યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2026 ની 8મી આવૃત્તિના લોગો અને મેસ્કોટનું અનાવરણ કર્યું


ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 11 થી 22 ડિસેમ્બર દરમિયાન તેલંગાણાના છ શહેરોમાં યોજાશે

આશરે 8,000 રમતવીરો અને સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે

આ આવૃત્તિમાં 27 સ્પર્ધાત્મક રમતો અને બે પ્રદર્શન ઇવેન્ટ્સ સહિત 29 રમત શાખાઓ સામેલ હશે

સોફ્ટબોલ સ્પર્ધાત્મક રમત તરીકે પદાર્પણ કરશે, જ્યારે સેઇલિંગ અને કર્રા સામુ પ્રથમ વખત પ્રદર્શન રમતો તરીકે સામેલ થશે

પોસ્ટેડ ઓન: 15 NOV 2026 3:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આજે 11 થી 22 ડિસેમ્બર, 2026 દરમિયાન તેલંગાણામાં યોજાનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ (KIYG) ની 8મી આવૃત્તિના લોગો અને મેસ્કોટનું અનાવરણ કર્યું હતું.

જનમેદનીને સંબોધિત કરતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રમતગમત સાથે જોડવા અને રમતગમતને દેશના વિકાસના વ્યાપક વિઝનમાં એકીકૃત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.

 

“પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. રમતગમતમાં યુવા પેઢીની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, બીચ ગેમ્સ, વિન્ટર ગેમ્સ અને ટ્રાઇબલ ગેમ્સ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે,” તેમ ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું.

કેન્દ્રીય રમતગમત મંત્રી અને તેલંગાણાના મુખ્યમંત્રીએ તેલંગાણામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના આયોજનમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને સમર્થન બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ડૉ. માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, તેલંગાણા સરકારના સહયોગથી, યુવાનોને રમતગમત અપનાવવા પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા તથા દેશમાં મજબૂત રમતગમત સંસ્કૃતિના નિર્માણમાં યોગદાન આપવા માટે કાર્ય કરશે.

તેલંગાણાના મુખ્યમંત્રીશ્રી એ. રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જેવી ઇવેન્ટ્સ યુવાનોને નશાખોરી અને અન્ય સામાજિક પડકારોથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવાની સાથે પ્રધાનમંત્રીના 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' ના વિઝનને આગળ વધારવામાં મદદ કરે છે.

11 થી 22 ડિસેમ્બર દરમિયાન છ શહેરો: હૈદરાબાદ, ખમ્મમ, કરીમનગર, હનુમકોંડા, મહબૂબનગર અને નિઝામાબાદમાં યોજાનાર આ ગેમ્સ માટે આશરે 8,000 રમતવીરો અને સહભાગીઓ તેલંગાણામાં એકત્રિત થવાની અપેક્ષા છે.

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની તેલંગાણા આવૃત્તિમાં 29 રમત શાખાઓ સામેલ હશે, જેમાં 27 સ્પર્ધાત્મક રમતો અને બે પ્રદર્શન ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે.

સ્પર્ધાત્મક રમત શાખાઓમાં તીરંદાજી (આર્ચરી), એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, ફૂટબોલ, ગતકા, જિમ્નાસ્ટિક્સ, હોકી, જુડો, કબડ્ડી, કલરીપયટ્ટુ, ખો-ખો, મલ્લખંભ, રોઇંગ, શૂટિંગ, સ્વિમિંગ, સોફ્ટબોલ, ટેબલ ટેનિસ, ટેનિસ, થાંગ-તા, વોલીબોલ, વેઇટલિફ્ટિંગ, કુસ્તી (રેસલિંગ) અને યોગાસનનો સમાવેશ થાય છે.

સેઇલિંગ અને કર્રા સામુ પ્રદર્શન રમતો તરીકે સામેલ થશે.

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પ્રથમ વખત સ્પર્ધાત્મક રમત શાખા તરીકે સોફ્ટબોલનો સમાવેશ કરવામાં આવશે. સેઇલિંગ અને કર્રા સામુ પણ પ્રદર્શન રમતો તરીકે આ ગેમ્સમાં પદાર્પણ કરશે.

લોન્ચ ઇવેન્ટમાં તેલંગાણાના રમતગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી વાકિટી શ્રીહરિ, તેલંગાણાના સિંચાઈ અને CAD મંત્રી શ્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડી, રમતગમત બાબતોના સરકારી સલાહકાર અને તેલંગાણા ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખશ્રી એ.પી. જીતેન્દર રેડ્ડી, અને તેલંગાણા સરકારના મુખ્ય સચિવશ્રી સંજય જાજુ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ના ડિરેક્ટર જનરલ અને રમતગમત વિભાગના સચિવ શ્રી હરિ રંજન રાવ, કેન્દ્ર અને તેલંગાણા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ઉપસ્થિત રહ્યા હતા.

લોગો અને મેસ્કોટ:

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો લોગો આઠ મુખ્ય તત્વો દ્વારા તેલંગાણાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને રમતગમતની આકાંક્ષાઓને એકસાથે લાવે છે.

કેસરી અને લીલા રંગની દોડતી આકૃતિ દર્શાવતું ખેલો ઇન્ડિયા પ્રતીક રાષ્ટ્રીય કાર્યક્રમ, યુવા અને ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. બાપુ ઘાટ ખાતે પ્રસ્તાવિત ગાંધી સરોવરનો ભાગ, ગાંધી ટાવર શાંતિ, એકતા અને ભવિષ્ય માટે હૈદરાબાદના વિઝનનું પ્રતીક છે, જ્યારે કાકતીય કલા તોરણમ રાજ્યના સમૃદ્ધ વારસા અને સ્વાગતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

હુસૈન સાગર ખાતેની બુદ્ધ પ્રતિમા સંવાદિતા, શિસ્ત અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તંગેડુ ફૂલ તેલંગાણાની સાંસ્કૃતિક ઓળખ અને બથુકમ્માની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સાત રમતગમતની આકૃતિઓ (સિલુએટ્સ) હેરિટેજ સ્કાયલાઇનની સાથે સ્પોર્ટિંગ સ્કાયલાઇન બનાવે છે, જ્યારે ફરતી વાદળી, લીલી અને પીળી રિબન ગતિ, ઊર્જા અને સર્વસમાવેશકતાનું પ્રતીક છે.

ટેગલાઇન, “ખેલ કા જુનૂન, તેલંગાણા કી જાન ઔર પહેચાન”, તેલંગાણાની ઓળખના અભિન્ન અંગ તરીકે રમતગમત પ્રત્યેના જુસ્સાને વ્યક્ત કરે છે.

મેસ્કોટ, “નીલમણિ”, ઊર્જા, ચપળતા અને દ્રઢ નિશ્ચયનું પ્રતિનિધિત્વ કરે છે, જે યુવા અને ખેલદિલીની ભાવનાને મૂર્તિમંત કરે છે. તે સાંસ્કૃતિક મૂળ પ્રત્યે ગૌરવ અને વધુ મજબૂત, વધુ ફિટ અને વધુ એકજૂથ ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

તેની કલગી ઊર્જા અને આગળ વધવાની ગતિનું પ્રતીક છે, જ્યારે તેની આંખો એકાગ્રતા, બુદ્ધિમત્તા અને ઉત્સાહનું પ્રતિનિધિત્વ કરે છે. ચાંચ દ્રઢ નિશ્ચય અને નેતૃત્વનો સંકેત આપે છે, અને તેના વાદળી અને પીરોજી પીંછા જીવંતતા, સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે.

નીલમણિ ચાર નિર્ણાયક ગુણોને મૂર્તિમંત કરે છે: જીવંત, સાહસિક, ચપળ અને ગૌરવ, જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના મૂલ્યો અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2336549) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English