પોસ્ટેડ ઓન:
21 NOV 2026 5:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ રવિવાર, 22 નવેમ્બર, 2026 ના રોજ અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરના દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે સહકારી સમારોહમાં ભાગ લેશે અને રાજ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, આ કાર્યક્રમ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેને વધુ સશક્ત, આત્મનિર્ભર તથા સમાવિષ્ટ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા, ગ્રામીણ આજીવિકાનો વિસ્તાર કરવા, મહિલા સશક્તિકરણ, નાણાકીય સમાવેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ, કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી ચોવના મેન, અરુણાચલ પ્રદેશના કૃષિ મંત્રી શ્રી ગેબ્રિયલ ડેનવાંગ વાંગસુ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશની અનેક મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવશે. તેમાં ₹1,500 કરોડના ખર્ચ સાથે ‘મિશન શિક્ષિત અરુણાચલ – તબક્કો II’; ₹2,000 કરોડના ખર્ચ સાથે ‘મુખ્યમંત્રી વ્યાપક રાજ્ય વીજ વિકાસ કાર્યક્રમ’; અને ₹2,000 કરોડના ખર્ચ સાથે ‘મુખ્યમંત્રી વ્યાપક રાજ્ય ગ્રામીણ માર્ગ વિકાસ કાર્યક્રમ’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજ્યના 11 સરહદી જિલ્લાઓમાં વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ હેઠળ ₹110.95 કરોડના 199 પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવામાં આવશે. શ્રી અમિત શાહ ‘મિશન સુરક્ષા’ પણ લોન્ચ કરશે. આ પહેલોનો ઉદ્દેશ્ય શિક્ષણ, વીજળી અને માર્ગ માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાનો, સરહદી વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર રાજ્યમાં લોકકલ્યાણની સુવિધાઓમાં સુધારો કરવાનો છે.
સહકારી ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ અને બજાર પહોંચને મજબૂત બનાવવા માટે પણ અનેક મહત્વપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અનાજ સંગ્રહ યોજના હેઠળ રાગા LAMPS ખાતે નિર્મિત અનાજ સંગ્રહ ગોદામનું રિમોટલી ઉદ્ઘાટન કરશે. આનાથી સ્થાનિક સ્તરે સંગ્રહ સુવિધાઓ મજબૂત બનશે અને સહકારી સંસ્થાઓની ભૂમિકા વિસ્તરશે. શ્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના ઉત્પાદનો માટે એક ઈ-કોમર્સ વેબપેજ પણ લોન્ચ કરશે. આ પહેલથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ ઉત્પાદનોને વ્યાપક બજાર પહોંચ મળશે અને મહિલા સ્વ-સહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ‘અરુણાચલ પ્રદેશ કોઓપરેટિવ વિઝન 2047’ નું અનાવરણ કરશે. આ વિઝન દસ્તાવેજ રાજ્યમાં સહકારી ચળવળના લાંબા ગાળાના વિકાસ તરફની એક મહત્વપૂર્ણ પહેલને ચિહ્નિત કરશે. શ્રી અમિત શાહ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવનારી સહકારી મંડળીઓનું સન્માન પણ કરશે. નામસાઈ ડેરી કોઓપરેટિવ સોસાયટીને ‘સહકારિતા પુરસ્કાર’ પ્રાપ્ત થશે; લોઅર સુબનસિરી ફિશ ફાર્મર્સ કોઓપરેટિવ સોસાયટીને શ્રેષ્ઠ મત્સ્યોદ્યોગ સહકારી મંડળી તરીકે સન્માનિત કરવામાં આવશે; કેમલી LAMPS ને શ્રેષ્ઠ હેન્ડલૂમ, ટેક્સટાઇલ અને વણકર સહકારી મંડળી તરીકે સન્માનિત કરવામાં આવશે; અને જાંગ LAMPS ને શ્રેષ્ઠ PACS/LAMPS તરીકે સન્માનિત કરવામાં આવશે.
સહકારી સંસ્થાઓની નાણાકીય ક્ષમતા અને પ્રવૃત્તિઓને વિસ્તારવાના ઉદ્દેશ્ય સાથે, કાર્યક્રમ દરમિયાન વિવિધ સહકારી મંડળીઓને નાણાકીય સહાય અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ લાગુન મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડને લોન મંજૂરી પ્રમાણપત્ર પ્રદાન કરશે. ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ શાકભાજીના બિયારણની મિની-કિટનું વિતરણ કરશે. આ ઉપરાંત, નાબાર્ડ પોમા જ્યુટ ડેરી એન્ડ લાઇવસ્ટોક કોઓપરેટિવ સોસાયટીને માઇક્રો-ATM પ્રદાન કરશે, જ્યારે અરુણાચલ પ્રદેશ સ્ટેટ કોઓપરેટિવ એપેક્સ બેંક લિમિટેડ વાક્રો LAMPS ને લોન મંજૂરી પ્રમાણપત્ર પ્રદાન કરશે. મહિલા સ્વ-સહાય જૂથોના ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા રચાયેલી ખામ્યેર અને મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડને નોંધણી પ્રમાણપત્ર પણ સોંપવામાં આવશે. આ પહેલોથી સહકારી સંસ્થાઓની નાણાકીય પહોંચ, સંસ્થાકીય ક્ષમતા અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની અપેક્ષા છે.
કાર્યક્રમની શરૂઆતમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ મોબાઈલ મેડિકલ વાનને લીલી ઝંડી આપશે અને સરસ મેળાનું ઉદ્ઘાટન કરશે. તેઓ મેળામાં લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લેશે અને મહિલા સ્વ-સહાય જૂથો તથા સહકારી મંડળીઓના સભ્યો સાથે સંવાદ કરશે. આ મેળો સ્થાનિક ઉત્પાદનો, પરંપરાગત હસ્તકલા, મહિલા-નેતૃત્વ હેઠળની ઉદ્યોગસાહસિકતા અને સહકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડશે.
અરુણાચલ પ્રદેશમાં યોજાનાર આ સહકારી સમારોહ સહકાર દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા, સ્થાનિક સંસાધનોના બહેતર ઉપયોગને પ્રોત્સાહન આપવા, મહિલા-નેતૃત્વ હેઠળના સાહસોને પ્રોત્સાહિત કરવા અને સહકારી સંસ્થાઓને આધુનિક નાણાકીય તથા ડિજિટલ સુવિધાઓ સાથે જોડવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડશે. શિક્ષણ, વીજળી, માર્ગો અને સરહદી વિસ્તારો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ રાજ્યના સમાવિષ્ટ અને સંતુલિત વિકાસને વેગ આપવામાં વધુ ફાળો આપશે.
SM/IJ/JD