પોસ્ટેડ ઓન:
21 NOV 2026 1:41PM by PIB Ahmedabad
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિર આજે ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (MoLE) દ્વારા 21–22 નવેમ્બર 2026ના રોજ આયોજિત આ ચિંતન શિબિર 21 નવેમ્બર 2025ના રોજ લેબર કોડ્સ અમલમાં આવ્યાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે.

આ સંમેલનના ઉદ્ઘાટન સત્રની સહ-અધ્યક્ષતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કરી હતી, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ, રોજગાર અને ઉદ્યોગ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

ઉદ્ઘાટન સંબોધન આપતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રમિકોના કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસને રાષ્ટ્રીય પ્રગતિ રથનાં પૈડાં ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે શ્રમિકોના હિતોનું રક્ષણ કરવાની સાથે ઉદ્યોગોને મજબૂત બનાવવા આવશ્યક છે.
વિકસિત ભારત તરફની ભારતની સફરમાં લેબર કોડ્સના અમલીકરણને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવતા કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે આ કોડ્સ ઉદ્યોગો પર અનુપાલનનો બોજ ઘટાડવાની અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાના વિસ્તરણ અને નિશ્ચિત-મુદતની રોજગારી સહિતની અન્ય જોગવાઈઓ સુનિશ્ચિત કરે છે. તેમણે 2014માં 25 કરોડથી વધીને 2026માં 101 કરોડ થયેલા ભારતના સામાજિક સુરક્ષા કવરેજના નોંધપાત્ર વિસ્તરણ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જે શ્રમિકોના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

ભારતના કુશળ શ્રમબળની વધતી વૈશ્વિક માંગ અને દેશના વસ્તી વિષયક લાભનો ઉલ્લેખ કરતા, તેમણે યુવાનો માટે આંતરરાષ્ટ્રીય રોજગારીની તકો અને સરહદો પાર ભારતીય શ્રમિકોની ગતિશીલતા પર ચર્ચા-વિચારણા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે તમામ હિતધારકોને દેશના સાત કરોડ શ્રમિકોના કલ્યાણ માટે ટીમ ઇન્ડિયાની ભાવનાથી સામૂહિક રીતે કામ કરવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘પંચ પ્રણ’ ના પાંચમા પ્રણને ટાંકીને, જે 140 કરોડ નાગરિકોને રાષ્ટ્રીય લક્ષ્યો હાંસલ કરવા માટે સામૂહિક રીતે કામ કરવા વિનંતી કરે છે, તેમણે સહભાગીઓને ચિંતન શિબિરમાં ચર્ચા-વિચારણાઓમાં સક્રિયપણે જોડાવા આમંત્રણ આપ્યું હતું, અને સાથે જ તેમને ગુજરાતનું અન્વેષણ કરવા તથા તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસના સાક્ષી બનવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સંબોધન આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રમિકોનું ગૌરવ, કલ્યાણ અને સશક્તિકરણ ભારતની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે અભિન્ન છે. છેલ્લા એક વર્ષમાં લેબર કોડ્સના અમલીકરણમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી પ્રયાસો પર પ્રકાશ પાડતા તેમણે વધુ મજબૂત, વધુ શ્રમિક-કેન્દ્રિત શ્રમ ઇકોસિસ્ટમના ઉદ્ભવ પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીએ શ્રમ કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસ માટે શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા, સહયોગને મજબૂત કરવા અને સહિયારા વિઝનને આગળ વધારવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એક મંચ તરીકે ચિંતન શિબિરની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. ભારતના ભવિષ્યને ઘડવામાં શ્રમબળની પાયાની ભૂમિકાનો પુનરોચ્ચાર કરતા તેમણે ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શ્રમિક કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસ સાથે-સાથે ચાલવા જોઈએ.

અગાઉ, સ્વાગત પ્રવચન અને પ્રારંભિક ટિપ્પણી આપતા, શ્રમ અને રોજગાર મંત્રાલય (MoLE) ના સચિવ ડૉ. ચંદ્ર ભૂષણ કુમારે દેશભરમાંથી આવેલા તમામ મહાનુભાવો અને સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે લેબર કોડ્સના અસરકારક અમલીકરણ માટે માનસિકતા અને દ્રષ્ટિકોણમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને નોંધ્યું હતું કે આગળની સફરમાં જવાબદારીઓ અને અપેક્ષાઓને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે કેન્દ્રિત ચર્ચા-વિચારણાઓ આવશ્યક છે.
આ ચર્ચાઓ વિકસિત ભારતના લક્ષ્યને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે તે પ્રકાશિત કરતા, તેમણે તમામ સહભાગીઓને તેમના સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગેના અનુભવો વહેંચવા અને ચિંતન શિબિરને સફળ બનાવવા માટે તેમની સામૂહિક જવાબદારી નિભાવવા આહ્વાન કર્યું હતું.

ઉદ્ઘાટન સત્ર બાદ, પ્રથમ દિવસે (21 નવેમ્બર 2026) લેબર કોડ્સ – અમલીકરણની સ્થિતિ અને આગળનો માર્ગ, રોજગાર પહેલો અને EPFO સુધારા, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) સુધારા, અને અસંગઠિત શ્રમિકો માટે સામાજિક સુરક્ષા તથા શ્રમ આંકડાશાસ્ત્રને આવરી લેતા ચાર વિષયક પૂર્ણ સત્રો, ઉપરાંત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેષ્ઠ-પદ્ધતિઓના વીડિયો અને ચર્ચાઓ યોજાઈ રહી છે. આ સાથે જ, લેબર કોડ્સ માટે અમલીકરણ વ્યૂહરચનાઓ, MSME જોડાણ, ક્ષેત્રીય-સ્તરની પહેલો અને વિશ્વાસ-આધારિત ઇલેક્ટ્રોનિક અનુપાલન પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ક્ષેત્રીય અધિકારીઓ માટે સમાંતર અલગ- અલગ સત્રો યોજાઈ રહ્યા છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com