રોમા સમુદાયની ઘણી અકથિત વાર્તાઓ શોધવાની રાહ જોઈ રહી છું, એમ ગોવામાં 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ની મિડ-ફેસ્ટ ફિલ્મ ‘આઈ મેટર’ (Eu Contez) ના દિગ્દર્શિકા, રોમાનિયન-રોમા ફિલ્મ નિર્માતા એલિના શેરબાને જણાવ્યું હતું.
આજે IFFI ના ભાગરૂપે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાતચીત કરતા, શેરબાને ફિલ્મ પાછળની પ્રેરણા, રોમા સમુદાયના તેના ચિત્રણ અને સિનેમા દ્વારા રૂઢિચુસ્ત માન્યતાઓને પડકારવાના મહત્વ વિશે વાત કરી હતી. આ સંવાદમાં મુખ્ય અભિનેત્રીઓ ડેનિસા ફાર્કાસ અને વેનેસા ડાન્સિયા પણ સહભાગી થઈ હતી.

રોમાનિયન અને રોમાની ભાષામાં સંવાદો ધરાવતા બહુભાષી નાટક, ‘આઈ મેટર’ નું આજે IFFI ખાતે ભારતીય પ્રીમિયર યોજાયું હતું. રોમાનિયા, જર્મની અને બેલ્જિયમના સહ-નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મ ઓળખ, પરિવાર, પોતાપણાની ભાવના અને વ્યક્તિના ભૂતકાળથી પર ભવિષ્યની શોધની વાત કરે છે. તે રેબેકા નામની એક યુવાન રોમા મહિલાને અનુસરે છે, જેણે જે અનાથાશ્રમને પોતાનું ઘર માન્યું છે તેને છોડવાની તૈયારી કરી રહી છે. જેલમાંથી મુક્ત થવા જઈ રહેલા તેના પિતા સાથે ફરી મળવાની અને જે પરિવારની તેણે હંમેશા ઝંખના કરી છે તે બનાવવાની આશા રાખતી વખતે, અભિનયનો અભ્યાસ કરવા માટે યુનિવર્સિટીમાં તેનો પ્રવેશ એક નવી શરૂઆતની શક્યતા પ્રદાન કરે છે.
સિનેમા દ્વારા રૂઢિચુસ્ત માન્યતાઓને પડકારવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા, તેમણે કહ્યું કે આ ફિલ્મ માનવતાના વિવિધ પરિમાણોની શોધ કરવાનો પ્રયાસ કરે છે. “આ ફિલ્મ એવા પ્રશ્નો પૂછે છે કે મનુષ્ય બનવા માટે કોણ લાયક છે. હું માનવતાના વિવિધ સ્તરોને ચિત્રિત કરવા માંગુ છું,” તેમણે કહ્યું. તેમણે IFFI નો ભાગ બનવા બદલ ખુશી પણ વ્યક્ત કરી, અને ભારતની તેમની મુલાકાતને ઘરવાપસી ગણાવી.

પડદા પર રોમા સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાના પડકારો પર પ્રકાશ પાડતા, શેરબાને અવલોકન કર્યું કે તેના નોંધપાત્ર સાંસ્કૃતિક પ્રભાવ હોવા છતાં, આ સમુદાય સમાજના હાંસિયામાં જ રહ્યો છે. “ફ્લેમેન્કો જેવી અમારી સંસ્કૃતિએ સાર્વત્રિક સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. પરંતુ અમે હજુ પણ સમાજના હાંસિયામાં છીએ. અમે અન્ય લોકોની આટલા નજીક રહીએ છીએ, છતાં તેઓ હજુ પણ અમને ઓળખતા નથી,” તેમણે કહ્યું.
ફિલ્મના સશક્તિકરણના સંદેશ પર ભાર મૂકતા, શેરબાને કહ્યું કે તેઓ ખાસ કરીને વંચિત પૃષ્ઠભૂમિના યુવાનો સુધી પહોંચવા માંગતા હતા. “હું એક એવી વાર્તા કહેવા માંગતી હતી જે સૌ પ્રથમ, વંચિત જૂથોના યુવાનોને સશક્ત બનાવે. હું તેમને એ કહેવા માંગતી હતી જે મારે પણ સાંભળવાની જરૂર હતી: કે હું સંભાળી લઈશ, કે વિશ્વમાં આપણા દરેક માટે કદાચ એક નાની જગ્યા છે,” તેમણે કહ્યું.
_20261124202307_7028c7.jpeg)
રેબેકાની ભૂમિકા ભજવનાર મુખ્ય અભિનેત્રી ડેનિસા ફાર્કાસે આ ફિલ્મને એક ઊંડો વ્યક્તિગત અનુભવ ગણાવ્યો જેણે તેમની પોતાની ઓળખ સાથેના તેમના સંબંધને બદલી નાખ્યો. પોતાની રોમા વંશીયતાને સ્વીકારવામાં તેમના શરૂઆતના ખચકાટને યાદ કરતા, તેમણે કહ્યું, “પ્રથમ વખત, મેં રોમા લોકોને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોયા.” તેમણે ઉમેર્યું કે આ પાત્ર ભજવવાથી તેમને તેમની ઓળખ સાથે જોડાયેલી શરમ દૂર કરવામાં અને ગર્વ સાથે પોતાના મૂળને સ્વીકારવામાં મદદ મળી. “મને રોમા હોવાનો ગર્વ છે,” તેમણે કહ્યું, અને ખુશી વ્યક્ત કરી કે આખરે સમુદાય અને તેના બાળકોની વાર્તાઓ સાંભળવામાં આવી રહી છે.
આ સત્રનું સંચાલન પ્રાંજલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું.
IFFILOID અહીં વાંચો: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
SM/NP/JD