પોસ્ટેડ ઓન:
09 NOV 2026 6:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ ખાતે આશરે ₹1,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે આશરે ₹1,400 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આમાંથી, આશરે ₹1,024 કરોડના કાર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આશરે ₹400 કરોડના પ્રોજેક્ટ્સ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકાર દ્વારા પૂર્ણ અથવા શરૂ કરવામાં આવ્યા છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2007માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને કાયમી મકાનો પૂરા પાડવા માટેની યોજના શરૂ કરી હતી, જેને હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે રામાપીર ના ટેકરાના રહેવાસીઓને હવે સુંદર ખાનગી ફ્લેટ્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એકવાર સમગ્ર પ્રોજેક્ટ અમલમાં મુકાઈ ગયા પછી, 55,000 થી વધુ લોકોને એક જ સંકુલમાં સામાજિક સુરક્ષા, મનોરંજન, શૈક્ષણિક અને આરોગ્યસંભાળ સુવિધાઓ મળશે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના લગભગ એક લાખ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો પૂરા પાડીને તેમનું પુનર્વસન કરવા માટેની યોજના શરૂ કરી હતી, અને મુખ્યમંત્રી તથા ગુજરાત સરકાર આ પહેલને સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 1947 થી 1995 સુધી દેશ અને ગુજરાત પર શાસન કરનાર વિપક્ષી પાર્ટીએ રામાપીર ના ટેકરા જેવા વિસ્તારો પર ક્યારેય ધ્યાન આપ્યું ન હતું. તેમણે કહ્યું કે ગરીબો લાંબા સમય સુધી વિપક્ષી પાર્ટીને મત આપતા રહ્યા, પરંતુ તેમના મકાનો ક્યારેય ન બન્યા. તેમણે કહ્યું કે પરિવર્તનની પ્રક્રિયા 1995 માં પ્રથમ કાઉન્સિલરની ચૂંટણી સાથે શરૂ થઈ હતી, અને 2012 માં, તેઓ પોતે આ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
શ્રી અમિત શાહે રામાપીરના ટેકરાના રહેવાસીઓને તેમના બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. આજે બે પ્રાથમિક શાળાઓના ઉદ્ઘાટનનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓને સ્માર્ટ શાળાઓમાં ફેરવી દીધી છે. તેમણે ઉમેર્યું કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની પ્રાથમિક શિક્ષણ સમિતિઓએ પણ શાળાઓને સ્માર્ટ શાળાઓમાં રૂપાંતરિત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલને સુગમ બનાવવા માટે પંપ હાઉસના નિર્માણનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી આ વિસ્તાર સાથે જોડાયેલા છે અને તેમણે વચન આપ્યું હતું કે 2029 પહેલાં એક એવી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે જેથી આ વિસ્તારમાં ક્યારેય પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. શ્રી શાહે જણાવ્યું હતું કે ચાર કિલોમીટર લાંબા ઇસ્કોન ઓવરબ્રિજનું કામ પણ આજે શરૂ થયું છે. તેમણે કહ્યું કે અગાઉ સરખેજથી ગાંધીનગર મુસાફરી કરવામાં અઢી કલાક લાગતા હતા. જો કે, ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, લોકો સિગ્નલ-ફ્રી ઓવરબ્રિજ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં આ અંતર કાપી શકશે. તેમણે ઉમેર્યું કે વિશ્વના ખૂબ જ ઓછા શહેરોમાં આવી આધુનિક માળખાકીય સુવિધાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જલાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સ સહિત, છેલ્લા સાત વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ₹25,000 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ થયા છે. તેમણે "હરિયાળું ગાંધીનગર અને વિકસિત ગાંધીનગર" લોકસભા મતવિસ્તારના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
શ્રી અમિત શાહે ગયા શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાતના ગૃહ વિભાગ વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકનો સંદર્ભ આપ્યો હતો, જે દરમિયાન નવીન ન્યાય સંહિતાઓના અમલીકરણ, ગૃહ વિભાગનું આધુનિકીકરણ અને ગુજરાતને નશામુક્ત કરવા અંગે ચર્ચાઓ થઈ હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને 1033 હેલ્પલાઇન નંબર વિશે માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું કે 1033 દ્વારા ડ્રગ્સના વેચાણ અથવા સેવન અંગેની માહિતી આપનાર કોઈ પણ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ મંત્રીએ ડ્રગ્સના દૂષણને એવી બાબત ગણાવી હતી જે યુવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે તેમની એકાગ્રતાને નષ્ટ કરે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે નક્સલમુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી, મોદી સરકારે હવે 31 ડિસેમ્બર, 2029 સુધીમાં 'નશામુક્ત ભારત' બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે 31 ડિસેમ્બર, 2028 પહેલાં 'નશામુક્ત ગુજરાત' બનાવવાની જવાબદારી લેવા માટે સૌને અપીલ કરી હતી. શ્રી શાહે શિક્ષકોને વર્ગખંડમાં બાળકના વર્તનમાં ફેરફાર જુએ ત્યારે પરીક્ષણની ગોઠવણ કરવા અને વાલીઓને મળવા વિનંતી કરી હતી. તેમણે વાલીઓ અને નાગરિકોને પણ તેમના પડોશમાં નશા સંબંધિત પ્રવૃત્તિઓ વિશેની કોઈપણ માહિતી આપીને તેમની જવાબદારી પૂર્ણ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશાની લત સામે ઝઝૂમી રહેલા યુવાનો માટે નશા મુક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નશાની લતની સારવાર મેળવવામાં કોઈ હિચકિચાટ કે શરમ હોવી જોઈએ નહીં. તેમણે આશ્વાસન આપ્યું હતું કે આવા યુવાનોની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત અને ભારતને નશામુક્ત બનાવવાની લડાઈ એકલી સરકાર લડી શકે નહીં. નાગરિકો, શિક્ષકો અને વાલીઓનો સહયોગ અનિવાર્ય છે. તેમણે કહ્યું કે 1 ડિસેમ્બરથી એક કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે, જેમાં ડ્રગ્સ સંબંધિત કોઈ પણ માહિતી મળ્યાના ત્રણ કલાકની અંદર કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટેની વ્યવસ્થા હશે. શ્રી શાહે કહ્યું કે આ હેતુ માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ડ્રગ્સના વેપારમાં સંકળાયેલા મુખ્ય સૂત્રધારો અને ઓપરેટરોને જેલમાં મોકલવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વતી ગેરંટી આપતાં તેમણે કહ્યું કે સરકાર ડ્રગ્સના વેપાર સામેની તેની લડાઈમાં એક પણ પગલું પાછું હટાવશે નહીં. કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્થાનિક રહવાસીઓને ગુજરાતને નશામુક્ત બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપવાના શપથ પણ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ દિવાળી અને આવતીકાલથી શરૂ થઈ રહેલા ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતના લોકોને પોતાની શુભકામનાઓ પણ પાઠવી હતી.
SM/NP/JD