પોસ્ટેડ ઓન:
26 NOV 2026 2:25PM by PIB Ahmedabad
નાબાર્ડ પ્રાયોજિત “ગ્રામીણ ભારત મહોત્સવ ગુજરાત – 2026” નું આયોજન 27થી 29 નવેમ્બર 2026 દરમ્યાન સિંધુ ભવન એક્ઝિબિશન હોલ, અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.
આ પ્રદર્શનમાં ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાંથી કારીગરો, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો, સ્વસહાય જૂથો (SHGs), ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPOs) તથા અન્ય ઉત્પાદક જૂથો ભાગ લેશે. પ્રદર્શનમાં ભૌગોલિક સંકેત (GI) ટૅગ ધરાવતી વિવિધ પ્રોડક્ટ્સ ઉપરાંત નાબાર્ડની વિવિધ વિકાસલક્ષી પહેલો હેઠળ પ્રોત્સાહિત અને સહાયિત હસ્તકલા, હાથવણાટ, કાપડ, ખાદ્ય ઉત્પાદનો, ગૃહ સજાવટની વસ્તુઓ તથા અન્ય ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.
આ ત્રણ દિવસીય મહોત્સવનું આયોજન ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ મુલાકાતીઓને દેશભરની સમૃદ્ધ પરંપરાગત અને પ્રાદેશિક ઉત્પાદનોની વિવિધતાને એક જ સ્થળે નિહાળવાની તેમજ ખરીદવાની તક પૂરી પાડશે.
પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં પોચમપલ્લી ઇકત, કાની શાલ, ચન્નપટ્ટણા રમકડાં, જયપુર બ્લૂ પોટરી, પૈઠણી સાડીઓ, ચંદેરી અને મહેશ્વરી હાથવણાટ, કાંથા-સ્ટિચ ઉત્પાદનો તથા કાશ્મીરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ગુજરાતની વિશિષ્ટ ઓળખ દર્શાવતાં કચ્છ અજરખ અને બાંધણી, માતાની પછેડી, અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, દાહોદ બીડ વર્ક, બનાસકાંઠા એપ્લિક ક્રાફ્ટ, ગીર ગાયનું ઘી તથા અન્ય પરંપરાગત હસ્તકલાના ઉત્પાદનો પણ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે.
મુલાકાતીઓના અનુભવને વધુ રસપ્રદ બનાવવા માટે પ્રદર્શનમાં કચ્છ બાટિક પ્રિન્ટિંગ અને બનારસ પાનના જીવંત પ્રદર્શન (Live Demonstrations) પણ યોજવામાં આવશે.
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ કારીગરો અને ઉત્પાદકોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે સીધું બજાર મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે સાથે, ગ્રાહકોને ઉત્પાદકો પાસેથી સીધી જ અસલ અને પરંપરાગત વસ્તુઓ ખરીદવાની તથા ભારતની પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને ગ્રામીણ ઉત્પાદનોની વિવિધતાનો એક જ સ્થળે અનુભવ કરવાની તક મળશે.
અમદાવાદના નાગરિકોને “ગ્રામીણ ભારત મહોત્સવ ગુજરાત – 2026” ની મુલાકાત લેવા નાબાર્ડ આવકારે છે અને પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા કારીગરો, ઉત્પાદકો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન અને સમર્થન આપવા તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત “વિકસિત ભારત” ના વિઝનમાં યોગદાન આપવા હાર્દિક આમંત્રણ આપે છે.
કાર્યક્રમની વિગતો
- કાર્યક્રમ: ગ્રામીણ ભારત મહોત્સવ ગુજરાત – 2026
- તારીખ: 27થી 29 નવેમ્બર 2026
- સ્થળ: સિંધુ ભવન એક્ઝિબિશન હોલ, અમદાવાદ
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com