પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિલ્હીમાં પ્રથમ શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 8:09PM by PIB Ahmedabad

મહામહિમ, SCO ના મહાસચિવ, ભારતના સંસ્કૃતિ મંત્રી, ભારત સરકારના અન્ય મંત્રીગણ, SCO દેશોના તમામ મંત્રીઓ, રાજદૂતો, હાઈ કમિશનરો, મહાનુભાવો, પ્રતિષ્ઠિત વિદ્વાનો, પ્રસિદ્ધ કલાકારો, આદરણીય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.

આ પ્રથમ SCO સભ્યતા સંવાદ મંચ છે. હું ભારતમાં આવેલા તમામ અતિથિઓનું સ્વાગત કરું છું, આપ સૌનું અભિનંદન કરું છું. એક એવા સમયે, જ્યારે દુનિયામાં યુદ્ધ અને અશાંતિ પર ચર્ચા હાવી છે, ત્યારે આપણે ભારતમાં સભ્યતાના જોડાણ પર સંવાદ કરી રહ્યા છીએ. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે વૈશ્વિક શાંતિ માટે સૌથી મજબૂત ખાતરી સાંસ્કૃતિક જોડાણ જ હોય છે. તેથી, આજના આ આયોજનનું મહત્વ વધુ વધી ગયું છે.

સાથીઓ,

થોડા મહિનાઓ પહેલાં જ શાંઘાઈ સહકાર સંગઠને પોતાની સ્થાપનાના 25 વર્ષ પૂરા કર્યા છે. વીતેલા વર્ષોમાં SCO એ સુરક્ષા, અર્થતંત્ર અને જોડાણમાં સહયોગ ઘણો વધાર્યો છે. આવી સ્થિતિમાં સાંસ્કૃતિક અને સભ્યતાગત સહયોગ વિવિધ દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. મને વિશ્વાસ છે, આ મંચમાંથી નવા વિચારો સામે આવશે, સાંસ્કૃતિક સહયોગના નવા અવસરો ઊભા થશે, અને આપણા સહિયારા સભ્યતાગત અનુભવો દુનિયાને એકજૂટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મિત્રો,

આ સમયે આપણે દિલ્હીના પુરાણા કિલ્લામાં છીએ, આ પુરાણો કિલ્લો ભારતની અદ્ભુત સાંસ્કૃતિક ધરોહર છે, તેનો ઇતિહાસ જેટલો આકર્ષક છે, તેટલી જ મનમોહક ગાથાઓ પણ તેનો ભાગ છે. તમે કદાચ તેના વિશે અહીં વાંચ્યું અને સાંભળ્યું પણ હશે, વિદ્વાનોના મતે આ કિલ્લાનો ઇતિહાસ હજારો વર્ષ પૂર્વે મહાભારત કાળ સુધી જાય છે. આટલા પ્રાચીન સ્થાન પર ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, વેદ મંત્રોનો ઊર્જાથી ભરેલો પાઠ, બૌદ્ધ દર્શનની પ્રસ્તુતિ, હનુમાનજીની યાત્રા, તેમાં ભારતીય સંસ્કૃતિના દર્શન પણ થઈ રહ્યા હતા અને માનવતા માટે પ્રેમ અને એકતાનો સંદેશ પણ હતો.

આ ભાવ, આ વિચારો, આ શિક્ષણ, તે જેટલા પ્રાચીન છે, તેટલા જ સાર્વત્રિક પણ છે. ભૌગોલિક-રાજકીય સીમાઓથી પર, તે આપણને સહજ રીતે એકબીજા સાથે જોડી દે છે. આ જ આ શિખર સંમેલનનો ઉદ્દેશ્ય પણ છે અને આ જ આજે સમયની માંગ પણ છે. હું આશા રાખું છું, આપ સૌ આ આયોજનનો આનંદ પણ માણશો અને તેને ઐતિહાસિક બનાવીને એક નવી પરંપરાનો પાયો પણ નાખશો. એક એવી પરંપરા જેના માટે ભવિષ્ય આપ સૌને યાદ કરશે.

આજે દુનિયામાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને લોકોથી લોકોના જોડાણની ખૂબ ચર્ચા થાય છે. આ એક એવો અભિગમ છે, જેને આપણે સૌના પૂર્વજોએ સદીઓ સુધી સમૃદ્ધ કર્યો હતો. લગભગ 5 હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણની સભ્યતા અને મેસોપોટેમિયા વચ્ચે વેપારી સંબંધો હતા. ત્યારબાદ, અન્ય વેપાર માર્ગોએ આ સંપર્કને એક નવો વિસ્તાર પણ આપ્યો. ભારત, ચીન, મધ્ય એશિયા અને યુરેશિયાના અનેક પ્રદેશો આ પ્રાચીન વેપાર નેટવર્ક સાથે જોડાયા. આ રસ્તાઓ પર વેપારીઓની સાથે વિદ્વાનોનું, યાત્રાળુઓ અને બૌદ્ધ સાધુઓનું અવરજવર થતી હતી. આ યાત્રાઓથી વિચારો, ભાષાઓ અને પરંપરાઓનું આદાનપ્રદાન થયું. ગાંધાર અને મધ્ય એશિયામાંથી થઈને બૌદ્ધ ગ્રંથોના વિચારો ચીન સુધી પહોંચ્યા. કુચા અને દુનહુઆંગ જેવા સ્થાનો આ યાત્રાના મહત્વપૂર્ણ કેન્દ્રો બન્યા. ચીનથી ફાહિયાન, હ્વેનસાંગ અને ઇત્સિંગ જેવા વિદ્વાનો ભારત આવ્યા. તેમણે અહીંની જ્ઞાન પરંપરાઓનો અભ્યાસ કર્યો અને તેને પોતાના દેશ સુધી પહોંચાડી. નાલંદા જેવા વિશ્વવિદ્યાલયો પણ આ જ્ઞાનના આદાનપ્રદાનના કેન્દ્રો બન્યા. મધ્ય એશિયાના કુચામાં જન્મેલા કુમારજીવ જેવા વિદ્વાનોએ બૌદ્ધ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. આ જ રીતે, માનવ અને સભ્યતા સમૃદ્ધ અને વિકસિત થતી જ રહી. હું સમજું છું કે, સામ્રાજ્યોએ દુનિયાના નકશા ચોક્કસ બદલ્યા છે, પરંતુ સભ્યતાગત સંવાદોએ દુનિયાના વિચારો બદલ્યા છે, વૈચારિક સમૃદ્ધિને તાકાત આપી છે. તેથી, SCO સભ્યતા શિખર સંમેલન માત્ર એક ઔપચારિક મંચ નથી, તે વિશ્વને દિશા આપવાનું એક મંચ બની શકે છે.

સાથીઓ,

જ્યારે જ્ઞાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે, ત્યારે તેને વ્યક્ત કરવાની રીત બદલાઈ શકે છે, પરંતુ તેનો પ્રભાવ, તેની ભૂમિકા બદલાતી નથી. જ્ઞાન જે પણ સ્વરૂપમાં હોય છે, પ્રકાશ જ ફેલાવે છે. અને તેનું એક મોટું મહત્વપૂર્ણ ઉદાહરણ ભારતનું પંચતંત્ર છે. તેની વાર્તાઓ ફારસી અને પછી અરબીમાં પહોંચી. કલીલા વ દિમનાના સ્વરૂપમાં આ વાર્તાઓએ એક નવું રૂપ લીધું અને પેઢીઓ સુધી અમર થઈ ગઈ. આ જ રીતે, ભારતમાંથી રામાયણ જ્યારે દક્ષિણ-પૂર્વ એશિયા સુધી પહોંચી, ત્યારે તેણે એ જ આદર્શોને બળ આપ્યું. કંબોડિયામાં રીમકેરના સ્વરૂપમાં રામકથાએ ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ, પ્રદર્શન કલાઓ અને સાહિત્યમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

મિત્રો,

આ આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાન વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં પણ એટલું જ મહત્વપૂર્ણ રહ્યું છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તના વિચારો બગદાદ સુધી પહોંચ્યા. ત્યાં અલ-ખ્વારિઝ્મી જેવા વિદ્વાનોએ ગણિતના જ્ઞાનને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

સાથીઓ,

સ્થાપત્યમાં અને સંગીતમાં પણ આ સહિયારી યાત્રાના અનેક પ્રમાણ મળે છે. મધ્ય એશિયાની મકામ અને ભારતની રાગ પરંપરાઓ વચ્ચે ઊંડું સાંસ્કૃતિક જોડાણ છે. સૂફી વિચારો અને સંગીત પરંપરાઓએ ભારતમાં કવ્વાલીના વિકાસને સમૃદ્ધ કર્યો. મધ્ય એશિયાના સમરકંદ અને હેરાતની બગીચા પરંપરાઓએ ભારતમાં ચારબાગ શૈલીને પ્રભાવિત કરી. આ આદાનપ્રદાન આજે પણ મુક્ત પ્રવાહમાં ચાલતું રહે, તેના માટે આ શિખર સંમેલનની, આવી પહેલોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.

સાથીઓ,

આજે આપણી પાસે પહેલાં કરતાં પણ ઘણા વધુ અવસરો છે. 21મી સદીની ટેક્નોલોજીએ દુનિયામાં સાંસ્કૃતિક જોડાણની નવી સંભાવનાઓ ઊભી કરી છે. જે રસ્તાઓ પર ક્યારેક આપણા પૂર્વજોને મહિનાઓ સુધી યાત્રા કરવી પડતી હતી, આજે એ જ દેશોના લોકો થોડી જ સેકન્ડમાં એકબીજા સાથે જોડાઈ શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે જ્ઞાન વહેંચણી, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને આંતરરાષ્ટ્રીય સહયોગને, તેને પહેલાં કરતાં વધુ સરળ બનાવી દીધું છે. SCO ના દેશોએ આ નવી સંભાવનાઓનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ.

સાથીઓ,

આપ સૌ સન્માનિત અતિથિઓ વચ્ચે આજે આ દિશામાં મારા કેટલાક સૂચનો પણ છે. આપણા દેશોના સંગ્રહાલયો, પુસ્તકાલયો અને દસ્તાવેજાગારોમાં હજારો વર્ષોની અમૂલ્ય વિરાસત સુરક્ષિત છે. પ્રાચીન હસ્તપ્રતો, દુર્લભ ગ્રંથો, ઐતિહાસિક દસ્તાવેજો અને કલાકૃતિઓ, આપણા જોડાણના અનેક પાસાઓને સામે લાવે છે. આજે ટેક્નોલોજીની મદદથી આ વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાના ખૂબ સારા અવસરો બન્યા છે. આપણે પ્રાચીન ગ્રંથોના ડિજિટાઈઝેશન અને અનુવાદમાં સહયોગ કરી શકીએ છીએ. સંયુક્ત સંશોધન પરિયોજનાઓના માધ્યમથી આપણે આપણા આ સહિયારા ઇતિહાસના નવા પાસાઓને સામે લાવી શકીએ છીએ. આનાથી દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલો એક યુવાન, બીજા દેશની સાંસ્કૃતિક ધરોહરને ઘણી બહેતર રીતે સમજી શકશે.

સાથીઓ,

આપણી અનેક મહાન રચનાઓ આજે પણ મર્યાદિત ભાષાઓમાં ઉપલબ્ધ છે. કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી તેમના અનુવાદને નવી ગતિ આપી શકાય છે. આજે આપણી પાસે પહેલાં કરતાં વધુ સાધનો છે, તો આપણે તેમનો પૂરો ઉપયોગ પણ કરવો જોઈએ.

સાથીઓ,

સાંસ્કૃતિક આદાનપ્રદાનના આવા કેટલાય અન્ય અવસરો છે, જેના પર આપણે ધ્યાન આપવું પડશે. જેમ કે આપણા દેશોના સંગ્રહાલયો અને સાંસ્કૃતિક સંસ્થાઓ, સંયુક્ત પ્રદર્શનો યોજી શકે છે. વિશ્વવિદ્યાલયો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે વિદ્વાનો અને સંશોધકોને, તેમના આદાનપ્રદાન કાર્યક્રમોને પ્રોત્સાહન આપી શકાય છે. સાંસ્કૃતિક પ્રવાસન પણ આપણા સહયોગનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર બની શકે છે. સિલ્ક રૂટ્સ અને બૌદ્ધ વિરાસત સાથે જોડાયેલા અનેક ઐતિહાસિક સ્થળો આપણા દેશોમાં મોજૂદ છે. આપણે આ સ્થળોને જોડીને ધરોહર પરિપથ અને સાંસ્કૃતિક માર્ગો વિકસાવવાની સંભાવનાઓ શોધી શકીએ છીએ. આ જ રીતે, સંયુક્ત સાંસ્કૃતિક ઉત્સવો અને કલાકારોના આદાનપ્રદાનથી આપણી કલા અને સાંસ્કૃતિક પરંપરાઓ નવા લોકો સુધી પહોંચી શકે છે. મારો વિશ્વાસ છે કે આવા પ્રયાસોથી આપણા નાગરિકોને એકબીજાની સંસ્કૃતિને વધુ નજીકથી જાણવા-સમજવાના અવસરો મળશે.

સાથીઓ,

આજે આપણે જે સભ્યતાગત સંવાદને આગળ વધારી રહ્યા છીએ, આવનારા દાયકાઓમાં તેને નવી ઊંચાઈ સુધી લઈ જવાની જવાબદારી આપણા યુવાનોની છે. આજની યુવા પેઢી ટેક્નોલોજી સાથે જોડાયેલી છે, તે દુનિયાને વધુ સારી રીતે સમજવા માંગે છે. આપણે આપણા યુવાનોને એકબીજાની ભાષાઓ, સાહિત્ય અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાવાના વધુ અવસરો આપવા પડશે. આપણા યુવા કલાકારો, લેખકો અને ફિલ્મ નિર્માતાઓ, ડિજિટલ મીડિયા અને અન્ય સર્જનાત્મક પ્લેટફોર્મ્સ દ્વારા આપણી સહિયારી વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડી શકે છે. આપણે સ્થાનિક કલાકારો અને કારીગરોને પણ આ પ્રયાસો સાથે જોડવા જ પડશે.

મિત્રો,

ભારતમાં જ્યારે આપણે કોઈ પૂજા કે અનુષ્ઠાન પણ કરીએ છીએ, ત્યારે પણ અંતમાં આપણે પ્રાર્થના કરીએ છીએ- પ્રાણીઓમાં સદભાવના હો! વિશ્વનું કલ્યાણ હો! કારણ કે, આપણી સંસ્કૃતિએ આપણને ‘વસુધૈવ કુટુંબકમ્’ ની શીખ આપી છે. એટલે કે, આ આખું વિશ્વ જ આપણું પરિવાર છે. તેથી, આપણા ત્યાં પોતાના કલ્યાણની ઇચ્છા વિશ્વ કલ્યાણના ભાવમાં જ વણાયેલી રહે છે. આપણે પરસ્પર સદભાવને જ વૈશ્વિક સુખાકારીનો આધાર માનીએ છીએ.

મિત્રો,

પરસ્પર સદભાવ માટે સૌથી જરૂરી હોય છે- પરસ્પર વિશ્વાસ! અને, પરસ્પર વિશ્વાસ ત્યારે પેદા થાય છે, જ્યારે આપણે આપણી વચ્ચે કંઈક સહિયારું અનુભવીએ છીએ. તેથી, આજે આવશ્યકતા છે, આપણે આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે આપણી વચ્ચે શું-શું સહિયારું છે! અને હું ભારતના અનુભવોથી કહી શકું છું, જ્યારે આપણે આ ઉદાર દ્રષ્ટિ અપનાવીએ છીએ ત્યારે, આપણી વિવિધતા જ આપણી એકતાનો આધાર બની જાય છે. એટલા માટે જ, આપણે ભારતમાં આટલી ભિન્ન-ભિન્ન ભાષાઓ, જીવનશૈલીઓ અને પરંપરાઓ હોવા છતાં આટલી ઊંડાઈથી જોડાયેલા છીએ. ભારતમાં આપણે વિવિધતાને સ્વીકારીએ છીએ, આપણે વિવિધતાનો ઉત્સવ મનાવીએ છીએ. આ પ્રેરણા આપણને આપણા એ વેદોમાંથી મળે છે, જેમનો પાઠ આપણે હમણાં શરૂઆતમાં સાંભળી રહ્યા હતા.

સાથીઓ,

આપણા વેદો કહે છે- સંગચ્છધ્વં સંવદધ્વં સં વો મનાંસિ જાનતામ્. અર્થાત્, આપણે સાથે ચાલીએ, આપસમાં સંવાદ કરીએ અને આપણા વિચારોમાં સામંજસ્ય હોય. આ જ ભાવના સાથે, હું ફરી એકવાર, પ્રથમ SCO સભ્યતા સંવાદ મંચની, અને આ પ્રથમ છે, તેનું મહત્વ છે, આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું આપ સૌને સફળ અને સાર્થક ચર્ચાઓ માટે શુભકામનાઓ આપું છું.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.

નમસ્કાર.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2339327) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी