પોસ્ટેડ ઓન:
20 NOV 2026 4:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 નવેમ્બર 2026 ના રોજ બિહારની મુલાકાત લેશે. બપોરે આશરે 1:15 વાગ્યે, પ્રધાનમંત્રી વૈશાલી જિલ્લામાં નીતિશ સેતુની મુલાકાત લેશે. ત્યારબાદ, બપોરે આશરે 2 વાગ્યે, તેઓ વૈશાલીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે તથા આશરે રૂ. 34,470 કરોડના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.
આ પ્રોજેક્ટ્સ માર્ગ જોડાણ, ઊર્જા, શહેરી માળખાકીય સુવિધા, જળ સંસાધન, શિક્ષણ, આરોગ્યસંભાળ, પરિવહન અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિસ્તરેલા છે, અને સમગ્ર રાજ્યમાં માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા તથા જાહેર સેવાઓમાં સુધારો કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ગંગા નદી પર આશરે રૂ. 4,280 કરોડના ખર્ચે નિર્મિત એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેડ બ્રિજ 'નીતિશ સેતુ' ને રાષ્ટ્રને સમર્પિત કરશે. 19.7 કિમી લાંબો આ પ્રોજેક્ટ પટના જિલ્લાના NH-22 પરના કચ્છી દરગાહને વૈશાલી જિલ્લાના NH-322 પરના બિદુપુર સાથે જોડે છે. તેમાં 9.7 કિમીનો મુખ્ય બ્રિજ અને 10 કિમીના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.
આ બ્રિજ ગંગા નદી પર એક મહત્વપૂર્ણ વધારાનો ક્રોસિંગ પૂરો પાડશે, જે હાલના મહાત્મા ગાંધી સેતુ અને જેપી સેતુ પરના ટ્રાફિકના દબાણને હળવું કરશે અને ઉત્તર તથા દક્ષિણ બિહાર વચ્ચેના મુસાફરીના સમયમાં ઘટાડો કરશે. તે રાઘોપુર દિયારાના રહેવાસીઓને પટના તેમજ આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓ સુધીની તેમની પહોંચ સુધારીને ખાસ લાભ પહોંચાડશે. આ પ્રોજેક્ટ કૃષિ પેદાશો અને ઔદ્યોગિક માલસામાનની અવરજવરને પણ સરળ બનાવશે, બજારો સુધીની પહોંચ સુધારશે અને સમગ્ર પ્રદેશમાં વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપશે, જે બિહારના આર્થિક વિકાસમાં ફાળો આપશે.
પ્રધાનમંત્રી રૂ. 15,600 કરોડથી વધુના અનેક મુખ્ય માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય માર્ગ પ્રોજેક્ટ્સમાં અન્ય બાબતોની સાથે NH-19 ના ઔરંગાબાદ-ચોરદાહા સેક્શનને છ-લેન બનાવવું, NH-227F ના ચોરમા-બૈરગનિયા સેક્શન અને NH-327 ના ઉમાગાંવ-સહરસા સેક્શનનો સમાવેશ થાય છે.
ઊર્જા ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી 1,320 મેગાવોટ બક્સર થર્મલ પાવર પ્રોજેક્ટના યુનિટ 2 (660 મેગાવોટ) નું, ઊર્જા વિભાગ હેઠળના વીજ વિતરણ અને ટ્રાન્સમિશન માળખાકીય પ્રોજેક્ટ્સની સાથે ઉદ્ઘાટન કરશે. તેમાં અન્ય બાબતોની સાથે રૂ. 1,130 કરોડથી વધુના RDSS લોસ રિડક્શન વર્ક્સનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટન થનારા અન્ય પ્રોજેક્ટ્સમાં નહેરો અને પાળાઓનું પુનઃસ્થાપન અને મજબૂતીકરણ, નવાદાના ફુલવરિયા ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને કહલગાંવ ખાતે સીવરેજ માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક શાળાઓ, આરોગ્ય સેવાઓ, કૃષિ, રમતગમત અને જાહેર વહીવટ માટેની ઇમારતો અને સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, શહેરી સેવાઓ અને આવશ્યક સુવિધાઓ સુધીની પહોંચમાં સુધારો કરવામાં ફાળો આપશે.
પ્રધાનમંત્રી આશરે રૂ. 14,450 કરોડના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેમાં રૂ. 3,800 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર NH-139W ના સાહેબગંજ-અરેરાજ-બેતિયા સેક્શનને ચાર-લેન બનાવવાનો પ્રોજેક્ટ અને આશરે રૂ. 3,350 કરોડનો અંદાજ ધરાવતો પિરપૈંતી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ (3 x 800 મેગાવોટ) માટેનો પાવર ઇવેક્યુએશન પ્રોજેક્ટ મુખ્ય છે.
પ્રધાનમંત્રી બેગુસરાય, બિહારશરીફ, પૂર્ણિયા, હાજીપુર, મોતિહારી, દાનાપુર, ખગડિયા, સમસ્તીપુર, બોધગયા, સીતામઢી, સહરસા અને અન્ય શહેરી વિસ્તારોમાં સીવરેજ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કરશે. અન્ય પ્રોજેક્ટ્સમાં નહેર પ્રણાલીઓનું આધુનિકીકરણ, ડૉ. ભીમરાવ આંબેડકર રહેણાંક શાળાઓ, IIT પટના રિસર્ચ પાર્ક અને હોસ્ટેલ, એન્જિનિયરિંગ અને પોલિટેકનિક સંસ્થાઓ, તથા ઇમરજન્સી રિસ્પોન્સ અને પોલીસ ડેટા સેન્ટર માળખાકીય સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી 100 પીએમ ઇ-બસ ને લીલી ઝંડી આપશે, જેનાથી રાજ્યમાં સ્વચ્છ જાહેર પરિવહનને વધુ વેગ મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 26,900 થી વધુ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ પણ યોજાશે, જે શહેરી પરિવારોને આવાસ પૂરા પાડવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.
SM/DK/JD