પોસ્ટેડ ઓન:
28 NOV 2026 12:13PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (28 નવેમ્બર, 2026) ઇન્ડિયન નેવલ એકેડમી, એઝિમાલા, કેરળ ખાતે ઓટમ ટર્મ 2026ની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ભારતીય તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના તાલીમાર્થીઓ સહિત તમામ તાલીમાર્થીઓને તેમની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે સ્નાતક થઈ રહેલા તાલીમાર્થીઓમાં ઘણી યુવતીઓને જોઈને આનંદ થયો. તેમની હાજરી સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની વાત છે. તેમણે દર્શાવ્યું છે કે દ્રઢ નિશ્ચય, હિંમત અને ક્ષમતાને કોઈ સીમા નડતી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સિદ્ધિઓ ઘણી વધુ યુવતીઓને મોટા સપના જોવા અને રાષ્ટ્રની સેવામાં પડકારજનક જવાબદારીઓ સંભાળવા માટે પ્રેરણા આપશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં દરિયાઈ ક્ષેત્રનું મહત્વ સતત વધી રહ્યું છે. વૈશ્વિક વેપારનો મોટો હિસ્સો દરિયાઈ માર્ગે થાય છે. તેથી, દરિયાઈ માર્ગોની સુરક્ષા રાષ્ટ્રોની આર્થિક સુખાકારી અને તેમના લોકોના રોજિંદા જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. જહાજોની અવરજવરમાં કોઈપણ વિક્ષેપ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસર કરી શકે છે, ખર્ચ વધારી શકે છે અને અંતે સામાન્ય નાગરિકો પર વધારાનો બોજ નાખી શકે છે. તેમણે તાલીમાર્થીઓને યાદ રાખવાની સલાહ આપી હતી કે દરિયામાં તેમની સેવા જમીન પરના લોકોના જીવન સાથે જોડાયેલી છે. તે લોકોની સુરક્ષા, સમૃદ્ધિ અને સુખાકારીમાં સીધો ફાળો આપે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા કેડેટ્સની પ્રામાણિકતા, વ્યાવસાયિક ક્ષમતા, હિંમત અને કરુણા ભારતીય નૌકાદળના ચરિત્રને વ્યાખ્યાયિત કરશે. દરિયામાં, તેઓ પડકારજનક હવામાન, લાંબી તૈનાતી અને અનિશ્ચિત પરિસ્થિતિઓનો સામનો કરશે. તેમને ઘણીવાર દબાણ હેઠળ મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. તેમણે તેમને હંમેશા યાદ રાખવાની સલાહ આપી કે નેતૃત્વ એ માત્ર આદેશો આપવા પૂરતું નથી; તે જવાબદારી સ્વીકારવા, ઉદાહરણ બેસાડવા અને તેમની સાથે સેવા આપનારાઓની પડખે ઊભા રહેવા વિશે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની તાલીમ, અનુકૂલનક્ષમતા અને પ્રતિબદ્ધતા તેમને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે કેડેટ્સ જે યુનિફોર્મ પહેરે છે તે એક અબજથી વધુ ભારતીયોનો વિશ્વાસ અને અપેક્ષાઓ વહન કરે છે. દરેક નાગરિક, ભલે તે ગમે ત્યાં રહેતો હોય કે ગમે તે કરતો હોય, આપણા સશસ્ત્ર દળો તરફ વિશ્વાસ અને ગર્વથી જુએ છે. તેમણે યુવા કેડેટ્સને ભારતીય નૌકાદળની સર્વોચ્ચ પરંપરાઓને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com