યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

માય ભારતનો ‘યુવા સંવાદ: નો યોર વોટ’ અભિયાન 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 59,000થી વધુ યુવાનો સુધી પહોંચ્યું


અત્યાર સુધીમાં 311 યુવા સંવાદો યોજાયા; મંગળવારે 24 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 91 કાર્યક્રમો યોજાયા

પોસ્ટેડ ઓન: 03 NOV 2026 8:33PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (માય ભારત - MY Bharat) એ તેના દેશવ્યાપી ‘વિકસિત ભારત યુવા સંવાદ: નો યોર વોટ’ (આપના મતને જાણો) અભિયાનના ભાગરૂપે આજે 24 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 91 યુવા સંવાદોનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ચૂંટણી જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને લોકશાહીમાં યુવાનોની માહિતગાર અને જવાબદાર ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમોમાં મતદાનના અધિકારો, લોકશાહી મૂલ્યો અને નાગરિક જવાબદારીઓ પરની ચર્ચાઓ માટે 15,453 યુવાનો, 90 યુવા આઇકોન્સ અને જનપ્રતિનિધિઓ એકઠા થયા હતા.

આ કાર્યક્રમોમાં ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ; દક્ષિણમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને પુડુચેરી; ઉત્તર-પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, અસમ, મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરા; પૂર્વમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ; મધ્ય ભારતમાં છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ; તથા પશ્ચિમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આજના કાર્યક્રમો સાથે, અભિયાન 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 311 યુવા સંવાદો સુધી પહોંચ્યું છે, જેમાં 59,408 યુવાનો અને 310 યુવા આઇકોન્સ જોડાયા છે. આ પહેલ વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયાઓને સમજવાની, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધવાની અને નાગરિક તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓની વધુ સારી સમજ વિકસાવવાની તક પૂરી પાડે છે.

દિલ્હીમાં, નિવૃત્ત IPS અધિકારી ડૉ. સત્યપાલ સિંહે જીવનપર્યંત શિક્ષણના મહત્વ અને લોકશાહીને આકાર આપવામાં મતદાનના અધિકારોની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. હિમાચલ પ્રદેશના મંડીમાં, વિરોધ પક્ષના નેતા શ્રી જયરામ ઠાકુર અને ધારાસભ્ય શ્રી પૂરણ ચંદ ઠાકુરે વિદ્યાર્થીઓને વર્તમાન બાબતો વિશે માહિતગાર રહેવા, વિવેચનાત્મક રીતે વિચારવા અને અફવાઓ તથા ગેરમાર્ગે દોરતી માહિતીથી તથ્યોને અલગ પાડવા અનુરોધ કર્યો હતો. ધર્મશાલા ખાતે, કાંગડા અને ચંબાના સંસદસભ્ય ડૉ. રાજીવ ભારદ્વાજે એક ઇન્ટરેક્ટિવ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

ગુજરાતમાં, ભાવનગર, પાટણ અને સુરતમાં યોજાયેલા કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓને, મતદાનના અધિકારો અને ચૂંટણી પ્રક્રિયાઓ વિશે સ્પષ્ટતા મેળવવાની તક પૂરી પાડી હતી. રાજસ્થાનમાં, સ્થાનિક પ્રતિનિધિઓ અને યુવા આઇકોન્સે હનુમાનગઢ, પાલી અને સીકરમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. હનુમાનગઢ કાર્યક્રમમાં નિષ્પક્ષ અને સમાન મતદાન પરની ચર્ચાઓ, પ્રશ્નોત્તરી સત્ર અને લોકતાંત્રિક પ્રતિજ્ઞા પણ સામેલ હતી.

ઉત્તર પ્રદેશમાં, બલિયા કાર્યક્રમમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027 અને વિકસિત ભારત યંગ પ્રોફેસનલ્સ સહિતની માય ભારત પ્રવૃત્તિઓ અંગેના ઓરિએન્ટેશનને 'નો યોર વોટ' અને લોકતાંત્રિક પ્રતિજ્ઞા પરની ચર્ચા સાથે જોડવામાં આવ્યું હતું. બિહારમાં, કાર્યક્રમોમાં લોકશાહી ભાગીદારી પર પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ યોજાઈ હતી. ખગડિયા અને પૂર્ણિયામાં, જનપ્રતિનિધિઓએ યુવાનોને માહિતગાર મતદાતા બનવા અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે બેગુસરાય, પટના અને સહરસામાં સહભાગીઓએ જવાબદાર નાગરિકત્વ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા 'લોકતાંત્રિક શપથ' લીધા હતા.

છત્તીસગઢમાં, દંતેવાડા અને જશપુરમાં યોજાયેલા કાર્યક્રમોમાં લોકશાહી અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. દંતેવાડામાં, ધારાસભ્ય શ્રી ચૈત્રામ અટામીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે યુવા આઇકોન સુશ્રી નંદની દીક્ષિતે મતદાનના અધિકારો અને જવાબદાર નાગરિકત્વ પર પ્રસ્તુતિકરણ આપ્યું હતું. જશપુરમાં, ધારાસભ્ય શ્રીમતી રાયમુની ભગતે યુવાનોને વિકસિત ભારત નિર્માણમાં યોગદાન આપવા, સ્વતંત્ર નિર્ણય શક્તિનો ઉપયોગ કરવા અને ફેક ન્યૂઝ તથા ગેરમાર્ગે દોરતી માહિતી પ્રત્યે જાગૃત રહેવા વિનંતી કરી હતી.

મધ્ય પ્રદેશના અશોકનગર, દેવાસ, ધાર, ઇન્દોર, રાજગઢ, સતના, શહડોલ, ટીકમગઢ અને ઉમરિયા જિલ્લાઓમાં યુવા સંવાદો યોજાયા હતા. દેવાસમાં, યુવા આઇકોન મુસ્કાન ખરેએ વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે રમતગમતમાં તેમની સિદ્ધિઓ બદલ એથ્લેટ્સ માહી વર્મા અને અદનાન મોહમ્મદ બાદશાહનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજગઢમાં, સંસદસભ્ય શ્રી રોડમલ સિંહ નાગરે સહભાગીઓ સાથે સંવાદ સાધ્યો હતો, જ્યારે ધારાસભ્ય શ્રીમતી નીના વિક્રમ વર્માએ ધારમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કર્ણાટકમાં, રાજ્યના વિધાન પરિષદના સભ્ય (MLC) શ્રી સી.ટી. રવિએ બેંગલોર ગ્રામીણના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. સહભાગીઓએ લોકતાંત્રિક પ્રતિજ્ઞા લીધી હતી અને માય ભારત પોર્ટલ પર નોંધણી કરાવી હતી. કોલારમાં, કાર્યક્રમમાં માય ભારત અંગેનું ઓરિએન્ટેશન, યુવા આઇકોન દ્વારા પ્રસ્તુતિકરણ અને પ્રતિજ્ઞા ગ્રહણ સમારોહનો સમાવેશ થતો હતો.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2332294) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , Odia