ચૂંટણી આયોગ
શ્રી અચલ કુમાર જોતિએ ભારતનાં નવા ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો
Posted On:
06 JUL 2017 1:06PM by PIB Ahmedabad
શ્રી અચલ કુમાર જોતિએ આજે અહીં ભારતનાં 21માં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી)નો હોદ્દો સંભાળી લીધો હતો, જેઓ ડો. નાસિક ઝાઇદીનાં અનુગામી છે. ડો. ઝાઇદીએ ગઇકાલે તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી ઓફિસ ખાલી કરી હતી.
શ્રી જોતિએ ચાર્જ સંભાળ્યાં પછી પંચની પ્રાથમિકતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પંચ સમગ્ર દેશમાં તટસ્થ, નિષ્પક્ષ, સર્વસમાવેશક અને વિશ્વસનિય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતા પૂર્ણ કરશે. બીજું, પંચ કોઈ પણ મતદાતા મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે એ સુનિશ્ચિત કરવાનું અભિયાન પણ હાથ ધરશે. ત્રણ, પંચ દેશમાં રાજ્યની વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓ યોજવા માટે ઇ-ગવર્નન્સને સક્રિયપણે પ્રોત્સાહન આપશે.”
શ્રી જોતિ 13 મે, 2015થી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. ચૂંટણી કમિશનર તરીકે તેમનાં કાર્યકાળમાં બિહાર, અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ દરમિયાન હાથ ધરવામાં આવેલી કેટલીક પહેલો આઇટી સાથે સંબંધિત પહેલો છે, જેમાં નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (એનવીએસપી) સાથે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલોટ સિસ્ટમ (ઇટીબીપીએસ) મારફતે સેવારત મતદાતાઓ માટે મતદાનની જોગવાઈ છે. એનવીએસપી ઇ-પોર્ટલ છે, જેનો ઉદ્દેશ લાયક મતદારોની સરળ નોંધણી કરવાનું, મતદારોમાં જાગૃતિ લાવવાનું અને શૈક્ષણિક પહેલો હાથ ધરવાનું તથા ખર્ચ પર કડક નજર રાખવાની વ્યવસ્થા વગેરે લાવવાનો છે.
ભારતીય ચૂંટણી પંચમાં જોડાયા અગાઉ શ્રી જોતિએ ભારતીય સનદી સેવાનાં સનદી અધિકારી તરીકે (1975 બેચ) દેશની લાંબા સમય સુધી સેવા કરી છે. તેઓ તેમની સાથે જાહેર વહીવટનો 42 વર્ષનો બહોળો અનુભવ લઈને આવ્યાં છે. પોતાની સફળ કારકિર્દી દરમિયાન તેમણે સુરેન્દ્રનગર, ગોધરા અને ખેડા જિલ્લાનાં ડીએમ અને કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે સચિવ (પાણી પુરવઠા), સચિવ (ઉદ્યોગ), અગ્ર સચિવ (નાણાં) જેવા વિવિધ મહત્તવપૂર્ણ પદો સંભાળ્યાં હતાં. વળી ભારત સરકારનાં જહાજ મંત્રાલયે 1999 થી 2004 વચ્ચે તેમને સેન્ટ્રલ ગવર્મેન્ટ ડેપ્યુટેશન પર કંડલા પોર્ટ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સુપરત કરી હતી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ)નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી હતી અને અધિક મુખ્ય સચિવ (સામાન્ય વહીવટી વિભાગ) બનાવ્યાં હતાં. શ્રી જોતીએ વર્ષ 2013માં મુખ્ય સચિવ તરીકે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ગુજરાત સરકારે મુખ્ય સચિવ તરીકે તેમને નિવૃત્ત કર્યા હતાં.
(Release ID: 1494740)
Visitor Counter : 80