સંરક્ષણ મંત્રાલય

ભારતીય તટરક્ષક દળનું જહાજ સી-161 પોરબંદરમાં સામેલ કરવામાં આવ્યું

Posted On: 05 JAN 2018 3:10PM by PIB Ahmedabad

અમદાવાદ, 05-01-2018

 

ભારતીય તટરક્ષક જહાજ સી-161ને આજે પોરબંદરમાં સામેલ કરવામાં આવ્યું હતું. અત્યારે તટરક્ષક દળ દરિયાકિનારાની સુરક્ષાને મજબૂત કરવા પ્રયાસરત છે, જેનાં ભાગરૂપે જહાજને સામેલ કરવામાં આવ્યું છે. તે પશ્ચિમ કિનારાની સુરક્ષાને મજબૂત કરશે અને ઘૂસણખોરી, દાણચોરી અને ગેરકાયદેસર માછીમારી જેવી પ્રવૃત્તિઓને અટકાવવા પેટ્રોલિંગ વધારવા મદદરૂપ પણ થશે.

        આઇસીજીએસ સી-161 વાડિનારમાં સ્થાન લેશે, જે કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (ઉત્તર પશ્ચિમ)નાં વહીવટી અને કાર્યકારી નિયંત્રણમાં છે. એર માર્શલ આર કે ધીર પીવીએસએમ એવીએસએમ વીએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે મેસર્સ ભારતી ડિફેન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નિર્મિત ઇન્ટરસેપ્ટર બોટને કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (એનડબલ્યુ), ટીએમ, ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓનાં મહાનુભાવોની હાજરીમાં સામેલ કર્યું હતું.

 

 

        ઇન્ટરસેપ્ટર બોટ સી-161ની લંબાઈ 27.64 મીટર, વજન 107 ટન છે અને મહત્તમ 35 નોટની ઝડપ હાંસલ કરી શકે છે. આઇબી સર્વેલન્સ, દખલગીરી, તપાસ અને બચાવ જેવી કામગીરીઓ તથા દરિયામાં ભૂલી પડેલી નાની હોડીઓ અને જહાજોને દિશાનિદર્શન આપવા જેવાં કાર્યો કરવા સક્ષમ છે. આઇબી છીછરા પાણી તેમજ દરિયાનાં ઊંડા પાણીમાં કામ કરવા સક્ષમ છે. બોટ સુરક્ષિત નેવિગેશન માટે આધુનિક નેવિગેશનલ અને કમ્યુનિકેશન ઉપકરણ સાથે સજ્જ છે. આધુનિક ઉપકરણ અને સિસ્ટમ સાથે ઝડપથી પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે જહાજ દરિયામાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે. જહાજની કમાન ડેપ્યુટી કમાન્ડન્ટ ગૌરવ વર્મા સંભાળે છે અને તેઓ વાડિનારમાં સ્થિત રહેશે.

        પોતાની તરવાની ક્ષમતા વધારવાનાં પ્રયાસનાં ભાગરૂપે ગુજરાતમાં ભારતીય તટરક્ષક દળ વિવિધ નવા પ્લેટફોર્મ હસ્તગત કરી રહ્યું છે. આધારભૂત યોજના મુજબ, રિજન (ઉત્તર પશ્ચિમ) વર્ષ 2021 સુધીમાં ગુજરાત પ્રદેશમાં વધુ નવ જહાજો તૈનાત કરશે. વિવિધ ભૂમિકાઓ માટે ડિઝાઇન કરેલા જહાજો સાથે દળની ક્ષમતામાં અનેકગણો વધારો કરશે, જે વિસ્તારમાં સુરક્ષાની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. રાજ્યમાં તટરક્ષક દળની વ્યવસ્થાને મજબૂત કરવાનું પગલું વિવિધ હિતધારકો સાથે સંકલિત પ્રયાસોનું પ્રતિબિંબ છે.

 

NP/J.Khunt/GP                        



(Release ID: 1515635) Visitor Counter : 213


Read this release in: English