પોસ્ટેડ ઓન:
23 NOV 2026 8:49PM by PIB Ahmedabad
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને નેપાળના પ્રધાનમંત્રી શ્રી બાલેન્દ્ર શાહની વિશેષ ઉપસ્થિતિમાં, સોમવારે નેપાળ પોલીસના ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) અને ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) વચ્ચે એક સમજૂતી કરાર (MoU) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કરારનો ઉદ્દેશ્ય ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં શૈક્ષણિક, સંશોધન અને ક્ષમતા નિર્માણના સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.

આ સમજૂતી કરાર પર NFSUના કાર્યકારી કુલપતિ પ્રો.(ડૉ.) એસ. ઓ. જુનારે અને નેપાળ સરકારના ગૃહ મંત્રાલયના COSC વિભાગના સંયુક્ત સચિવ શ્રી આનંદ કાફલેએ હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ફોરેન્સિક શિક્ષણ, સંશોધન અને વૈજ્ઞાનિક તપાસના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે.
NFSUના કાર્યકારી કુલપતિ પ્રો.(ડૉ.) એસ. ઓ. જુનારેએ જણાવ્યું હતું કે, આ સહયોગનો હેતુ બંને સંસ્થાઓ વચ્ચે શિક્ષણ, સંશોધન, તાલીમ અને જ્ઞાનના આદાન-પ્રદાનમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સહયોગ ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમિસ્ટ્રી, ટોક્સિકોલોજી, સીરોલોજી, ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ્સ એક્ઝામિનેશન અને ફિંગરપ્રિન્ટ એનાલિસીસ જેવા વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેના માધ્યમથી બંને દેશોમાં ફોરેન્સિક પદ્ધતિઓ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વિકાસમાં વધુ વેગ પ્રાપ્ત થશે.
આ સમજૂતી કરારના આદાન-પ્રદાન પ્રસંગે ભારત અને નેપાળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.