માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

વારાણસીમાં ગંગા અને વરુણા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ્સના નિર્માણ માટે બિડર્સ તરફથી NHAI ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો


ટ્રાફિકની ગીચતા ઘટાડવા અને શહેરી કનેક્ટિવિટી સુધારવા માટે ગંગા અને વરુણા નદીઓના કિનારે એલિવેટેડ કોરિડોરના બંને પ્રોજેક્ટ્સના કુલ ચાર પેકેજ માટે 32 બિડ્સ મળી

પોસ્ટેડ ઓન: 27 NOV 2026 6:02PM by PIB Ahmedabad

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ને વારાણસીમાં ગંગા અને વરુણા નદીઓના કિનારે બે મુખ્ય એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ્સના વિકાસ માટે બિડર્સ તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે, જે શહેરમાં ટ્રાફિકની ગીચતા ઘટાડવામાં અને મુખ્ય ધાર્મિક, સાંસ્કૃતિક તથા પરિવહન કેન્દ્રો સાથેની કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે. આશરે 89.2 કિમીની સંયુક્ત લંબાઈ ધરાવતા આ બંને પ્રોજેક્ટ્સ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વરુણા નદીના કિનારે NH-31 અને વારાણસી રિંગ રોડને; તથા ગંગા નદીના કિનારે NH-19 ને વારાણસી રિંગ રોડ સાથે જોડશે. આ પ્રોજેક્ટ્સને જુલાઈ 2026 માં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

બંને પ્રોજેક્ટ્સ બબ્બે પેકેજમાં અમલમાં મૂકવામાં આવશે. વરુણા એલિવેટેડ કોરિડોરને પેકેજ-I માટે આઠ બિડ્સ અને પેકેજ-II માટે સાત બિડ્સ મળી છે. તેવી જ રીતે, ગંગા એલિવેટેડ કોરિડોરને પેકેજ-I માટે આઠ બિડ્સ અને પેકેજ-II માટે નવ બિડ્સ મળી છે. આમ, ચારેય પેકેજને મળીને કુલ 32 બિડ્સ પ્રાપ્ત થઈ છે, જે હાઇવે ડેવલપર્સની પ્રોત્સાહક ભાગીદારી દર્શાવે છે.

વરુણા એલિવેટેડ કોરિડોર: NH-31 અને વારાણસી રિંગ રોડ વચ્ચે બહેતર કનેક્ટિવિટી

43.2 કિમી લાંબો વરુણા એલિવેટેડ કોરિડોર વરુણા નદીના કિનારે પસાર થઈને NH-31 ને વારાણસી રિંગ રોડ સાથે જોડશે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 10,998.32 કરોડના મૂડી ખર્ચ સાથે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) પર અમલમાં મૂકવામાં આવશે અને તે મહત્વપૂર્ણ પરિવહન ટર્મિનલ્સ તેમજ વારાણસી શહેરના મુખ્ય સ્થળો સુધી બહેતર પહોંચ પૂરી પાડશે. આ પ્રોજેક્ટમાં મુખ્ય કેરેજવે, ફ્લાયઓવર, લૂપ્સ, રેમ્પ્સ, સર્વિસ રોડ સહિત મુખ્યત્વે એલિવેટેડ 6/4-લેન કોરિડોરનો સમાવેશ થાય છે અને તે બે પેકેજમાં અમલમાં મૂકવામાં આવશે.

આ કોરિડોર વારાણસી ડિકન્જેશન પ્લાન (ટ્રાફિક ગીચતા નિવારણ યોજના) નો એક મુખ્ય ઘટક છે અને તે NH-31 તથા કાશી રેલવે સ્ટેશન વચ્ચે અવિરત કનેક્ટિવિટી પૂરી પાડશે, સાથોસાથ વારાણસી રિંગ રોડ, વારાણસી એરપોર્ટ, કાશી રેલવે સ્ટેશન, વારાણસી સિટી રેલવે સ્ટેશન, વારાણસી જંક્શન, દીન દયાળ ઉપાધ્યાય જંક્શન, રામનગર પોર્ટ, સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીના ઘાટ અને નજીકના ચંદૌલી વિસ્તાર સુધીની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરશે.

80–100 કિમી/કલાકની ઓપરેટિંગ સ્પીડ માટે ડિઝાઇન કરાયેલ આ પ્રોજેક્ટ NH-31 અને કાશી રેલવે સ્ટેશન વચ્ચે મુસાફરીનો સમય આશરે 40 મિનિટથી ઘટાડીને 20 મિનિટ કરશે, જે લગભગ 50 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે શહેરના રોડ નેટવર્કમાં ટ્રાફિકની ગીચતા નોંધપાત્ર રીતે ઘટાડશે, માર્ગ સલામતીમાં સુધારો કરશે, વાહન સંચાલન ખર્ચ ઘટાડશે અને મુસાફરો તથા માલસામાનના ટ્રાફિકની ઝડપી, અવિરત અવરજવરને સરળ બનાવશે.

આ પ્રોજેક્ટ એક આર્થિક નોડ (ચંદૌલી સોશિયલ ઇકોનોમિક ઝોન), એક સામાજિક નોડ (ચંદૌલી) અને છ મુખ્ય લોજિસ્ટિક્સ નોડ્સ સુધીની પહોંચમાં સુધારો કરીને પ્રાદેશિક કનેક્ટિવિટીને પણ મજબૂત બનાવશે, જેનાથી PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ મલ્ટિમોડલ એકીકરણમાં વધારો થશે. તે કૃષિ પેદાશો, ઔદ્યોગિક માલસામાન, બાંધકામ સામગ્રી અને ખનિજોની કાર્યક્ષમ અવરજવરને સરળ બનાવશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ટકાઉ આર્થિક વિકાસને ટેકો આપશે.

ગંગા એલિવેટેડ કોરિડોર: રિવરફ્રન્ટ કનેક્ટિવિટી અને મુખ્ય સ્થળો સુધીની પહોંચને મજબૂત બનાવવી

46 કિમી લાંબો છ-લેન એલિવેટેડ ગંગા કોરિડોર NH-19 ને વારાણસી રિંગ રોડ સાથે જોડશે, જે ગંગા નદીના કિનારે રિવરબેંક કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 14,447.64 કરોડના મૂડી ખર્ચ સાથે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) પર અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટને બે પેકેજમાં વહેંચવામાં આવ્યો છે અને તેમાં છ-લેન એલિવેટેડ મુખ્ય કેરેજવે, 910-મીટર લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ, 1.32 કિમી લાંબો એક્સ્ટ્રાડોઝ્ડ ફૂટ ઓવર બ્રિજ-કમ-મેજર બ્રિજ, લૂપ્સ, રેમ્પ્સ, લિંક રોડ્સ અને સર્વિસ રોડ્સના નિર્માણનો સમાવેશ થાય છે.

આ કોરિડોરની કલ્પના NH-19, વારાણસી રિંગ રોડ (NH-135B), રામનગર/BHU અને અન્ય મુખ્ય શહેરી સ્થળો વચ્ચે હાઇ-સ્પીડ, એક્સેસ-કંટ્રોલ્ડ જોડાણ પૂરું પાડીને વારાણસી અને ચંદૌલીના રોડ નેટવર્કને ટ્રાફિક મુક્ત કરવા માટે એક પરિવર્તનકારી શહેરી ગતિશીલતા પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે. 80–100 કિમી/કલાકની ઓપરેટિંગ સ્પીડ માટે ડિઝાઇન કરાયેલ, તે મુસાફરીનો સરેરાશ સમય આશરે 60 મિનિટથી ઘટાડીને 20 મિનિટ કરશે, જે લગભગ 67 ટકાનો ઘટાડો દર્શાવે છે. NH-19 અને કાશી રેલવે સ્ટેશન વચ્ચેનો મુસાફરીનો સમય આશરે 50 મિનિટથી ઘટાડીને લગભગ 25 મિનિટ થશે, જેના પરિણામે આશરે 25 મિનિટ (લગભગ 50 ટકા) ની બચત થશે.

PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે સુસંગત રહીને, આ કોરિડોર મુખ્ય હાઇવે, રેલવે સ્ટેશનો, લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ અને રામનગર IWAI પોર્ટ સુધી અવિરત પહોંચ પૂરી પાડીને મલ્ટિમોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે, સાથોસાથ કાશી વિશ્વનાથ મંદિર, બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU), નમો ઘાટ, રામનગર કિલ્લો અને વારાણસીના ઘાટ સહિતના મુખ્ય ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળોની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે. મહત્વપૂર્ણ આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ નોડ્સને જોડીને, આ પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે, માર્ગ સલામતી વધારશે, પ્રવાસન અને તીર્થયાત્રાને સરળ બનાવશે, અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ટકાઉ પ્રાદેશિક આર્થિક વિકાસને ટેકો આપશે.

આ બંને એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વારાણસી શહેરની વધતી જતી ટ્રાફિક જરૂરિયાતોને પૂરી કરવાનો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રિંગ રોડ અને શહેરના મહત્વપૂર્ણ સ્થળો વચ્ચે બહેતર કનેક્ટિવિટી પૂરી પાડીને, આ પ્રોજેક્ટ્સ શહેરી કેન્દ્રમાં ટ્રાફિકની ગીચતા ઘટાડવામાં, સ્થાનિક અને પસાર થતા ટ્રાફિકની સરળ અવરજવરને સુગમ બનાવવામાં અને રહેવાસીઓ, દૈનિક મુસાફરો તથા યાત્રાળુઓ માટે સુલભતા સુધારવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ્સ પ્રવાસન અને તીર્થયાત્રા સંબંધિત પ્રવૃત્તિઓને પણ ટેકો આપશે, આર્થિક વિકાસને વેગ આપશે અને વારાણસી તથા આસપાસના વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2342746) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu