પોસ્ટેડ ઓન:
22 NOV 2026 10:07AM by PIB Ahmedabad
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એક ઐતિહાસિક સીમાચિહ્નની નજીક પહોંચી રહ્યું છે. આ અંતર્ગત રવિવારે ગાંધીનગરમાં ફિટ ઇન્ડિયા ‘સન્ડેઝ ઑન સાયકલ’ના 99મા સંસ્કરણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાગરિકો, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ફિટનેસપ્રેમીઓ સાથે આ સામૂહિક ફિટનેસ અભિયાનમાં જોડાયા હતા.
ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત દાંડી કુટીર અને મહાત્મા મંદિર પરિસરમાં આયોજિત આ વિશેષ સંસ્કરણ સંવિધાન દિવસની ભાવનાને સમર્પિત હતું, જે દર વર્ષે 26 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના ચિંતન શિબિરની સાથે યોજાયો હતો, જેણે શારીરિક સુખાકારી, નાગરિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ પ્રસંગે પંજાબના શ્રમ મંત્રી શ્રી તરુણપ્રીત સિંહ સોંદ અને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ શ્રી ચંદ્રભૂષણ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું વિશેષ મહત્વ એ હતું કે દેશવ્યાપી ‘સન્ડેઝ ઑન સાયકલ’ પહેલ તેના ઐતિહાસિક 100મા સંસ્કરણ પહેલાંના અંતિમ સપ્તાહમાં પ્રવેશી છે, જેનું આયોજન 29 નવેમ્બર 2026ના રોજ થવાનું છે. સંવિધાન દિવસ પહેલાં રવિવારે દેશભરમાં 26,000 સ્થળોએ આ પહેલના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન આપતા લોકઆંદોલન તરીકે તેની વધતી પહોંચ દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ફિટનેસને રાષ્ટ્રનિર્માણની સામૂહિક જવાબદારી ગણાવી
કાર્યક્રમને સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં યુવાનોની ફિટનેસની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યું છે. આપણા યુવાનો આ પરિવર્તનના મુખ્ય ચાલકબળ બનશે અને વિકસિત ભારતનું નિર્માણ સ્વસ્થ, ફિટ અને નશામુક્ત યુવા પેઢીના મજબૂત પાયા પર થવું જોઈએ. આ જ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો મૂળ હેતુ છે. આજે આપણે સન્ડેઝ ઑન સાયકલના 99મા સંસ્કરણની ઉજવણી કરી રહ્યા છીએ અને 26 નવેમ્બરના સંવિધાન દિવસ પહેલાં દેશભરમાં 26,000 સ્થળોએ આ પહેલનું આયોજન થઈ રહ્યું છે. આના માધ્યમથી આપણે શક્તિશાળી સંદેશ આપી રહ્યા છીએ કે ફિટનેસ માત્ર વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની સામૂહિક જવાબદારી છે.”
સાયકલિંગને માત્ર સાપ્તાહિક પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત ન રાખીને તેને ભારતની ફિટનેસ સંસ્કૃતિનો ભાગ બનાવવાનું આહ્વાન કરતાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે:
“હું ઇચ્છું છું કે સાયકલિંગ આપણા યુવાનોમાં એક ફેશન બને, દરેક નાગરિકનો જુસ્સો બને અને આપણી રોજિંદી જીવનશૈલીનો સ્વાભાવિક ભાગ બને. સાયકલિંગ પ્રદૂષણનો ઉકેલ, ટ્રાફિકની ભીડનો વિકલ્પ અને સ્વસ્થ તથા ટકાઉ ભારત તરફનો માર્ગ છે. વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની આપણી આકાંક્ષાને ધ્યાનમાં રાખીને આપણે એવી સંસ્કૃતિ ઊભી કરવી પડશે, જેમાં ફિટનેસ અને રમતગમત રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોય.
આવતા રવિવારે, 29 નવેમ્બરે આપણે સન્ડેઝ ઑન સાયકલના ઐતિહાસિક 100મા સંસ્કરણની ઉજવણી કરીશું. દરેક મોટા આંદોલનની શરૂઆત નાના પગલાંથી થાય છે. જેમ પાણીનાં અસંખ્ય ટીપાં ભેગાં થઈને મહાસાગર બનાવે છે, તેમ દર રવિવારે નાગરિકોની ભાગીદારીએ આ પહેલને દેશવ્યાપી આંદોલનમાં પરિવર્તિત કરી છે. આ સામૂહિક ભાવના ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરવામાં અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ બનશે.”

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધતી જનભાગીદારીની પ્રશંસા કરી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પહેલમાં વધતી જતી જનભાગીદારીની પ્રશંસા કરતાં ફિટનેસને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવવા માટે ડૉ. મનસુખ માંડવિયાની વ્યક્તિગત પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દેશભરના નાગરિકોને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યું છે. ડૉ. મનસુખ માંડવિયા પોતે દર રવિવારે સાયકલ ચલાવીને સન્ડેઝ ઑન સાયકલનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ દેશના કોઈપણ સ્થળે હોય તો પણ. તેમની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે કે ફિટનેસ કોઈ ચોક્કસ સ્થળ કે પ્રસંગ પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ તે આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સન્ડેઝ ઑન સાયકલ માત્ર લોકોને સાયકલિંગ કાર્યક્રમ માટે એકત્રિત કરવા પૂરતું નથી. તેનો હેતુ સાયકલિંગને ફિટનેસનું પસંદગીનું માધ્યમ, જીવનશૈલીની પસંદગી અને ગૌરવનો વિષય બનાવવાનો છે. ગાંધીનગરમાં 99મા સંસ્કરણમાં જોવા મળેલી અભૂતપૂર્વ ભાગીદારી આ આંદોલનની સફળતા અને નાગરિકોના વધતા ઉત્સાહનો પુરાવો છે. મને વિશ્વાસ છે કે આ પહેલ લાખો લોકોને, ખાસ કરીને યુવાનોને નિયમિત સાયકલિંગ કરવાની અને સ્વસ્થ તથા મજબૂત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની પ્રેરણા આપતી રહેશે.”
ગાંધીનગરના પ્રતિષ્ઠિત સ્થળોએ ફિટનેસની ઉજવણી
કાર્યક્રમની શરૂઆત સવારે 6:30 વાગ્યે દાંડી કુટીર ખાતે ઉત્સાહભર્યા ઝુમ્બા સેશનથી કરવામાં આવી હતી. જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્ર દ્વારા શારીરિક પ્રવૃત્તિઓને આનંદદાયક, સર્વસમાવેશક અને રોજિંદા જીવનનો સરળતાથી અપનાવી શકાય એવો ભાગ બનાવી શકાય છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
ફિટનેસ સેશન બાદ આશરે 2.5 કિલોમીટરની સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડી કુટીરથી શરૂ થયેલી આ રેલી મહાત્મા મંદિર સુધી પહોંચી અને ત્યારબાદ ફરી પ્રારંભિક સ્થળે પરત ફરી હતી. આ દરમિયાન સમગ્ર પરિસર ફિટનેસ, એકતા અને સક્રિય જીવનશૈલીની ઉજવણીના માહોલમાં રંગાઈ ગયું હતું.
સંવિધાન દિવસની થીમે કાર્યક્રમને વિશેષ પરિમાણ આપ્યું હતું. તેમાં સામૂહિક જવાબદારી, રાષ્ટ્રીય એકતા અને નાગરિક સહભાગિતાના આદર્શોને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે સક્રિય અને જવાબદાર નાગરિકોથી બનેલો સ્વસ્થ સમાજ દેશની વિકાસયાત્રાનો મહત્વપૂર્ણ આધાર છે.

આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ મેડલ વિજેતાઓએ સહભાગીઓને પ્રેરણા આપી
કાર્યક્રમમાં ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરનારા ત્રણ પ્રતિભાશાળી સોફ્ટ ટેનિસ ખેલાડીઓ આધ્યા તિવારી, જય મીના અને અનિકેત પટેલની ઉપસ્થિતિએ ઉજવણીમાં રમતગમતનું વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. આ ખેલાડીઓએ સોફ્ટ ટેનિસમાં ભારતની સિદ્ધિઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી ઓળખને ઉજાગર કરી હતી.
મધ્યપ્રદેશના નર્મદાપુરમની વતની અને હાલમાં મુંબઈમાં આવકવેરા વિભાગમાં કાર્યરત આધ્યા તિવારી સોફ્ટ ટેનિસમાં ભારતની નંબર-1 અને વિશ્વની નંબર-3 ખેલાડી છે. તેમના નામે 22 આંતરરાષ્ટ્રીય મેડલ છે. તેમણે જય મીના સાથે દક્ષિણ કોરિયાના આનસોંગ ખાતે યોજાયેલી 2024ની વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ પ્રથમ મેડલ હતો. આ જોડીએ 2025ની એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વિક్రమ એવોર્ડ (2023) અને એકલવ્ય એવોર્ડથી સન્માનિત આધ્યા 2022 અને 2026ની એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
મધ્યપ્રદેશના દેવાસના જય મીનાએ જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી 2026ની એશિયન ગેમ્સમાં પુરુષ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. સોફ્ટ ટેનિસમાં એશિયન ગેમ્સમાં ભારતનો આ પ્રથમ મેડલ હતો. તેઓ આધ્યા તિવારી સાથે 2024ની વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ અને 2025ની એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સના ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ વિજેતા જોડીનો પણ ભાગ રહ્યા હતા. આ જોડીએ અગાઉ 2022ની નેશનલ ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અમદાવાદના અનિકેત પટેલ ભૂતપૂર્વ ભારત નંબર-1 સોફ્ટ ટેનિસ ખેલાડી છે અને સતત ત્રણ એશિયન ગેમ્સ, 2018, 2022 અને 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમના નામે અનેક મેડલ છે. તેમની મુખ્ય સિદ્ધિઓમાં 2025 પોલેન્ડ કપમાં મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ, 2024 જર્મન કપમાં પુરુષ ડબલ્સ ગોલ્ડ અને પુરુષ સિંગલ્સ સિલ્વર, 2024 પોલેન્ડ કપમાં બે બ્રોન્ઝ મેડલ, 2024 ISTF વર્લ્ડ ટૂર થાઇલેન્ડમાં પુરુષ ડબલ્સ બ્રોન્ઝ તેમજ દક્ષિણ એશિયન ચેમ્પિયનશિપના મેડલનો સમાવેશ થાય છે.
આ ખેલાડીઓની ઉપસ્થિતિએ આંતરરાષ્ટ્રીય રમતગમતની સિદ્ધિઓને પાયાના સ્તરે ફિટનેસ પ્રોત્સાહન સાથે જોડવાની તક પૂરી પાડી હતી અને ખાસ કરીને યુવા સહભાગીઓને રમતગમત તથા શારીરિક પ્રવૃત્તિઓ અપનાવવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા એમ્બેસેડર શ્રી રાકેશ સૈની અને શ્રી ભીષ્મ મઢાની તેમજ ફિટ ઇન્ડિયા ચેમ્પિયન્સ ભાનુ અને ઉર્વીએ પણ ભાગ લીધો હતો, જેના કારણે દરેક માટે ફિટનેસનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો.

સાપ્તાહિક સાયકલિંગ પહેલથી દેશવ્યાપી ફિટનેસ આંદોલન સુધી
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા ‘સન્ડેઝ ઑન સાયકલ’ પહેલ એક સાપ્તાહિક સાયકલિંગ પ્રવૃત્તિમાંથી આગળ વધીને દેશવ્યાપી આંદોલન બની છે. તેનો ઉદ્દેશ નાગરિકોને ફિટનેસ, ટકાઉ પરિવહન અને સામુદાયિક સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરવાનો છે.
આ પહેલે વિવિધ વયજૂથો અને વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોને એક મંચ પર લાવીને દર રવિવારે સાયકલિંગ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવા પ્રોત્સાહિત કર્યા છે. સાયકલિંગ ઉપરાંત વિવિધ સંસ્કરણોમાં યોગ, ઝુમ્બા, વોર્મ-અપ સેશન, પરંપરાગત ભારતીય રમતો અને મનોરંજક રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા વિવિધ ફિટનેસ રસ અને ક્ષમતાઓ ધરાવતા લોકોને સર્વસમાવેશક મંચ મળ્યો છે.
ગાંધીનગરમાં યોજાયેલું 99મું સંસ્કરણ આ યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થયું છે. જ્યારે 29 નવેમ્બરે યોજાનાર 100મું સંસ્કરણ ફિટનેસને રાષ્ટ્રીય સામૂહિક પ્રતિબદ્ધતા બનાવવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ બનશે.
ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ વિશે
ફિટ ઇન્ડિયા ‘સન્ડેઝ ઑન સાયકલ’ એ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ભારતીય રમતગમત પ્રાધિકરણ દ્વારા આયોજિત એક મુખ્ય સામુદાયિક ફિટનેસ પહેલ છે. આ પહેલમાં સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા, નવવ્રતિ ફાઉન્ડેશન, ફિટસ્પાયર, સેન્ટર ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ, MY Bharat અને અન્ય ભાગીદાર સંસ્થાઓ સહયોગ આપે છે.
આ પહેલ દેશનાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SAIના પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (NCOEs), SAI ટ્રેનિંગ સેન્ટર્સ (STCs), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (KISCEs), ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (KICs) અને ભાગીદાર સંસ્થાઓ દ્વારા યોજવામાં આવે છે.
*“ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ”*ના સંદેશ સાથે આ અભિયાન નાગરિકોને દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ માટે ફાળવવા તથા સાયકલિંગને સરળતાથી અપનાવી શકાય તેવી, પર્યાવરણ પ્રત્યે જવાબદાર અને ટકાઉ જીવનશૈલી તરીકે સ્વીકારવા પ્રેરિત કરે છે.
ભારતીય રમતગમત પ્રાધિકરણ, પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર, સામુદાયિક ફિટનેસ, ખેલાડીઓની ભાગીદારી, રમતગમતની શ્રેષ્ઠતા અને જનસહભાગિતાને જોડતી પહેલો દ્વારા ફિટ ઇન્ડિયા અને વિકસિત ભારતના વ્યાપક રાષ્ટ્રીય લક્ષ્યને આગળ વધારવા સતત પ્રયત્નશીલ છે.
