પોસ્ટેડ ઓન:
11 NOV 2026 3:54PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે મુખ્ય અતિથિ તરીકે વી.ઓ. ચિદમ્બરમ કોલેજ, તૂથુકુડીના પ્લેટિનમ જુબિલી સમારોહ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન એલ્યુમનાઈ મીટ માં હાજરી આપી હતી. આ કોલેજ તેમની શૈક્ષણિક માતૃસંસ્થા છે, જ્યાં તેમણે 1975 થી 1978 દરમિયાન અભ્યાસ કર્યો હતો.
તેમણે કોલેજ કેમ્પસમાં સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમ પિલાઇની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્મારક કમાન (કોમેમોરેટિવ આર્ચ) નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે તેમના ભૂતપૂર્વ વર્ગખંડની પણ મુલાકાત લીધી હતી અને 1975-78 બેચના તેમના વર્ગમિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં તેમણે પોતાના કોલેજના દિવસોને પ્રેમપૂર્વક યાદ કર્યા હતા.
જનમેદનીને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ યાદ કર્યું કે કેવી રીતે કોલેજ, તેના શિક્ષકો અને ત્યાં તેઓ જે વ્યક્તિત્વોને મળ્યા તેમણે તેમના દ્રષ્ટિકોણને ઘડ્યો અને તેમને મોટી જવાબદારીઓ માટે તૈયાર કર્યા. તેમણે પોતાના શિક્ષકોના પાઠ, કેમ્પસ જીવન અને વિદ્યાર્થી કાળ દરમિયાન તેમણે અપનાવેલા મૂલ્યોને પ્રેમપૂર્વક યાદ કર્યા હતા.
કટોકટીને યાદ કરતા, તેમણે કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેની સામેના આંદોલનમાં પોતાની ભાગીદારી વિશે વાત કરી હતી. તેમણે એ સમયગાળા દરમિયાન જેલમાં બંધ કરાયેલા લોકોના પરિવારોને સહયોગ આપવા માટે ભંડોળ એકત્ર કરવાનું પણ સ્મરણ કર્યું હતું.
વી.ઓ. ચિદમ્બરમ પિલાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, તેમણે સ્વાતંત્ર્ય સેનાનીના અપ્રતિમ બલિદાનો, કામદારોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના ચિરસ્થાયી યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.
રાષ્ટ્રીય એકતા પર ભાર મૂકતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે એકીકૃત રાષ્ટ્ર તરીકે ભારતની તાકાત તમિલ સંસ્કૃતિ સહિત તેના વિવિધ સમુદાયોની ભાષા, સંસ્કૃતિ અને ઓળખનું રક્ષણ કરે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષા પર ગર્વ લેતી વખતે રાષ્ટ્રીય ચેતનાને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે તેમને બહુવિધ ભાષાઓ શીખવા અને તમિલને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતાં, તેમણે દેશભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો અને સમાજના તમામ વર્ગો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવા માટે નવી ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન અને ઉભરતા વિષયોને અપનાવીને કોલેજને તેના વારસાને જાળવી રાખવા આહ્વાન કર્યું હતું.
તેમણે યુવાનોને આત્મ-શિસ્ત વિકસાવવા, ડ્રગ્સ અને અન્ય હાનિકારક ટેવોથી દૂર રહેવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવા આગ્રહ કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ તેમની માતૃસંસ્થાનો વિકાસ જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે પ્લેટિનમ જુબિલી એ મોટી સિદ્ધિઓ તરફ નવી શરૂઆત હોવી જોઈએ.
તમિલનાડુના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કોલેજના સચિવ શ્રી એ.પી.સી.વી. ચોકલિંગમ, પ્રિન્સિપાલ ડો. સી. વીરબાહૂ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી એ.વી. મુરુગેશન, કોલેજના વહીવટકર્તાઓ, ફેકલ્ટી સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/JD