કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવામાં સંકળાયેલા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે, તેમને છૂટછાટ આપવામાં આવી છે. તેના કારણે હવે પાકની લણણીમાં કોઇ જ અડચણ નહીં આવે. આ સંબંધે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
લૉકડાઉનનો અમલ થયા પછી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર સતત નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને જાણવા મળ્યું કે, લણણીમાં ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને સાથે સાથે બજારો સુધી ઉપજ પહોંચાડવામાં પણ ખેડૂતોને સવલતો મળી રહેવી જોઇએ. આ સંબંધે ખેડૂતો સાથે તેમના કેટલાક સંગઠનોએ કરેલી માંગને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો અનુસાર, કેન્દ્ર સરકારે ગંભીરતાથી અને સહાનુભૂતિપૂર્વક તાત્કાલિક આ દિશામાં વિચાર કર્યો અને બાદમાં ખેડૂતો તેમજ સંબંધિત લોકોના હિતમાં વ્યવહારુ નિર્ણયો લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કોરોના વાયરસનો સામનો કરવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન અંગે 24 અને 25 માર્ચ 2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ નંબર 40-3/2020-DM-l(A)ને અનુલક્ષીને, રાષ્ટ્રીય કારોબારી સમીતિના અધ્યક્ષ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમની ધારા 10(2)(l) અંતર્ગત પ્રાપ્ત સત્તા અનુસાર દિશાનિર્દેશો સંબંધે હવે બીજું પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ પરિશિષ્ટમાં 21 દિવસના લૉકડાઉન સંબંધે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અંતર્ગત ખેતીવાડી અને સંબંધિત ચીજવસ્તુઓ, સેવાઓ અને કામગીરીઓને આવશ્યક છૂટ આપીને વધારાની શ્રેણીમાં તેને રાખવામાં આવ્યા છે. આનાથી પાકની લણણીમાં કોઇ અડચણ નહીં આવે. તેના માટે કેન્દ્રીય મંત્રી શ્રી તોમરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે.
ગૃહ મંત્રાલયના બીજા પરિશિષ્ટ અનુસાર: 1. કૃષિ ઉત્પાદનોની ખરીદી સંબંધિત સંસ્થાઓ અને લઘુતમ ટેકાના ભાવ સંબંધિત કાર્યો, 2. કૃષિ ઉત્પાદન બજાર સમીતિ અને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત મંડળીઓ, 3. ખાતરની દુકાનો, ખેડૂતો અને કૃષિ શ્રમિકો દ્વારા ખેતરમાં કરવામાં આવતા કાર્યો, કૃષિ ઉપકરણોની ઉપલબ્ધતા માટે કસ્ટમ હાયરિંગ કેન્દ્રો (CHC) અને 4. ખાતર, જંતુનાશક, બીજના નિર્માણ અને પેકેજિંગ એકમો, પાક લણવા અને વાવેતર સંબંધિત કૃષિ અને બાગાયતમાં ઉપયોગમાં લેવાતા યંત્રોની આંતરરાજ્ય હેરફેર માટે છૂટ આપવામાં આવી છે.
આ નિર્ણય કૃષિ સંબંધિત કાર્યો, કોઇપણ અડચણ વગર સમયસર પાર પડે તે માટે લેવામાં આવ્યા છે જેથી મુશ્કેલીના આ સમયમાં લૉકડાઉન દરમિયાન પણ દેશની જનતાને ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવી શકાય અને ખેડૂતો તેમજ સામાન્ય જનતાને કોઇપણ પ્રકારે પરેશાની થાય નહીં. આ આદેશનું ચુસ્ત પાલન કરવા માટે ભારત સરકારના સંબંધિત મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓને નિર્દેશો આપવામાં આવ્યા છે.
GP/DS