પ્રધાનમંત્રીનું કાર્યાલય
"ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાનો અમલ; વિકાસ માટે વિસ્તૃત ભાગીદારીનું નિર્માણ" – શિયામેનમાં બ્રિક્સ ઊભરતાં બજારો અને વિકાસશીલ રાષ્ટ્રો પરની મંત્રણામાં પ્રધાનમંત્રી દ્વારા ટિપ્પણી (05 સપ્ટેમ્બર, 2017)
Posted On:
05 SEP 2017 2:32PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર 2017
મહામહિમ રાષ્ટ્રપતિ શિ જિનપિંગ, બ્રિક્સમાં મારા માનનીય સાથીદારો, સન્માનીય આગેવાનો
આજે તમારી સાથે હોવા બદલ મને આનંદ થાય છે. તમારા દેશો ભારતના ગાઢ અને કિંમતી ભાગીદાર દેશો છે. મને તમારી સાથે વિસ્તૃત સ્થાયી વિકાસ હાંસલ કરવાની સહિયારી પ્રાથમિકતા પર વિવિધ પાસાઓ વહેંચવાની ખુશી છે. હું રાષ્ટ્રપતિ શિ જિનપિંગનો આ સંવાદ માટે આપણને બધાને એકમંચ પર લાવવા બદલ આભાર માનું છું.
મહાનુભાવો,
સંયુક્ત રાષ્ટ્રના 2030 એજન્ડા અને તેના 17 સ્થાયી વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)નો સ્વીકાર કર્યા પછી બે વર્ષથી લક્ષ્યાંકો હાંસલ કરવા સહિયારી કામગીરી કરવાની જરૂરિયાતમાં વધારો થયો છે. તાજેતરમાં જુલાઈમાં ભારતે એસડીજીની પ્રથમ સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા પૂર્ણ કરી હતી. અમારા વિકાસ કાર્યોનો પાયો “સબકા સાથ, સબકા વિકાસ” (Collective Effort, Inclusive Growth)ની વિચારસરણીમાં છે. અમે કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે અમારા વિકાસ કાર્યક્રમો અને યોજનાઓમાં દરેક એસડીજીને સામેલ કર્યા છે. અમારી સંસદે પણ એસડીજી પર સંસદીય સ્તરે ચર્ચાવિચારણા કરવાની પહેલ કરી છે. અમારા કાર્યક્રમો નિયત સમયમર્યાદામાં આ મહત્વપૂર્ણ લક્ષ્યાંકો પૂર્ણ કરવા સજ્જ છે. તેનું એક ઉદાહરણ આપું. અમે ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે – બેંકની સુવિધાથી વંચિત લોકોને બેંક ખાતા પ્રદાન કરવા, તમામને બાયોમેટ્રિક ઓળખ પ્રદાન કરવી અને નવીન મોબાઇલ ગવર્નન્સ સોલ્યુશનનો ઉપયોગ કરવો. તેના પગલે પ્રથમ વખત 360 મિલિયન લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સની સુવિધા ઊભી થઈ છે.
મહાનુભાવો,
અમે આ પ્રકારના સ્થાનિક પ્રયાસોમાં મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો ટેકો મેળવવા ઇચ્છીએ છીએ. આ માટે અમે અમારા પક્ષે સજ્જ છીએ. જ્યારે ભારત સાથી વિકાસશીલ દેશો સાથે ભાગીદારીની લાંબી પરંપરા ધરાવે છે, ત્યારે વૃદ્ધિ માટે અમારી પોતાની આકાંક્ષાઓ જાળવવા પ્રયાસરત છીએ. દરેક પગલે અમે તમામ ક્ષેત્રોમાં અમારા અનુભવો અને સંસાધનો વહેંચ્યા છેઃ જેમાં લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવાથી લઈને જનતાના હિત માટે અત્યાધુનિક ટેકનોલોજીકલ સોલ્યુશન સ્થાપિત કરવા સુધીની કામગીરી સામેલ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં અમે સાઉથ એશિયા સેટેલાઇટ છોડ્યો હતો, જેનો ઉદ્દેશ પ્રાદેશિક ભાગીદારોને શિક્ષણ, હેલ્થકેર, સંચાર અને આપત્તિ નિવારણ વ્યવસ્થાપનમાં તેમના વિકાસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં લાભ પ્રદાન કરવાનો છે. લગભગ અડધી સદીથી ભારતનો મુખ્ય કાર્યક્રમ – ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, આઇટીઇસી – એ એશિયા, આફ્રિકા, પૂર્વ યુરોપ, લેટિન અમેરિકા, કેરિબિયન અને પ્રશાંત ટાપુનાં કુલ 161 ભાગીદાર દેશોને કૌશલ્ય વિકાસમાં તાલીમ અને કુશળતા આપી છે. એકલા આફ્રિકા ખંડમાંથી ગયા દાયકામાં 25,000 વિદ્યાર્થીઓએ ભારતમાં આઇટીઇસી શિષ્યાવૃત્તિ મેળવીને તાલીમ લીધી છે. વર્ષ 2015માં ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં આફ્રિકાના તમામ 54 દેશો સહભાગી થયા હતા. આ સમિટમાં અમે ફક્ત 5 વર્ષના ગાળામાં આઇટીઇસી શિષ્યાવૃત્તિની સંખ્યા વધારીને બમણી એટલે કે 50,000 કરવાનો નિર્ણય લીધો હતો. ભારતમાં તાલીમ મેળવેલ આફ્રિકાના “સોલર મામાસ” સમગ્ર આફ્રિકા ખંડના હજારો ઘરોમાં દીપ પ્રગટાવી રહ્યા છે. આફ્રિકા સાથે અમારી વધતી ભાગીદારીને પગલે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકને પ્રથમ વખત આફ્રિકાની બહાર તેની વાર્ષિક બેઠક યોજવાની પ્રેરણા મળી હતી, જે ચાલુ વર્ષે ભારતમાં યોજાઈ હતી. આપણા વિકાસ ભાગીદારીના પ્રોજેક્ટ્સ જળ, વીજળી, રોડ, હેલ્થકેર, ટેલિમેડિસિન અને મૂળભૂત માળખાગત સુવિધાઓમાં નિર્માણાધિન છે, જેનો લાભ દુનિયાના ડઝનથી વધારે દેશોના લોકોને મળી રહ્યો છે. તેમાં અમારા સહકારનું “નો સ્ટ્રિંગ્સ એટેચ” મોડલ અમારા ભાગીદાર દેશોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ દ્વારા સંપૂર્ણપણે સંચાલિત છે.
મહાનુભાવો,
આજે અહીં ઉપસ્થિત કે બ્રિક્સના સભ્ય દેશો દુનિયાની લગભગ અડધોઅડધ વસતિનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી કોઈ પણ કામગીરી દુનિયામાં નોંધપાત્ર અસર કરશે. એટલે દુનિયાને દરેક તબક્કે કે બ્રિક્સ મારફતે વધુને વધુ શ્રેષ્ઠ બનાવવાની આપણી ફરજ છે. ગઈકાલે મેં વાત કરી હતી કે, બ્રિક્સ આગામી દાયકામાં વૈશ્વિક સ્તરે પરિવર્તનનો પવન ફૂંકવાની ક્ષમતા ધરાવે છે અને એટલે આગામી દાયકો સોનેરી દાયકો બનશે. મારું સૂચન છે કે આ સફળતા આપણે આપણા સક્રિય અભિગમ, નીતિ અને કાર્ય મારફતે મેળવી શકીશું, જે માટે આપણે નીચેના 10 ઉદાર પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું પડશેઃ
1. સુરક્ષિત દુનિયાનું નિર્માણઃ ઓછામાં ઓછા ત્રણ મુદ્દા પર સંગઠિત અને સંકલિત કાર્ય દ્વારાઃ આતંકવાદનો સામનો કરીને, સાયબર સુરક્ષા અને આપત્તિ નિવારણ વ્યવસ્થાપન કરીને;
2. વધુ હરિયાળી દુનિયાનું નિર્માણઃ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) જેવી પહેલો મારફતે આબોહવામાં ફેરફારનો સામનો કરવા પર સંયોજિત કામગીરી કરીને;
3. સક્ષમ દુનિયાનું નિર્માણઃ કાર્યદક્ષતા, અર્થતંત્ર અને અસરકારકતા વધારવા સ્થાયી ટેકનોલોજીની વહેંચણી અને સ્થાપિત કરીને;
4. સર્વસમાવેશક દુનિયાનું નિર્માણ કરીનેઃ આપણા લોકોને બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થામાં સામેલ કરીને અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં સામેલ કરીને;
5. ડિજિટલ દુનિયાનું નિર્માણઃ આપણા અર્થતંત્રોની અંદર અને બહાર ડિજિટલ અસમાનતા ઓછી કરવી;
6. કૌશલ્ય ધરાવતી દુનિયાનું નિર્માણઃ આપણા લાખો યુવાનોને ભવિષ્ય માટે ઉપયોગી કૌશલ્યો પ્રદાન કરીને;
7. સ્વસ્થ વિશ્વનું નિર્માણઃ રોગ દૂર કરવા અને તમામ માટે વાજબી ખર્ચે હેલ્થકેરને સક્ષમ બનાવી સંશોધન અને વિકાસમાં સહકાર સ્થાપિત કરીને;
8. સમાન દુનિયાનું નિર્માણ કરવું; તમામ માટે સમાન તક પ્રદાન કરીને, ખાસ કરીને લૈંગિક સમાનતા સ્થાપિત કરીને;
9. એકબીજા સાથે સંલગ્ન દુનિયાનું નિર્માણ કરવું: ચીજવસ્તુઓ, વ્યક્તિઓ અને સેવાના મુક્ત પ્રવાહને સક્ષમ બનાવીને; અને
10. સુસંવાદી દુનિયાનું નિર્માણઃ વિચારધારા, પદ્ધતિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપીને, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને પ્રકૃતિ સાથે સંવાદિત જીવન પર કેન્દ્રીત છે.
આ એજન્ડા અને તેના પર કામગીરી મારફતે આપણે વૈશ્વિક સમુદાયના કલ્યાણમાં સીધું પ્રદાન કરીશું તેમજ સાથે સાથે આપણા લોકોનું કલ્યાણ પણ થશે. તેમાં ભારત એકબીજાના રાષ્ટ્રીય પ્રયાસોમાં સહકાર અને ટેકો વધારવા કટિબદ્ધ ભાગીદાર તરીકે સજ્જ છે. હું આ માર્ગ પર સહિયારી પ્રગતિ કરવા આતુર છું. હું રાષ્ટ્રપતિ શિની વર્ષ 2017 માટે બ્રિક્સની અધ્યક્ષતા સાથે સક્ષમ નેતૃત્વ પ્રદાન કરવા બદલ પ્રસંશા કરું છું તથા આ સુંદર શિયામેન શહેરમાં ઉષ્માસભર આવકાર અને આતિથ્યસત્કાર કરવા બદલ આભાર માનું છું. હું રાષ્ટ્રપતિ ઝુમાને પણ આવકારું છું અને આગામી વર્ષે જ્હોનિસબર્ગ માટે ભારતના સંપૂર્ણ સાથસહકારની કટિબદ્ધતા વ્યક્ત કરું છું.
તમારા સહુનો આભાર.
NP/JK/GP
(Release ID: 1501785)
Visitor Counter : 689