પોસ્ટેડ ઓન:
02 NOV 2026 6:58PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહ્લાદ જોશીજી, શ્રીપદ નાઈકજી, દેશ-વિદેશથી આવેલા તમામ ઇન્ડસ્ટ્રી લીડર્સ, ઇન્વેસ્ટર્સ, સ્ટાર્ટઅપ જગતના સાથીઓ, તમામ વરિષ્ઠ અધિકારીગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
'ભારત રિન્યુએબલ એનર્જી સમિટ'માં આપ સૌ સાથીઓનું હું અભિનંદન કરું છું, સ્વાગત કરું છું. આ વખતની આ સમિટ વિશેષ છે, કારણ કે તે વિશેષ પરિસ્થિતિઓમાં થઈ રહી છે. આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે આ વર્ષે એનર્જી શૉકની જ ચર્ચા રહી છે. રિન્યુએબલ એનર્જીનું આપણી જિંદગીમાં, આપણી વિકાસ યાત્રામાં શું મહત્વ છે, તે આ વર્ષે વધુ સ્પષ્ટ કર્યું છે. આ પણ એક સુખદ સંયોગ છે કે આ સમિટમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની 9મી એસેમ્બલી પણ થઈ રહી છે. ગ્રીન હાઇડ્રોજન પર ચોથી કૉન્ફરન્સના ડેલિગેટ્સ પણ અહીં હાજર છે. એટલે કે આ વર્ષના આયોજનનો વ્યાપ ખૂબ મોટો છે. હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું.
મિત્રો,
પહેલાના કેટલાક વર્ષોથી વૈશ્વિક અર્થવ્યવસ્થાએ અભૂતપૂર્વ સંકટો જોયા છે. કોરોનાની મહામારીથી લઈને પશ્ચિમ એશિયાની કટોકટી સુધી દુનિયાએ અનેક મોટા સંકટોનો સામનો કર્યો છે અને પશ્ચિમ એશિયાનું સંકટ તો હજુ પણ ચાલુ છે. પરંતુ 140 કરોડ ભારતીયોને આ વાત પર ગર્વ છે કે અમે અત્યાર સુધી આ સંકટને વધુ સારી રીતે સંભાળ્યું છે, અને આ સંકટ છતાં પણ ભારતની વૃદ્ધિ ઊંચી રહી છે. જો ભારતે સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) પર રોકાણ ન કર્યું હોત, છેલ્લા એક દાયકામાં આ માટે નવી વ્યવસ્થાઓ ન બનાવી હોત, તો આપણું સંકટ બાકીની દુનિયા કરતાં ઘણું વધારે ગંભીર હોઈ શકત.
સાથીઓ,
આ વૈશ્વિક કટોકટીએ દરેક દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઊર્જા સુરક્ષા સીધી રીતે આર્થિક સુરક્ષા સાથે જોડાયેલી છે. અને આપણે બધા જાણીએ છીએ, ઊર્જા સુરક્ષાનું ભવિષ્ય સ્વચ્છ ઊર્જામાં છે. જો આપણે આગળ પણ અશ્મિભૂત બળતણ પર ખૂબ વધારે નિર્ભર રહીશું, તો વૈશ્વિક અર્થવ્યવસ્થા વારંવાર અવરોધાતી રહેશે. કારણ કે અશ્મિભૂત બળતણના ભંડારો મર્યાદિત છે, કેટલાક જ પ્રદેશોમાં છે, પરંતુ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા અસીમિત છે, અને દરેક પ્રદેશ, દરેક દેશ તેનો લાભ લઈ શકે છે.
સાથીઓ,
આ ક્ષેત્રમાં, વીતેલા 12 વર્ષોમાં ભારતની યાત્રા Promises, Passion અને Performanceની રહી છે. તેનો પુરાવો કૉપ-26 (COP-26) સાથે જોડાયેલી આપણી પ્રતિબદ્ધતા છે. વર્ષ 2021ની સમિટમાં ભારતે એક સંકલ્પ લીધો હતો, સંકલ્પ એ હતો કે આપણે 2030 સુધીમાં 500 ગીગાવૉટ બિન-અશ્મિભૂત ક્ષમતા હાંસલ કરીશું. આપણે કહ્યું હતું - અમે તે કરીશું! પેરિસ સંકલ્પમાં પણ ભારતે તેની અડધી સ્થાપિત વીજળી ક્ષમતા (ઇન્સ્ટોલ્ડ પાવર કેપેસિટી), બિન-અશ્મિભૂત સ્રોતોમાંથી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, અને ભારતે આ લક્ષ્યાંક 2025 માં જ હાંસલ કરીને બતાવી દીધો. એટલે કે નિર્ધારિત સમયથી પાંચ વર્ષ અગાઉ આપણે આ સિદ્ધ કર્યું છે. આજે આપણી 50 ટકાથી વધુ સ્થાપિત વીજળી ક્ષમતા બિન-અશ્મિભૂત સ્રોતો પર આધારિત છે. ભારત 500 ગીગાવૉટના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પણ મજબૂતીથી જોતરાયેલું છે. લગભગ 300 ગીગાવૉટ આપણે સિદ્ધ કરી લીધું છે. અને સોલાર તથા રિન્યુએબલ એનર્જીના મામલામાં ભારત આજે શીર્ષ ત્રણ દેશોમાંનો એક છે. હવે આગામી 10-11 વર્ષોમાં આપણો પ્રયાસ 500 ગીગાવૉટ નવી બિન-અશ્મિભૂત ક્ષમતા ઉમેરવાનો છે. આ લક્ષ્યાંક થોડો કઠિન છે, પરંતુ મને આપણા દેશના સામર્થ્ય પર વિશ્વાસ છે. અને એટલા માટે હું કહું છું - અમે તે કરીશું!
મિત્રો,
ભારતના ઇનોવેશન્સ, ભારતના અનુભવો, આપણે ઈચ્છીએ છીએ કે તેનો લાભ સમગ્ર માનવજાતને મળે, ગ્રીન એનર્જીને લઈને પણ આપણી ભાવના આ જ છે. આ ક્ષેત્રમાં ભારતની જે સફળતાઓ છે, તે દુનિયાના અનેક દેશોને કામ આવશે. હું ઉદાહરણો સાથે મારી વાત રજૂ કરીશ.
સાથીઓ,
આપણે ફેબ્રુઆરી 2024 માં પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના શરૂ કરી. આના અંતર્ગત, એક કરોડ ઘરોમાં રૂફટૉપ સોલાર પૅનલ્સ લગાવવાનો લક્ષ્યાંક છે. વીતેલા 24-25 મહિનામાં જ 65 લાખથી વધુ ઘર આ અભિયાન સાથે જોડાઈ ચૂક્યા છે. અને હજુ આપણા મંત્રી પ્રહ્લાદ જોશીજીએ જણાવ્યું, દર 6 દિવસે એક લાખ નવા ઘર આ સોલાર મૂવમેન્ટનો હિસ્સો બની રહ્યા છે. તેની અસર વીજળીના બિલ પર પણ દેખાઈ રહી છે. એક અભ્યાસ જણાવે છે કે આ 65 લાખ ઘરોનાં વીજળી બિલ લગભગ 76 ટકા સુધી ઘટી ગયાં છે. લાખો પરિવારો એવા પણ છે, જેમનાં વીજળી બિલ શૂન્ય થઈ ગયાં છે. ઘણા પરિવારો એવા છે, જેમની પાસે વીજળી બચે પણ છે, અને તેઓ તેને ગ્રીડમાં વેચીને પૈસા પણ કમાઈ લે છે. ભારતની આ યોજના ઘણા દેશોમાં, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશોમાં, ઊર્જા સુરક્ષાને ખૂબ બળ આપી શકે છે.
મિત્રો,
ભારત સોલાર પાવરને પોતાના નાગરિકોના જીવનનો હિસ્સો બનાવી રહ્યું છે. વીતેલા 12 વર્ષોમાં આપણે ઉદ્યોગો અને ખેતરોને પણ સોલાર પાવર સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં 44 હજારથી વધુ સરકારી ઇમારતો, સોલાર એનર્જી સાથે જોડાઈ ચૂકી છે. આનાથી દર વર્ષે લગભગ 700 કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. ભારતના ખેડૂતોને કુસુમ યોજનાનો પણ ખૂબ લાભ મળી રહ્યો છે. આનાથી 30 લાખથી વધુ ખેડૂતો માટે સોલાર પાવરથી સિંચાઈની વ્યવસ્થા થઈ છે. અને એક અંદાજ છે કે આનાથી સોલાર પંપનો લાભ લેનાર પ્રત્યેક ખેડૂતને દર વર્ષે લગભગ એક લાખ રૂપિયાની બચત થઈ રહી છે. હું તમને પીએમ સૂર્ય સરોવર યોજનાનું ઉદાહરણ પણ આપીશ. તેનો કન્સેપ્ટ સરોવર, તળાવ અને જળાશયો ઉપર સોલાર પૅનલ લગાવીને વીજળી પેદા કરવાનો છે. આનાથી જળાશયોનો વધુ સારો ઉપયોગ થઈ રહ્યો છે. આવા પ્રોજેક્ટ્સથી જમીનો પર થતો ખર્ચ પણ ઘટી રહ્યો છે.
મિત્રો,
આપણી સ્વચ્છ ઊર્જાનું આ ઇકોસિસ્ટમ, માત્ર હાઇડ્રો, સોલાર, વિન્ડ અને ન્યુક્લિયર સુધી સીમિત નથી. ભારત, ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવા માટે મિશન મોડ પર આગળ વધી રહ્યું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત, આ દાયકાના અંત સુધીમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. આપણે આપણા ટ્રાન્સપોર્ટ સેક્ટરને પણ ગ્રીન હાઇડ્રોજન સાથે જોડી રહ્યા છીએ. થોડા મહિના પહેલા જ ભારતે પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી છે.
સાથીઓ,
આપ સૌ નિષ્ણાતો જાણો છો, માત્ર વીજળી પેદા કરવી પૂરતી નથી, તેને કાર્યક્ષમ રીતે વિતરિત કરવી, જ્યાં જરૂર છે, ત્યાં પહોંચાડવી પણ આવશ્યક છે. આપણા અહીં સોલાર અને વિન્ડ એનર્જી, દેશના કેટલાક ભાગોમાં વધારે પેદા થાય છે. જ્યાં વીજળીનું ઉત્પાદન એટલું નથી થઈ શકતું, દેશના તે ભાગને પણ તેનો લાભ મળે, ત્યાં પણ ઘર, ખેત અને ઉદ્યોગ આનાથી ચાલે, તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. અને એટલા માટે, ગ્રીન એનર્જી કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે. આ કોરિડોર અંતર્ગત વિશેષ ટ્રાન્સમિશન લાઇન અને સબ-સ્ટેશનોનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આનાથી ઉત્પાદનની જગ્યાએથી સોલાર અને વિન્ડ પાવરને માંગવાળી જગ્યા સુધી પહોંચાડવું આસાન થઈ રહ્યું છે. અને આમાં, વન નેશન વન પાવર ગ્રીડનું યોગદાન ખૂબ મોટું છે. વીતેલા વર્ષોમાં આપણે 5 પ્રાદેશિક ગ્રીડ્સને એક ઇન્ટિગ્રેટેડ નેટવર્કમાં જોડ્યા છે. હવે આખો દેશ એક જ ફ્રિક્વન્સી વાળા પાવર ગ્રીડ સાથે જોડાયેલો છે. ગ્રીન એનર્જી કોરિડોરની આ વ્યવસ્થાને સશક્ત કરવા માટે હવે આપણે આગલા ચરણ તરફ પણ કદમ વધારી ચૂક્યા છે. હાલમાં જ ભારતે આ માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
મિત્રો,
ગ્રીન એનર્જીમાં આપણી સફળતા પાછળનું એક મોટું કારણ, આપણી વધતી ઉત્પાદન ક્ષમતા પણ છે. કેટલાક વર્ષો પહેલાં સુધી આપણે સોલાર એનર્જી સાથે જોડાયેલી નાની-નાની ચીજો માટે પણ પૂરી રીતે આયાત પર નિર્ભર હતા. એક દાયકા પહેલાં આપણી સોલાર મૉડ્યુલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી માત્ર 2 ગીગાવૉટની આસપાસ હતી. આજે આ 200 ગીગાવૉટથી વધુ થઈ ચૂકી છે. સોલાર સેલ્સની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી પણ લગભગ ચાલીસ ગીગાવૉટ સુધી પહોંચી ગઈ છે. હવે આપણે અન્ય ઘટકો (કમ્પોનન્ટ્સ)ના ઉત્પાદનનો પણ વિસ્તાર કરી રહ્યા છીએ. એટલે કે, ભારતની ગ્રીન એનર્જી સાથે જોડાયેલી મહત્વાકાંક્ષાઓ, આપણા આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા, મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતાનો પણ પુરાવો છે.
મિત્રો,
ભારત ખૂબ ઓછા સમયમાં, ઘણું બધું હાંસલ કરવામાં જોતરાયેલું છે. આપણે અહીં જ અટકવાનું નથી, આપણે દરેક સરકારી ઇમારત, દરેક સ્કૂલ-કૉલેજ, હૉસ્પિટલ, સ્ટ્રીટ લાઈટ્સની આખી સિસ્ટમને સોલાર એનર્જી સાથે જોડવાની છે, ઝડપી ગતિથી આ કામ કરવાનું છે. હું સૂચન કરીશ કે આ માટે રાજ્યો વચ્ચે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા થવી જોઈએ, જેથી સારું કામ કરનારાઓને પ્રોત્સાહન મળી શકે અને એક જગ્યાની સફળતાની ગાથા (સક્સેસ સ્ટોરી) પરથી બીજા શીખી શકે.
સાથીઓ,
મારું એક સૂચન કૃષિમાં સોલાર પાવર સાથે પણ જોડાયેલું છે. આપણે લાખો સોલાર પંપ વિતરિત કર્યા છે, પરંતુ આપણે સોલાર પંપથી આગળ વધવાનું છે. અને મારું વિઝન છે- અન્નદાતા, ઊર્જાદાતા બને. ખાલી જમીન પર ખેડૂતો સોલાર પૅનલ લગાવે, ખેતરોના છેડાની મેઢ પણ ખાલી ન છૂટે, ત્યાં પણ સોલાર પૅનલ લાગે. આપણે આ વધારેમાં વધારે ગામડાઓમાં સુનિશ્ચિત કરવું પડશે.
સાથીઓ,
સૌર ક્રાંતિનો આ નવો દોર, માત્ર અપનાવવાનો (ઍડૉપ્શન) નથી, આ ઇનોવેશન પર પણ નિર્ભર છે. એટલા માટે, હું આપણા સ્ટાર્ટઅપ્સને, આઈઆઈટી (IITs), ઇનોવેટર્સ અને એન્ટ્રપ્રેન્યોર્સને વિશેષ આગ્રહ કરીશ, કે તમે આગળ આવો, તમે એવા મૉડલ બનાવો, જ્યાં એક પરિવારની વધારેમાં વધારે જરૂરિયાતો સોલાર પાવરથી પૂરી થાય. જેનાથી સોલાર પાવર 24 કલાક ઉપલબ્ધ રહે, દરેક મોસમમાં ઉપલબ્ધ રહે. આપણે તે સ્થિતિ તરફ આગળ વધવાનું છે, જ્યાં એક પરિવાર પોતાની જ છત પર લાગેલા સોલાર પ્લાન્ટની વીજળીથી રસોઈ બનાવી શકે, ક્લીન કૂકિંગ મૂવમેન્ટ ચલાવવાની છે. આયાત કરેલી ગેસ પર તેની નિર્ભરતા ઓછામાં ઓછી હોય. આપણે તે સ્થિતિ લાવવાની છે, જ્યારે દેશના વધારેમાં વધારે મધ્યમ વર્ગના પરિવારો પાસે ઇલેક્ટ્રિક વાહનનો વિકલ્પ હોય અને તેઓ પોતાની સ્કૂટી, પોતાની બાઇક, પોતાની ગાડી, ઘરમાં જ સોલાર પાવરથી બનેલી વીજળીથી ચાર્જ કરી શકે. આનાથી દેશના મધ્યમ વર્ગના પરિવારોને દર વર્ષે હજારો રૂપિયાની બચત થઈ શકે છે.
સાથીઓ,
આપણે એવા ઉત્પાદનો (પ્રોડક્ટ્સ) પણ જોઈએ છીએ, જે ડેરી સેક્ટરમાં સોલાર પાવરને પ્રોત્સાહન આપે. પશુઓના ચારા, પાક લણણી અને લણણી પછીના કામો (પૉસ્ટ-હાર્વેસ્ટ) થી, આવા દરેક કામ માટે સોલાર ઇક્વિપમેન્ટ વિકસિત થાય.
સાથીઓ,
આ બધું, આગામી પીઢીના ઇનોવેશન વિના શક્ય નહીં બને. આના માટે દેશને આવશ્યક હાર્ડવેર જોઈએ, આપણને સ્ટોરેજનો સ્વદેશી ઉકેલ જોઈએ. આપણે બેટરી સ્ટોરેજની નવી ક્ષમતા તૈયાર કરવાની છે. આ ખૂબ મોટો અવસર આપ સૌની પાસે છે, દેશના યુવાન સામે છે. હું રિસર્ચની દુનિયાના તમામ સાથીઓથી આગ્રહ કરીશ, ઇન્વેસ્ટર્સથી આગ્રહ કરીશ કે આ અવસરને તમે જવા ન દેશો. તમે ભારતમાં જે ઉકેલ તૈયાર કરશો, તે દુનિયાના અનેક દેશોના કામ આવશે.
સાથીઓ,
ભારત દુનિયાના સૌથી યુવા દેશોમાંનો એક છે અને ક્લીન એનર્જીમાં ભારતનો પ્રત્યેક પ્રયાસ મોટી સંખ્યામાં, રોજગારીની નવી-નવી તકો પણ બનાવી રહ્યો છે. આજે પણ, હજારો-હજારો સાથીઓને આમાં રોજગારી મળી રહી છે, ગ્રીન જૉબ માટે ખૂબ મોટો અવકાશ બની રહ્યો છે. આ રોજગારી પૅનલ અને અન્ય હાર્ડવેરના ઉત્પાદનથી લઈને, ઇન્સ્ટોલેશન, સર્વિસિંગ અને ટ્રાન્સપોર્ટેશન સુધી, અલગ-અલગ ક્ષેત્રોમાં બની રહી છે. ભવિષ્યમાં પણ જ્યારે સોલાર પાવર ક્ષમતા વધુ વધશે, ત્યારે તમે કલ્પના કરો, આનાથી કેટલી બધી જૉબ્સ ક્રિએટ થશે. રસોડાના ચૂલાથી લઈને, વાહનવ્યવહારના સાધનો સુધી, બધું જ સોલાર પાવર ડ્રિવન હશે, ગ્રીન એનર્જી ડ્રિવન હશે, તો એક નવા ઉદ્યોગનું નિર્માણ થશે.
સાથીઓ,
આપ સૌ માટે, દુનિયાના દરેક ઇન્વેસ્ટર્સ માટે ભારત ખૂબ મોટા અવસરો લઈને આવી રહ્યું છે. ભારત જેવી માંગ, આ સ્કેલ, આ અવકાશ, તમને બીજે ક્યાંય મળવી મુશ્કેલ છે. ભારત જેવી રાજકીય અને નીતિગત સ્થિરતા (પોલીટિકલ એન્ડ પૉલિસી સ્ટેબિલિટી), આ પણ તમને અન્ય જગ્યાઓ પર ઓછી જ મળશે. આપણે આનું પરિણામ જોઈ પણ રહ્યા છીએ. વીતેલા એક દાયકામાં રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં 15 લાખ કરોડ રૂપિયાથી વધુ, એટલે કે 164 અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે. વર્ષ 2024 ની આરઈ-ઇન્વેસ્ટ (RE-INVEST) સમિટથી લઈને આજ સુધી, એટલે કે બે વર્ષોમાં જ લગભગ 6 લાખ કરોડ રૂપિયા, એટલે કે 63 અબજ ડૉલરથી વધુનું રોકાણ આવ્યું છે. અને અંદાજ એ છે કે આ દાયકાના અંત સુધીમાં આ સેક્ટરમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુ, એટલે કે લગભગ 220 અબજ ડૉલરની રોકાણની તકો બનવાની છે. એટલા માટે, આપ સૌ માટે ભારતના ક્લીન એનર્જી સેક્ટરમાં અવસરોનું નવું આકાશ ખુલવા જઈ રહ્યું છે.
મિત્રો,
ભારતે દુનિયાને 'વન અર્થ, વન ફૅમિલી, વન ફ્યુચર' નો સંદેશ આપ્યો છે. આ જ વિચાર આપણી ક્લીન એનર્જી યાત્રામાં પણ દેખાય છે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ પાછળની વિચારસરણી આ જ છે. આપણો પ્રયાસ છે કે રિન્યુએબલ એનર્જી માટે જરૂરી ફંડિંગ, ટેકનોલોજી અને કુશળતા (એક્સપર્ટાઇઝ), દરેક જરૂરિયાતમંદ દેશ સુધી પહોંચે. એટલા માટે, આફ્રિકા માટે 200 મિલિયન ડૉલરની 'આફ્રિકા સોલાર ફૅસિટી' નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
મિત્રો,
આવનારો દાયકા આપણા ક્લાઇમેટ ગૉલ્સ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અને મને વિશ્વાસ છે, આ સમિટમાં હાજર તમામ લોકો, આ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આપણે દરેક દેશને આ અભિયાન સાથે જોડવો પડશે. દરેક ક્ષેત્રને આ પરિવર્તનનો ભાગીદાર બનાવવો પડશે. તો જ આપણે ક્લીન ફ્યુચર, ગ્રીન ફ્યુચર અને સિક્યોર ફ્યુચરનું નિર્માણ કરી શકીશું. આ જ શબ્દો સાથે આપ સૌને ફરીથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
ધન્યવાદ.
SM/IJ/JD