહ્નરૂપ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી, 2016માં ભારતનાં ઉપરાષ્ટ્રપતિએ બ્રુનેઈની મુલાકાત લીધી હતી.
લાઓ પીડીઆર
ભારત અને લાઓ પીડીઆર વચ્ચેનાં સંબંધો ઘણાં ક્ષેત્રોમાં વિસ્તૃતપણે અસ્તિત્વ ધરાવે છે. લાઓ પીડીઆરમાં ભારત વીજ ટ્રાન્સમિશન અને કૃષિ ક્ષેત્રોમાં સક્રિયપણે સહભાગી છે. અત્યારે ભારત અને લાઓ પીડીઆર અનેક બહુપક્ષીય અને પ્રાદેશિક મંચ પર સહકાર આપી રહ્યાં છે.
જ્યારે ભારત અને લાઓ પીડીઆર વચ્ચે હજુ પણ સંભવિતતા કરતાં ઓછો વેપાર છે, ત્યારે ભારતે લાઓ પીડીઆરને ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ સ્કીમનો લાભ આપ્યો છે, જેથી લાઓ પીડીઆરમાંથી ભારતમાં ચીજવસ્તુઓની નિકાસને પ્રોત્સાહન મળ્યું છે. અમે પણ લાઓ પીડીઆરનાં અર્થતંત્રનાં નિમાણમાં સેવાઓનાં વેપારમાં પુષ્કળ તકો પણ ધરાવીએ છીએ. આસિયાન-ભાર સર્વિસીસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટનાં અમલીકરણથી આપણી સેવાઓનોં વેપાર સુલભ કરવામાં મદદ મળશે.
ઇન્ડોનેશિયા
હિંદ મહાસાગરમાં ફક્ત 90 નોટિકલ માઇલનાં અંતરે સ્થિત ભારત અને ઇન્ડોનેશિયા છેલ્લાં 2,000થી વધારે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે.
ઓડિશામાં વાર્ષિક બાલિજાત્રાની ઉજવણી હોય કે રામાયણ અને મહાભારતની દંતકથાઓની ઉજવણી હોય, આ વિશિષ્ટ સાંસ્કૃતિક જોડાણ એશિયાનાં બે સૌથી મોટાં લોકશાહી દેશોનાં લોકોને વિશેષ પડોશીનાં તાંતણે જોડે છે. ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતનું મંચન ઠેરઠેર જોવા મળે છે.
‘વિવિધતામાં એકતા’ કે ભિન્નેકા તુંગ્ગલ ઇકા બંને દેશોનું સહિયારું સામાજિક મૂલ્ય છે અને સામાજિક માળખાનું મુખ્ય પાસું છે. એટલું આપણાં બંને દેશોની લોકશાહી અને કાયદાનાં શાસાનનાં સર્વસામાન્ય મૂલ્યોમાં સામેલ છે. અત્યારે વ્યૂહાત્મક ભાગીદારો તરીકે આપણાં સાથસહકારનાં સંબંધ રાજકીય, આર્થિક, સંરક્ષણ અ સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો એમ તમામ પાસાંઓમાં ફેલાયેલો છે. ઇન્ડોનેશિયા આસિયાનમાં આપણું સૌથી મોટું વેપારી ભાગીદાર દેશ તરીકે જળવાઈ રહ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 2.5 ગણો વધારો થયો છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વર્ષ 2016માં ભારતની મુલાકાત લીધી હતી, જેની દ્વિપક્ષીય સંબંધો પર કાયમી અસર થઈ છે.
કમ્બોડિયા
ભારત અને કમ્બોડિયા વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધો સાંસ્કૃતિક જોડાણમાં ઊંડા રહેલાં છે. અંગકોર વાટ મંદિરનું ભવ્ય સ્થાપત્ય આપણી પ્રાચીન ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણનો ભવ્ય પુરાવો અને સંકેત છે. કમ્બોડિયામાં 1986થી 1993 વચ્ચે મુશ્કેલ ગાળો હતો. આ સમયગાળા દરમિયાન અંગકોર વાટ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો અને તેનું સંરક્ષણ કરવાનો ભારતને ગર્વ છે. ભારતે તા-પ્રોહ્મ મંદિરનાં ચાલુ જીર્ણોદ્ધારમાં આ અમૂલ્ય જોડાણ જાળવી રાખ્યું છે.
ખમેર રુઝ શાસનનાં પતન પછી 1981માં કમ્બોડિયામાં નવી સરકારને માન્યતા આપનાર ભારત પ્રથમ દેશ હતો. ભારત પેરિસ શાંતિ સમજૂતી સાથે પણ સંકળાયેલો હતો, જેને વર્ષ 1991માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો ઉચ્ચસ્તરીય મુલાકાતોનાં નિયમિત આદાનપ્રદાન મારફતે મજબૂત થયાં છે. અમે સંસ્થાગત ક્ષમતાનાં નિર્માણ, માનવ સંસાધન વિકાસ, વિકાસલક્ષી અને સામાજિક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક આદાનપ્રદાન, સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર, પ્રવાસન અને લોકો વચ્ચે સંપર્ક જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણો સહકાર સતત વધી રહ્યો છે.
આસિયાનનાં સંદર્ભમાં અને વિવિધ વૈશ્વિક મંચો પર કમ્બોડિયા મહત્ત્વપૂર્ણ અને ભારત માટે સહયોગી ભાગીદાર છે. કમ્બોડિયાનાં આર્થિક વિકાસમાં ભારત કટિબદ્ધ ભાગીદાર તરીકે જળવાઈ રહ્યો છે અને તેનાં પરંપરાગત સંબંધોને વધારવા આતુર છે.
ભારત અને આસિયાને વિવિધ ક્ષેત્રોમાં ઘણી સકારાત્મક કામગીરી કરી છે. ઇસ્ટ એશિયા સમિટ, એડીએમએમ+ (ધ એશિયન ડિફેન્સ મિનિસ્ટરિયલ મીટિંગ પ્લસ) અને એઆરએફ (આસિયાન રિજનલ ફોરમ) જેવી આસિયાન-સંચાલિત સંસ્થાઓએ આપણાં વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતામાં વધારો કર્યો છે. પ્રાદેશિક વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતીમાં સહભાગી થવા પણ ભારત આતુર છે. આ સમજૂતી તમામ 16 સહભાગી દેશો માટે વિસ્તૃત, સંતુલિત અને તટસ્થ સંબંધો સ્થાપિત કરવા ઇચ્છે છે.
આપણી ભાગીદારીની તાકાત અને ક્ષમતા ફક્ત આંકડાઓમાં રજુ ન થઈ શકે, પણ સંબંધોનાં મૂળિયા અને તેનાં આધાર દ્વારા વ્યક્ત થઈ શકે છે. ભારત અને આસિયાન દેશોનાં સંબંધો દાવાઓ અને સ્પર્ધાથી સ્વતંત્ર છે. અમે ભવિષ્ય માટે સમાન દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ, જે સર્વસમાવેશકતા અને સંકલિતતાની કટિબદ્ધતા પર નિર્મિત છે, જે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં વિના તમામ દેશોની સમાન સાર્વભૌમિકતામાં માને છે તથા વાણિજ્ય અને જોડાણનાં સ્વતંત્ર અને મુક્ત માર્ગોને ટેકો આપે છે.
આસિયાન-ભારતની ભાગીદારી વિવિધ ક્ષેત્રોમાં સતત વધશે. ભારત અને આસિયાનનાં સભ્ય દેશો વસતિ, ગતિશીલતા અને માગની ભેટ સાથે અને ઝડપથી પરિપક્ત બનતાં અર્થતંત્રો છે, જે મજબૂત આર્થિક ભાગીદારીનું નિર્માણ કરશે. જોડાણમાં વધારો થશે અને વેપારનું વિસ્તરણ થશે. ભારતમાં સહકાર અને સ્પર્ધાત્મક સંઘવાદનાં યુગમાં આપણાં રાજ્યો દક્ષિણપૂર્વ એશિયાનાં દેશો સાથે ફળદાયક સહકારનું નિર્માણ પણ કરે છે. ભારતનાં ઉત્તરપૂર્વનાં રાજ્યો વિકાસનાં માર્ગે છે. દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડાણ તેની પ્રગતિને વેગ આપશે. તેનાં પરિણામે ઉત્તરપૂર્વ આપણાં સ્વપ્નનાં આસિયાન-ભારત સંબંધોમાં સેતુરૂપ બનશે.
મેં પ્રધાનમંત્રી તરીકે ચાર વાર્ષિક આસિયાન-ભારત શિખર સંમેલનો અને ઇસ્ટ ઇન્ડિયા સમિટમાં ભાગ લીધો છે. આ વિઝમાં વિસ્તારને નવી દિશા આપવા આસિયાન એકતા, કેન્દ્રિયતા અને નેતૃત્વમાં મારી કટિબદ્ધતા પ્રતિપાદિત કરે છે.
આ ઐતિહાસિક સિદ્ધિઓનું વર્ષ છે. ગયા વર્ષે ભારતની આઝાદીનું 70મું વર્ષ હતું. આસિયાન 50 વર્ષની સોનેરી સિદ્ધિએ પહોંચ્યું હતું. આપણે દરેક દેશ આશાવાદ સાથે આપણાં ભવિષ્ય અને આત્મવિશ્વાસ સાથે અમારી ભાગીદારીની અપેક્ષા રાખી શકીએ.
ભારત આઝાદીનાં 70માં વર્ષમાં તેની યુવાન પેઢીનાં ઉત્સાહ, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જા સાથે સજ્જ છે. દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્ર તરીકે ભારત વૈશ્વિક તકોનું નવું કેન્દ્ર બની ગયું છે અને વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા જાળવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દરરોજ ભારતમાં વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં વધારો થઈ રહ્યો છે. મને આશા છે કે આપણાં પડોશી અને મિત્ર દેશો તરીકે નવા ભારતનાં કાયાકલ્પમાં આસિયાન દેશો અભિન્ન હિસ્સો બનશે.
અમે આસિયાનની પ્રગતિની પ્રશંસા કરીએ છીએ. જ્યારે દક્ષિણપૂર્વ એશિયામાં ક્રૂર યુદ્ધ થયું હતું અને આ વિસ્તારમાં અનિશ્ચિત ભવિષ્ય ધરાવતાં દેશોનો મંચ બની ગયો હતો, ત્યારે 10 દેશોનાં સંગઠન તરીકે સ્થાપિત આસિયાન સામાન્ય ઉદ્દેશ અને સહિયારું ભવિષ્ય ધરાવે છે. અમે ઊંચી આકાંક્ષાઓની સંભવિતતા ધરાવીએ છીએ અને આપણી વર્તમાન સમસ્યાઓનું સમાધાન ધરાવીએ છીએ, જેમાં માળખાગત સુવિધાઓ અને શહેરીકરણથી લઈને મજબૂત કૃષિ અને પૃથ્વી સહીસલામત બનાવવાની બાબોત સામેલ છે. અમે અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલ પર જીવનમાં પરિવર્તન લાવવા ડિજિટલ ટેકનોલોજી, નવીનતા અને જોડાણની તાકાતનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.
આશાવાદી ભવિષ્ય માટે શાંતિરૂપી નક્કર આધારની જરૂર છે. આ પરિવર્તન, નવીનતા અને કાયાપલટનો યુગ છે, જે ઇતિહાસનાં કોઈ પણ કાળમાં ભાગ્યે જ આવે છે. આસિયાન અને ભારત પ્રચૂર તકો ધરાવે છે – હકીકતમાં એ મોટી જવાબદારી છે – જે આપણાં વિસ્તાર અને દુનિયાનાં સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે આપણાં અનિશ્ચિત અને ઊથલપાથલનાં સમયમાં સ્થિરતા સાથે આગેકૂચ કરે છે.
ભારતીયો હંમેશા પૂર્વ તરફ મીટ માંડે છે. અમે પૂર્વમાં ઊગતાં સૂર્યની પૂજા કરીએ છીએ અને પુષ્કળ તકોનાં વિસ્તાર સ્વરૂપે જોઈએ જોઈએ. અત્યારે અગાઉની જેમ પૂર્વ કે ભારત-પેસિફિક વિસ્તાર ભારતનાં ભવિષ્ય અને આપણી સહિયારી નિયતિ માટે આવશ્યક બની જશે. આસિયાન-ભારત ભાગીદારી બંને માટે નિર્ણાયક ભૂમિકા અદા કરશે. દિલ્હીમાં આસિયાન અને ભારતે ભવિષ્યની સફર માટે તેમનાં સંબંધોને મજબૂત કરવાની દ્રઢતા વ્યક્ત કરી છે.
આસિયાન અખબારોનાં સંપાદકીય પાનામાં પ્રકાશિત થયેલો લેખ નીચેની લિન્ક મારફતે સુલભ થઈ શકે છેઃ
https://www.bangkokpost.com/opinion/opinion/1402226/asean-india-shared-values-and-a-common-destiny
http://vietnamnews.vn/opinion/421836/asean-india-shared-values-common-destiny.html#31stC7owkGF6dvfw.97
http://www.businesstimes.com.sg/opinion/asean-india-shared-values-common-destiny
http://www.globalnewlightofmyanmar.com/asean-india-shared-values-common-destiny/
http://www.thejakartapost.com/news/2018/01/26/69th-republic-day-india-asean-india-shared-values-common-destiny.html
http://www.mizzima.com/news-opinion/asean-india-shared-values-common-destiny
http://www.straitstimes.com/opinion/shared-values-common-destiny
https://news.mb.com.ph/2018/01/26/asean-india-shared-values-common-destiny/
RP
(Release ID: 1517951)
Visitor Counter : 403