કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

મોદી સરકારની નીતિઓથી દેશમાં અત્યાર સુધી 49.60 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર: વર્લ્ડ બેન્ક અહેવાલ


ગરીબી નિવારણમાં કૃષિ અને ગ્રામીણ વિકાસની ભૂમિકા પર 23 નવેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં થશે મહામંથન

કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયોની કાર્યશાળામાં આગળની રણનીતિ થશે નક્કી: બાકી રહેલા ગરીબ પરિવારોનું જીવનધોરણ ઝડપથી ઊંચું લાવવા માટે થશે વિમર્શ- શ્રી શિવરાજ સિંહ

પોસ્ટેડ ઓન: 22 NOV 2026 9:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે ગરીબી નિવારણના ક્ષેત્રમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલ (ઓક્ટોબર 2026) મુજબ, વર્ષ 2011 થી 2023 ની વચ્ચે દેશમાં લગભગ 49.60 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને ગરીબીનો દર 57.70 ટકાથી ઘટીને 16.10 ટકા પર આવી ગયો છે. આ મોટી ઉપલબ્ધિમાં કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી નીતિઓની સાથે-સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયની યોજનાઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ જ ઐતિહાસિક સફળતાને આગળ વધારવા અને બાકી રહેલા ગરીબ પરિવારોને ઝડપથી ગરીબી રેખાથી ઉપર લાવવા માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની પહેલ પર આવતીકાલે, 23 નવેમ્બર (સોમવાર) ના રોજ નવી દિલ્હી સ્થિત આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં એક દિવસીય વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાનારી આ કાર્યશાળાનો વિષય "ભારતમાં ગરીબી ઘટાડવામાં કૃષિ અને ગ્રામીણ વિકાસની ભૂમિકા અને યોગદાન" રાખવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ આયોજનમાં બંને મંત્રાલયોના રાજ્યમંત્રીગણ શ્રી રામનાથ ઠાકુર, શ્રી ભાગીરથ ચૌધરી, શ્રી ચંદ્રશેખર પેમ્માસાની અને શ્રી કમલેશ પાસવાન તથા ચારેય સચિવો સહિત બંને મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે.

આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી નિવારણમાં અત્યાર સુધી મળેલી સફળતામાં યોગદાન આપનારા અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ વધારવાનો છે. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અવસરે તમામ કર્મચારીઓની મહેનતની સરાહના કરતા તેમને આગળના લક્ષ્યો માટે પ્રેરિત કરશે. કાર્યશાળામાં એ બાબત પર ગહન મંથન કરવામાં આવશે કે વર્તમાનમાં જે લોકો ગરીબી રેખાથી નીચે જીવન ગુજારી રહ્યા છે, તેમને કૃષિ અને ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓના માધ્યમથી વધુ ઝડપથી ગરીબીના દુષચક્રમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે.

બેઠક દરમિયાન યોજનાઓના પાયાના અમલીકરણને વધુ અસરકારક બનાવવા, ખેડૂતોની આવક વધારવા, ગ્રામીણ આજીવિકાને સશક્ત બનાવવા અને સમાજના અંતિમ પંક્તિમાં ઊભેલા વ્યક્તિનું જીવનધોરણ ઊંચું લાવવા માટે નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'ગરીબ કલ્યાણ' અને 'વિકસિત ભારત' ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ કાર્યશાળા એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2340081) મુલાકાતી સંખ્યા : 12