પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુરતમાં મલ્ટિ-સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ડાયમન્ડ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 17 APR 2017 1:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં મેસર્સ હરે ક્રિષ્ના એક્ષ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયમન્ડ ઉત્પાદન એકમ અને કિરણ મલ્ટિ-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ હોસ્પિટલ બનાવવા પ્રત્યેનાં પ્રતિબદ્ધ પ્રયાસને પ્રશંસનીય ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે, અત્યાધુનિક હોસ્પિટલથી નાગરિકોને લાભ થશે. તેમણે ભાર મૂક્યો હતો કે ગરીબોને સમાન અને વાજબી હેલ્થકેર સુવિધા મળવી જોઈએ. આ સંદર્ભમાં તેમણે કેન્દ્ર સરકારની દવાઓ, સ્ટેન્ટ વગેરેની કિંમતો ઘટાડવાની પહેલો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ગરીબો અને મધ્યમ વર્ગને વાજબી હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. નિવારણાત્મક હેલ્થકેર પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન સ્વસ્થ ભારત તરફનાં પ્રયાસો સાથે સંબંધિત છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સુરતે ડાયમન્ડ ઉદ્યોગમાં આગવું સ્થાન મેળવ્યું છે, પણ હવે સંપૂર્ણ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર પર નજર દોડાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો સવાલ છે, ત્યાં સુધી આપણો ઉદ્દેશ મેક ઇન્ડિયાની સાથે ડિઝાઇન ઇન ઇન્ડિયા પણ હોવો જોઈએ.

 

AP/J.Khunt/GP/TR



(Release ID: 1488008) Visitor Counter : 118


Read this release in: English