PIB Headquarters
આફ્રિકામાં ગરીબી નાબૂદ કરવા આફ્રિકાએ ઊર્જાની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશેઃ શ્રી ગોયલ
શ્રી પિયૂષ ગોયલે આજે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકમાં ‘સ્કેલિંગ અપ મિનિગ્રિડ્સ એન્ડ માઇક્રોગ્રિડ્સ’ પર ત્રીજો આઇએસએ કાર્યક્રમ લોન્ચ કર્યો
Posted On:
24 MAY 2017 4:03PM by PIB Ahmedabad
ગાંધીનગર, 23-05-2017
નવી અને અક્ષય ઊર્જા, વીજળી, કોલસા અને ખાણના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલે આજે ગુજરાતના ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકમાં ‘સ્કેલિંગ અપ મિનિગ્રેડ્સ એન્ડ માઇક્રોગ્રિડ્સ’ પર ત્રીજો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. તેમણે આફ્રિકાના દેશોને સૌર ઊર્જાથી સમૃદ્ધ દેશોની ભાગીદારીનો લાભ લેવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં વધુ સક્રિયપણે સહભાગી થવાની અપીલ કરી હતી. શ્રી ગોયલે આ ટિપ્પણીઓ ‘આફ્રિકા-ઇન્ડિયા કોઓપરેશન ઓન પાવરિંગ આફ્રિકા – સ્ટ્રેન્ગ્ધનિંગ આઇએસએ અને આફ્રિકા-ઇન્ડિયા આરઇ પાર્ટનરશિપ’ પર પેનલ ડિસ્કશનમાં કરી હતી.
આફ્રિકાના દેશોમાંથી ગરીબી નાબૂદ કરવા પર પોતાના વિચારો વ્યક્ત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આફ્રિકાએ અક્ષય ઊર્જાનો ઉપયોગ સુનિશ્ચિતત કરવો પડશે. ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના ગરીબી નાબૂદ ન થઈ શકે. આફ્રિકાનો ખંડ સૌર ઊર્જામાં સમૃદ્ધ હોવાથી આફ્રિકાના દેશોએ ગરીબી નાબૂદી માટે આ કુદરતી સંસાધનનો ઉપયોગ કરવો જોઈએ.
કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો હતો કે વીજળી હવે લક્ઝરી નહીં, પણ જરૂરિયાત બની ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન ભારતની આઝાદીના 75મા વર્ષ 2022 સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું છે. પણ મારું મંત્રાલય અને તમામ રાજ્ય સરકારો વર્ષ 2019 સુધીમાં આ લક્ષ્યાંક પાર પાડવા મહેનત કરી રહ્યા છે, કારણ કે અમારું માનવું છે કે વીજળી વિનાનો એક પણ દિવસ ગરીબ લોકોના જીવનના એક દિવસના બગાડ સમાન છે.”
શ્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, ભારતે અમારા અનુભવો વહેંચવા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શીખવવા આફ્રિકાના તમામ દેશોને આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતને આફ્રિકાના દેશો સાથે પોતાનો અનુભવ વહેંચવા અને ઔદ્યોગિક કુશળતા શીખવવાનું ગમશે તથા ભારત આ કામગીરી દયાથી પ્રેરિત થઈને કરતું નથી, પણ ભારત અને આફ્રિકા વચ્ચેના સહિયારા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાંથી નીપજેલ સહાનુભૂતિથી તથા કુટુંબની જેમ સાથે કામ કરવાની ઇચ્છાથી પ્રેરિત છે.
આ પ્રસંગે નવી અને અક્ષય ઊર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ ભાનુપ્રતાપ યાદવ, રાષ્ટ્રીય સૌર ઊર્જા સંસ્થાના ડિરેક્ટર જનરલ શ્રી એ કે ત્રિપાઠી, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સચિવાલયના સંશોધન અને વિકાસ વિભાગના વડા ઓ એસ શાસ્ત્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.
KSP/J.Khunt/GP
(Release ID: 1490619)
Visitor Counter : 181