મંત્રીમંડળ

મંત્રીમંડળે કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવાની મંજૂરી આપી

Posted On: 04 OCT 2017 2:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીમંડળે કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવાની કાર્યોત્તર મંજૂરી આપી છે.

 

સામાન્ય રીતે ભારતમાં બંદરોનાં નામ, બંદર જે શહેર કે નગરમાં સ્થિત હોય તેના પરથી આપવામાં આવે છે. જો કે વિશેષ કેસમાં સરકાર યોગ્ય વિચારણા કરીને ભૂતકાળમાં થયેલા મહાન નેતાઓનાં નામ પરથી પોર્ટનાં નામ બદલે છે.

 

કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ, કંડલા કરીને કૃતજ્ઞ રાષ્ટ્ર, ભારતનાં મહાન સપૂતોમાંના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં અમૂલ્ય પ્રદાનને હંમેશા યાદ રાખશે. આ ગુજરાતનાં લોકોને, ખાસ કરીને એવા યુવાનોને પ્રેરિત કરશે, જેઓ આ મહાન નેતાનાં પ્રદાનથી સંપૂર્ણપણે વાકેફ ન હોય.

 

પૃષ્ઠભૂમિ:

 

ગુજરાતમાં વિવિધ તબક્કાઓમાંથી, ખાસ કરીને કચ્છની જનતાએ કંડલા પોર્ટનું નામ બદલીનેદીનદયાળ પોર્ટ, કંડલા કરવા માંગણી કરી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય (25.9.1916 – 1.2.1968) પ્રસિદ્ધ નેતા હતાં, જેમણે સંપૂર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું તથા લોકોનાં ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમણે ગરીબો અને કામદાર વર્ગના ઉત્થાન માટે પણ જીવન અર્પિત કર્યું હતું. સહિષ્ણુતા, નિઃસ્વાર્થીપણું અને કાયદા પ્રત્યે સન્માનની ભાવના જેવા લોકતાંત્રિક પાયાગત મૂલ્યો જાળવીને તેમણે એકાત્મ માનવતાવાદનાં સિદ્ધાંતો પર આધારિત કાર્યો કર્યા હતાં. તેમણે જીવન દરમિયાન લોકતંત્રનાં ભારતીયકરણ માટે અવિરત કામ કર્યું હતું, જનમતનું સન્માન કર્યું હતું, નિઃસ્વાર્થભાવે ભારતીયોની સેવા કરી હતી અને દેશનાં કાયદાનું સન્માન કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ જનસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તથા તેઓ સાદગી, સરળતા, પ્રામાણિકતા તથા ગરીબો માટે નિઃસ્વાર્થભાવે સેવા કરવાનું પ્રતીક બની ગયા હતા.

 

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી 25 સપ્ટેમ્બર, 2017નાં રોજ કરવામાં આવી હતી. તેમની જન્મ શતાબ્દીના વર્ષમાં કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ રાખવામાં આવે તો તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે તેવો વિચાર સરકારે કર્યો હતો. આ કારણસર સરકારે હવે કંડલા પોર્ટનું નામ બદલવાનો નિર્ણય લીધો છે, જે આ મહાન રાષ્ટ્રીય નેતાને ઉચિત શ્રદ્ધાંજલિ છે.

 

NP/J.Khunt/GP


(Release ID: 1504773) Visitor Counter : 162


Read this release in: English