પોસ્ટેડ ઓન:
24 NOV 2026 12:21PM by PIB Ahmedabad
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા નિયોજકો અને વીમિત વ્યક્તિઓને રાહત આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી એમ્નેસ્ટી યોજના 2025ની મુદત ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. હવે આ યોજના 31 ડિસેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. અગાઉ આ યોજના 30 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં હતી.
એમ્નેસ્ટી યોજના 2025નો હેતુ કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, 1948 હેઠળના પડતર વિવાદોના સમાધાનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ વીમિત વ્યક્તિઓ અને નિયોજકો વિરુદ્ધ પડતર ફોજદારી કેસો પાછા ખેંચવાની તેમજ નિયોજકો દ્વારા અધિનિયમની કલમ 75 અને 82 હેઠળ દાખલ કરવામાં આવેલા કેસોના નિકાલની જોગવાઈ છે.
આ યોજનાની મુદત લંબાવવાથી સંબંધિત હિતધારકોને પોતાના પડતર કેસોના સમાધાન માટે વધારાની તક મળશે. તેનાથી કાનૂની વિવાદોના નિકાલને પ્રોત્સાહન મળશે તેમજ નિયોજકો અને વીમિત વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધશે.
ઈએસઆઈસી દ્વારા તમામ સંબંધિત નિયોજકો, નિયોજક સંગઠનો, શ્રમિક સંગઠનો તથા અન્ય હિતધારકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ યોજનાની વિસ્તૃત મુદતનો લાભ લે અને નિર્ધારિત નિયમો તથા શરતો અનુસાર પોતાના પાત્ર પડતર કેસોના સમાધાન માટે જરૂરી કાર્યવાહી કરે.
યોજનાનો લાભ લેવા અને વધુ માહિતી મેળવવા માટે સંબંધિત નિયોજકો તથા વીમિત વ્યક્તિઓ પોતાના નજીકના ઈએસઆઈસી પ્રાદેશિક કાર્યાલય અથવા ઉપ પ્રાદેશિક કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.આ અંગેની સંપૂર્ણ વિગતો ESIC ની વેબસાઇટ esic.gov.in પર પણ ઉપલબ્ધ છે. rd-gujarat@esic.gov.in પર ઈ-મેઇલ મોકલીને પણ માહિતી મેળવી શકાય છે.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com