માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વેવ્સ ઓ.ટી.ટી પ્લેટફોર્મ અંગે યુવાનોને માહિતગાર કરવા પ્રસાર ભારતી દ્વારા આજે દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો


પ્રસાર ભારતીના વેવ્સ ઓટીટી પ્લેટફોર્મને ટૂંકા ગાળામાં જ વ્યાપક આવકાર

છ મહીના કરતાં ઓછા સમયમાં એન્ડ્રોઈડ પર 27 લાખ જ્યારે આઈઑએસ પર 51 હજાર ડાઉનલોડ્સ અને સાડા છ લાખ જેટલા એક્ટિવ યુઝર્સ

Posted On: 29 APR 2025 7:20PM by PIB Ahmedabad

વેવ્સ ઓ.ટી.ટી પ્લેટફોર્મ અંગે યુવાનોને માહિતગાર કરવા પ્રસાર ભારતી દ્વારા આજે દૂરદર્શન, અમદાવાદ ખાતે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાઇ ગયો. જેમાં અમદાવાદનાં ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, પી.ડી.ઇ.યુ, એલ જે કોલેજ અને ભવન્સ કોલેજના અંદાજિત 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં આકાશવાણી, અમદાવાદના સમાચાર વિભાગના પ્રમુખ ડૉ ચિરાગ ભોરણીયાએ પ્રેઝેંટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને વેવ ઓટીટી પ્લેટફોર્મના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ડૉ. ભોરણીયાએ જણાવ્યું હતું કે, આકાશવાણી અને દૂરદર્શનના સમૃદ્ધ વારસાને લોકો સમક્ષ લાવવા પ્રસાર ભારતીએ શરૂ કરાયેલો વેવ ઓ ટી ટી પ્લેટફોર્મ પારિવારિક મનોરંજન માટે એક નવા માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય આકાશવાણી તથા દૂરદર્શન પરના જૂના અને જાણીતા કાર્યક્રમો તેમજ દેશની સમૃદ્ધ વિરાસતને યુવાનો સુધી પહોંચાડવાનો તેમજ પરિવારના દરેક વયના લોકોને મનોરંજન પૂરું પાડવાનો છે.

તેમણે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ પર દેશની 26 ભાષાઓમાં વિવિધ શ્રેણીમાં કાર્યક્રમો ઉપલબ્ધ છે. જેમાં નવ હજારથી વધુ ઇ - બુક્સ અને જર્નલ, 1800થી વધુ ફિલ્મ, 590 શોઝ, 450 જેટલી ડોક્યુમેન્ટરી ઉપરાંત રેડિયો, લાઈવ ટી વી  જોઈ શકાશે. તેમણે વિદ્યાર્થીઓને ઓટીટીનાં ગોલ્ડ, પ્લેટિનમ તેમજ ડાયમંડ પ્લાન અંગે માહિતી આપી હતી.  આવનારા સમયમાં આ પ્લેટફોર્મ પર રહેલા કન્ટેન્ટ કોર્નર થકી યુવાનોને પોતાની કલાકૃતિ રજૂ કરવા એક મંચ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં આકાશવાણીના કાર્યક્રમ વિભાગના વડા મૌલિન મુન્શી, દૂરદર્શનના કાર્યક્રમ વિભાગના સહાયક નિદેશક હિમાંશુ મહેતા અને દૂરદર્શનના સમાચાર વિભાગના સહાયક નિદેશક નિશીથ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

AP/IJ/GP/JD


(Release ID: 2125266) Visitor Counter : 67