પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત લેશે, કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ લોંચ કરશે
Posted On:
21 SEP 2017 5:21PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ તેમનાં સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે.
આ ગાળામાં પ્રધાનમંત્રીનાં કાર્યક્રમો માળખાગત સેવાઓ, રેલવે, ટેક્સટાઇલ્સ, નાણાકીય સમાવેશીકરણ, પર્યાવરણ અને સાફસફાઈ, પશુ સંવર્ધન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જેવા વિવિધ પાસાંઓને આવરી લેશે.
પ્રધાનમંત્રી બદલાપુરમાં દેશને દીનદયાળ હસ્તકલા સંકુલ સમર્પિત કરશે, જે હસ્તકળાઓ માટે વેપાર સુવિધા કેન્દ્ર છે. તેઓ સંકુલની ટૂંકી મુલાકાત લેશે. શ્રી નરેન્દ્ર મોદી વીડિયો લિન્ક મારફતે મહામના એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ ટ્રેન વારાણસીને ગુજરાતના સુરત અને વડોદરા સાથે જોડશે.
આ જ સ્થળે, પ્રધાનમંત્રી શહેરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શિલારોપણ કે લોકાર્પણની તકતીનું અનાવરણ પણ કરશે. પ્રધાનમંત્રી ઉત્કર્ષ બેંકની બેંકિંગ સેવાઓનું ઉદ્ઘાટન કરશે અને બેંકની બિલ્ડિંગનાં મુખ્યાલયનું શિલારોપણ કરવાની તકતીનું પણ અનાવરણ કરશે. ઉત્કર્ષ બેંક માઇક્રો-ફાઇનાન્સમાં વિશેષતા ધરાવે છે.
પ્રધાનમંત્રી વારાણસીનાં લોકોને વીડિયો લિન્ક મારફતે જલ એમ્બ્યુલન્સ સર્વિસ અને જલ શવ વાહન સર્વિસ પણ સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી 22 સપ્ટેમ્બરની સાંજે વારાણસીમાં ઐતિહાસિક તુલસી માનસ મંદિરની મુલાકાત લેશે. તેઓ “રામાયણ” પર પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે. પછી તેઓ શહેરમાં દુર્ગા માતાનાં મંદિરની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરનાં રોજ શહનશાહપુર ગામમાં સાફસફાઈ સાથે સંબંધિત પ્રવૃત્તિમાં પણ થોડો સમય સહભાગી થશે. પછી તેઓ પશુધન આરોગ્ય મેળાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી)નાં લાભાર્થીઓને પ્રમાણપત્રો આપશે તથા સંમેલનને સંબોધિત કરશે.
NP/JK/GP
(Release ID: 1503648)
Visitor Counter : 95