પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે શબદ કીર્તન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 23 NOV 2026 8:22PM by PIB Ahmedabad

ગુરુ પ્યારી સાધ સંગત જી, વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ!

શીખ સમાજના પૂજ્ય સંતગણ, દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુ જી, દિલ્હીના મુખ્યમંત્રી બહેન રેખા ગુપ્તા જી, સંસદમાં મારા સાથી ગણ, દિલ્હી સરકારના અન્ય મંત્રી મહોદય, અન્ય તમામ મહાનુભાવ, દેવીઓ અને સજ્જનો,

હું આ પવિત્ર વાતાવરણમાં ગુરુ નાનક દેવજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. હું તમામ દેશવાસીઓને પ્રકાશ પર્વની લાખ-લાખ શુભકામનાઓ આપું છું. ગુરુ પૂરબના આ પાવન પર્વ પર મને શબદ કીર્તનમાં જોડાવાની તક આપવા બદલ હું તરનજીત સિંહ સંધુ જીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ,

ગુરુવાણીનો એક-એક શબ્દ, કીર્તનની એક-એક ધૂન, તે માત્ર સંગીત નથી. તે પોતાનામાં એક સાધના છે. તે જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવા જેવું છે અને તેથી, જ્યારે મને આવા આયોજન માટે આમંત્રણ આવે છે, જ્યારે પણ મને તક મળે છે, હું સંગત અને કીર્તનમાં ચોક્કસપણે હાજર રહું છું.

સાથીઓ,

ગુરુ નાનક દેવજી કહેતા હતા- કિરત કરો, વંડ છકો, નામ જપો. આ મારા જીવનનો સહજ હિસ્સો રહ્યો છે. ગુરુદ્વારામાં મસ્તક નમાવવું, ગુરુવાણીમાં ડૂબીને આત્મિક આનંદ માણવો, સેવાનું સુખ મેળવવું અને ત્યારબાદ લંગરનો સ્વાદ માણવો, બાળપણથી લઈને સંગઠનના કાર્યકર સુધી આ ક્રમ સતત ચાલતો રહ્યો છે. કેટલીય વાર મને શ્રી હરમંદિર સાહિબ મંદિરમાં મસ્તક નમાવવાનું સૌભાગ્ય મળ્યું છે. જૂના સાથીઓને ખબર હશે, મેં પંજાબમાં પણ ઘણો સમય વિતાવ્યો છે અને તે સમય મારા જીવનની સૌથી ખાસ યાદોમાંનો એક રહ્યો છે.

ભાઈઓ-બહેનો,

ગુરુ કૃપાથી મને શીખ સંતોની સંગત મળતી રહી છે. પ્રધાનમંત્રી નિવાસસ્થાને પણ મને અનેક શીખ સંતો અને જ્ઞાનીઓની આગતા-સ્વાગતા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે આ આયોજનમાં પણ આપણા સંતોની ઉપસ્થિતિથી એક અલગ જ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થઈ રહ્યો છે. હું આ અવસરે તમામ સંતો અને જ્ઞાનીઓને પ્રણામ કરું છું. તમામ શીખ ભાઈ-બહેનોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

આ વર્ષનું પ્રકાશ પર્વ એક અન્ય પવિત્ર સ્મૃતિ સાથે આવ્યું છે. આ વર્ષે શ્રી ગુરુ તેગ બહાદુર જીની શહાદતને 350 વર્ષ પૂરા થયા છે. દિલ્હીની આ જ ધરતી પર, આ દેશની ઓળખના રક્ષણ માટે આસ્થા, વિશ્વાસ અને મૂલ્યો માટે ગુરુ સાહિબે પોતાની શહાદત આપી હતી. તે ઘટનાને 350 વર્ષ વીતી ગયા છે, પરંતુ ભારતની માટીમાં, દેશના કણ-કણમાં તે શહાદતની પ્રેરણા આજે પણ વસેલી છે. દેશનો જન-જન હંમેશા તેના માટે તેમનો કૃતજ્ઞ રહેશે.

સાથીઓ,

રાષ્ટ્ર અને તેની સંસ્કૃતિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના, સમગ્ર શીખ પરંપરા તેનો પર્યાય રહી છે. ભાઈ મતી દાસ જી, ભાઈ સતી દાસ જી, ભાઈ દયાલા જી, આ સૌની શહાદત પણ આપણને તેની યાદ અપાવે છે. આઝાદીની લડતમાં પણ આ સિલસિલો અવિરત ચાલુ રહ્યો અને હમણાં જ આપણા LG એ વિસ્તારથી જણાવ્યું, સરદાર તેજા સિંહ સમુંદરી જી, તે પોતે પોતાનામાં તેનું પ્રખર ઉદાહરણ છે. ગુરુદ્વારા સુધારણા આંદોલનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સેવાને સમર્પિત કરી દીધું. આ વર્ષે તેમની શહાદતને પણ સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. હું આ અવસરે, તેમને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.

સાથીઓ,

ભારતે સેંકડો વર્ષોની ગુલામી સહન કરી છે. ઇતિહાસનો જે કાળખંડ ભારત માટે સૌથી મુશ્કેલ હતો, તે સમયમાં પણ આપણા ગુરુઓએ દેશના રક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી. આજે જ્યારે રાષ્ટ્રના મોટા સંકલ્પો આપણી સામે છે, વિકસિત ભારતનું લક્ષ્ય આપણી આગળ છે, ત્યારે આ યાત્રા આપણા ગુરુઓની પ્રેરણા અને તેમના આદર્શોની તાકાતથી જ પૂરી થઈ શકે છે. તેથી, શીખ પરંપરાઓને, શીખીના વારસાને પ્રકાશ પુંજ બનાવીને આગળ ધપાવવું એ આપણા સૌનું દાયિત્વ છે.

સાથીઓ,

વીતેલા 12 વર્ષોમાં આપણે પૂરી આસ્થાથી આ જ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરતા રહ્યા છીએ. આપણે ગુરુ ગોબિંદ સિંહ જીનું 350મું પ્રકાશ પર્વ ઉજવ્યું, આપણે ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવ્યું, સમગ્ર ભારતમાં અને વિદેશોમાં અનેક સમારોહો થયા, સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી, વિશેષ ટ્રેનો ચાલી, દેશભરમાં ગુરુવાણીના કાર્યક્રમો યોજાયા. આ જ રીતે, ગુરુ તેગ બહાદુર જીના 400મા પ્રકાશ પર્વ પર લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય આયોજન થયું. આ જ ભાવનાથી આપણે આ સમયે ગુરુ તેગ બહાદુર જીનો 350મો શહીદી દિવસ પણ ઉજવી રહ્યા છીએ.

સાથીઓ,

એક મહિના પછી 26 ડિસેમ્બરે દેશ આગામી વીર બાળ દિવસ ઉજવવા જઈ રહ્યો છે. આપણે આ દિવસને રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ કર્યું કારણ કે વીર સાહિબજાદાઓની શહાદત, માતા ગુજરીની સંકલ્પ શક્તિ, સાહસ અને શૌર્યની તે અમર ગાથા, તેને દેશની નવી પેઢી સુધી પહોંચાડવી, એ આપણું દાયિત્વ છે. આપણા બાળકો જ્યારે તે સમયની પરિસ્થિતિઓને જાણશે, કેવી રીતે સાહિબજાદાઓ અને ગુરુઓએ શહાદત આપી અને તેમના બલિદાનથી કેવી રીતે આપણી આસ્થા સુરક્ષિત રહી, આ વાતોની જાણકારી, આ પ્રેરણા દેશ માટે સમર્પિત યુવાનોનું નિર્માણ કરશે.

ગુરુઓના ગૌરવગાનના આપણા પ્રયાસો માત્ર ભારત પૂરતા સીમિત નથી. હમણાં થોડા દિવસો પહેલા જ હું ફિલિપાઈન્સમાં હતો. ત્યાં પણ હું ફિલિપાઈન્સના સૌથી જૂના ગુરુદ્વારા ખાલસા દીવાન ગયો હતો. ખાલસા દીવાન ગુરુદ્વારાના પુનર્વિકાસમાં પણ ભારત સરકાર સહયોગ કરી રહી છે. આપણો આ પ્રયાસ છે, આપણા ગુરુઓનો પ્રકાશ જન-જન સુધી પહોંચે. તેમના આશીર્વાદથી ભારત નવી ઊંચાઈઓને સ્પર્શે.

સાથીઓ,

આપણે આપણી અરદાસમાં કહીએ છીએ- નાનક નામ ચઢદી કલા, તેરે ભાણે સરબત દા ભલા. સૌના ભલાની આ શીખ આપણને ગુરુવાણીમાંથી મળે છે અને સૌનું ભલું ઈચ્છવાની વિચારસરણી મનમાં ત્યારે જ જાગે છે, જ્યારે આપણે સૌને પોતાના માનવા લાગીએ છીએ.

સાથીઓ,

આજે વિશ્વમાં કેટલાય સ્થળોએ સંઘર્ષ ચાલી રહ્યા છે. કેટલાય નિર્દોષ લોકો, કેટલાય પરિવારો હિંસા અને અશાંતિનો સામનો કરી રહ્યા છે. આવા સમયે, વિશ્વના દરેક ખૂણામાં શાંતિ હોય, દરેક પરિવાર સુરક્ષિત હોય, દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાની તક મળે, તેના માટે ‘સરબત દા ભલા’, ‘સરબત દા ભલા’ ની ભાવના વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

સાથીઓ,

ગુરુ સાહિબે આપણને જે જીવન મૂલ્યો આપ્યા છે, તેની સૌથી મોટી કસોટી પણ આપણા રોજિંદા જીવનમાં જ થાય છે. આજે આપણા સમાજમાં એક આવી જ પડકારરૂપ સમસ્યા છે- ડ્રગ્સની સમસ્યા! કારણ કે, એક યુવાન જ્યારે નશાની ચુંગાલમાં ફસાય છે, ત્યારે તેની સાથે સમગ્ર પરિવારના સપના ચકનાચૂર થઈ જાય છે.

સાથીઓ,

દેશનો દરેક યુવાન નશાથી મુક્ત થાય. તે પોતાના સપના પૂરા કરે. ખૂબ ભણે, આગળ વધે, પોતાના પરિવાર અને દેશનું ગૌરવ વધારે. આ પ્રયાસમાં પરિવારોની ભૂમિકા ઘણી મોટી છે. આપણી સંગત, આપણા ગુરુદ્વારા, આપણી સામાજિક સંસ્થાઓ, સૌ સાથે મળીને યુવાનોને દિશા આપી શકે છે, તેમને સાચો રસ્તો પસંદ કરવાનો ઉત્સાહ આપી શકે છે. મને વિશ્વાસ છે, ગુરુ સાહિબની કૃપા અને સમાજના સામૂહિક પ્રયાસોથી, આપણે આપણી નવી પેઢીને એક સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીશું. આ જ ભાવના સાથે, ફરી એકવાર હું આપ સૌને શ્રી ગુરુ નાનક દેવજી મહારાજના પાવન પ્રકાશ પર્વની લાખ-લાખ શુભકામના આપું છું. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ!

આવો, મારી સાથે મળીને જયકારો લગાવો, બોલે સો નિહાલ! સત શ્રી અકાલ! ખૂબ-ખૂબ ધન્યવાદ!

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2340603) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , हिन्दी