લઘુમતિ બાબતોનું મંત્રાલય
સતત બીજા વર્ષે ભારતના હજ ક્વોટામાં વધારો કરાયો
2018ની હજયાત્રા માટે ભારતમાંથી વિક્રમી સંખ્યામાં યાત્રાળુઓ જશે
Posted On:
09 JAN 2018 5:00PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 09-01-2018
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર આ વખતે સતત બીજા વર્ષે ભારતમાંથી હજ યાત્રાએ જનારા માટે હજના ક્વોટામાં વધારો હાંસલ કરવામાં સફળ થઈ છે. દેશની સ્વતંત્રતા બાદ પહેલી વાર હજ 2018 માટે ભારતમાંથી 1 લાખ 75 હજાર 25ની વિક્રમી સંખ્યામાં હજયાત્રીઓ આ પવિત્ર યાત્રા કરશે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રા માટે શ્રી નકવી અને સાઉદી અરેબિયાત મક્કા હકુમતના હજ અને ઉમરાહ પ્રધાન વચ્ચે હજ 2018ના દ્વિપક્ષીય કરાર થયા તેના બે દિવસ બાદ સાઉદી અરેબિયા સરકારે ભારત માટેના 2018ના હજ ક્વોટામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી મુખતાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ ભારતનો હજ ક્વોટા લગભગ 1,36,020 હતો જે છેલ્લા બે વર્ષમાં વધીને એક લાખ 75 હજાર 25ની વિક્રમી સંખ્યાએ પહોંચી ગયો છે. મંત્રી શ્રી નકવીએ જણાવ્યું “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતાને કારણે આ શક્ય બન્યું છે અને શ્રી મોદીની નેતાગીરી હેઠળ સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશો સાથે ભારતના સંબંધો સુમેળભર્યા અને મજબૂત બન્યા હોવાને કારણે આ શક્ય બન્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે પણ સાઉદી અરેબિયાએ ભારતના હજ ક્વોટામાં 35,000નો વધારો કર્યો હતો.
ભારતની સરકાર અને દેશની પ્રજા વતી શ્રી નકવીએ બંને પવિત્ર મસ્જિદના રખેવાળ, માનનીય કિંગ સલમાન બીન અબ્દુલ અઝીઝ અલ સાઉદ અને સાઉદી અરેબિયાની સરકારનો આ હજ ક્વોટા વધારવા બદલ આભાર માન્યો હતો. તેમણે એ બાબત પર ભાર મુક્યો હતો કે ક્વોટામાં વધારો કરવા ઉપરાંત સાઉદી અરેબિયાએ સમૂદ્રી માર્ગે યાત્રાળુઓને હજ માટે મોકલવાના વિકલ્પને સજીવન કરવાના ભારતના નિર્ણયને પણ લીલી ઝંડી આપી હતી અને બંને દેશના અધિકારીઓ આ મુદ્દે જરૂરી ઔપચારિકતા અને અન્ય ટેકનિકલ બાબતો પર ચર્ચા કરશે. જેથી હજ યાત્રાળુઓ આગામી વર્ષોમાં દરિયાઈ માર્ગે પણ હજ યાત્રાએ જઈ શકે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હજ 2018 માટે લગભગ ત્રણ લાખ 55 હજાર અરજીઓ અમને મળી છે. શ્રી નકવીએ જણાવ્યું હતું કે આ વર્ષે પહેલી વાર ભારતની મુસ્લિમ મહિલાઓ “મહેરમ” (પુરુષ સાથીદાર) વિના હજ યાત્રાએ જઈ શકશે. 1,300થી વધુ મહિલાઓએ “મહેરમ” વિના હજ યાત્રાએ જવા માટે અરજી કરી છે અને આ તમામ મહિલાઓને લોટરી સિસ્ટમમાંથી રાહત આપવામાં આવશે અને તેમને હજ યાત્રા માટે જવા દેવામાં આવશે. ભારતની નવી હજ નીતિ અનુસાર પુરુષ સાથી (મહેરમ) ઇચ્છતી ન હોય તેવી 45થી વધુ વયની મહિલાઓને ચાર કે તેથી વધુ મહિલાઓના જૂથમાં હજ યાત્રાએ જવા માટે મંજૂરી આપવામાં આવશે.
NP/J.Khunt/GP
(Release ID: 1516029)
Visitor Counter : 166