યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વડોદરામાં SAI ગાંધીનગર દ્વારા સ્પોર્ટ્સ ડે અને રમતગમત સ્પર્ધાઓનું આયોજન


લગભગ 260 વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક અને નશામુક્ત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો.

પોસ્ટેડ ઓન: 14 NOV 2026 3:13PM by PIB Ahmedabad

ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા વડોદરાના બાજવા સ્થિત શ્રી મહિરેવા આદર્શ વિદ્યાલય ખાતે ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત સ્પોર્ટ્સ ડે અને વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં નશામુક્ત જીવનશૈલી અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 260 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠાકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના ટ્રસ્ટી શ્રી ભરતકુમાર એચ. ઠાકર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શ્રીમતી ઠાકરે વિદ્યાર્થીઓને રમતગમતમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI) અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા યુવાનોમાં ફિટનેસ અને રમતગમતની ભાગીદારી વધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમની શરૂઆત યોગ અને ધ્યાન સત્રથી કરવામાં આવી હતી, જેમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ વોલીબોલ, કબડ્ડી, બેડમિન્ટન, 100 મીટર અને 200 મીટરની દોડ, રસ્સાખેંચ, ચેસ અને કેરમ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તમામ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમતગમત પ્રતિભા, ટીમવર્ક અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કર્યું હતું.

વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને શાળાના ટ્રસ્ટી શ્રી ભરતકુમાર એચ. ઠાકર દ્વારા પુરસ્કારો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવાની સાથે તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિવિધ સ્પર્ધાઓનાં પરિણામો

એથ્લેટિક્સ – 100 મીટર દોડ

બાળિકાઓ:

* પ્રથમ સ્થાન: પ્રાર્થના બારિયા
* દ્વિતીય સ્થાન: કીર્તિ ચૌહાણ
* તૃતીય સ્થાન: અમિતા પરમાર

બાળકો:

* પ્રથમ સ્થાન: અમિત પરમાર
* દ્વિતીય સ્થાન: ચિરાગ ચાવડા
* તૃતીય સ્થાન: પ્રજ્યોત સૈની

એથ્લેટિક્સ – 200 મીટર દોડ

બાળિકાઓ:

* પ્રથમ સ્થાન: અમિતા પરમાર
* દ્વિતીય સ્થાન: પ્રાર્થના બારિયા
* તૃતીય સ્થાન: સીમા ગોહિલ

બાળકો:

* પ્રથમ સ્થાન: અમિત પરમાર
* દ્વિતીય સ્થાન: નિખિલ તડવી
* તૃતીય સ્થાન: નૈતિક કુમાર

ટીમ સ્પર્ધાઓ:

* કબડ્ડી (બાળકો): પ્રથમ – વકલ વિદ્યાલય; દ્વિતીય – મહિરેવા
* વોલીબોલ: પ્રથમ – વકલ વિદ્યાલય; દ્વિતીય – મહિરેવા
* રસ્સાખેંચ (બાળકો): પ્રથમ – વકન વિદ્યાલય; દ્વિતીય – મહિરેવા
* રસ્સાખેંચ (બાળિકાઓ): પ્રથમ – વકન વિદ્યાલય; દ્વિતીય – મહિરેવા

કાર્યક્રમમાં શ્રી ચંદ્રકાંત બક્ષી, એકાઉન્ટ્સ ઓફિસર, MY Bharat તથા બંને સહભાગી શાળાઓના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિ અને સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ પહેલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને સ્વસ્થ તથા સશક્ત ભારતના નિર્માણ માટેની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત અને કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા આગળ વધારવામાં આવતી ફિટનેસની પહેલો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવાનોને રમતગમતમાં ભાગ લેવા, ફિટનેસ અપનાવવા અને સક્રિય, શિસ્તબદ્ધ તથા નશામુક્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરીને આવી પહેલો રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે છે.

આ કાર્યક્રમ દ્વારા SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર અને MY Bharatએ પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા, ફિટનેસ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને જોડવા તથા સ્વસ્થ અને નશામુક્ત જીવનશૈલીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2336196) મુલાકાતી સંખ્યા : 61
આ રીલીઝ વાંચો: English