પોસ્ટેડ ઓન:
31 OCT 2026 9:34PM by PIB Ahmedabad
હું કહીશ સરદાર પટેલ, આપ સૌ બોલો – અમર રહો, અમર રહો. સરદાર પટેલ - અમર રહો, અમર રહો. સરદાર પટેલ - અમર રહો, અમર રહો. સરદાર પટેલ - અમર રહો, અમર રહો.
મારા વ્હાલા દેશવાસીઓ,
આજનો આ કાર્યક્રમ કંઈક અલગ છે. અત્યાર સુધી આપણે એકતા દિવસ પર આ કાર્યક્રમ સવારે કરતા આવ્યા છીએ. આ વખતે થોડો ફેરફાર થયો છે. આપણે બધા સાંજે એકત્ર થયા છીએ. સવારે લાખો-લાખો દેશવાસીઓએ એકતાના સંકલ્પ સાથે એકતા દોડમાં ભાગ લીધો છે. આપણે રન ફોર યુનિટીમાં દેશવાસીઓનો ઉત્સાહ જોયો છે. મેં ગઈકાલે સાંજે ભારત પર્વ પવેલિયનમાં શાનદાર પ્રસ્તુતિ જોઈ. અને હવે આપણે આ રાષ્ટ્રીય પર્વ પર સરદાર પટેલના ચરણોમાં ઉપસ્થિત છીએ.
સાથીઓ,
દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', આ પ્રતિમાના નિર્માણમાં રહેલી પૂરા દેશની ભાગીદારી, આ જગ્યાની પોતાની અદભુત આભા અને એકતા દિવસની અસાધારણ ઊર્જા અને પ્રેરણા, અહીં આવીને મન ગર્વ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે. ગર્વ આ મહાન રાષ્ટ્રના નાગરિક હોવાનો અને કૃતજ્ઞતા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે, જેમણે આઝાદી પછી 550 થી વધુ રિયાસતોને એક કરી. લોખંડી ઈરાદાઓ સાથે આ રાષ્ટ્રને એકતાના સૂત્રમાં પરોવ્યું.
સાથીઓ,
કોઈપણ દેશ માટે સ્વતંત્રતા જરૂરી હોય છે. જ્યારે સ્વતંત્રતા હોય છે, ત્યારે દેશ પોતાના ભવિષ્યનો નિર્ણય સ્વયં કરે છે. પરંતુ સ્વતંત્રતાને સાચી દિશા મળે છે ગણતંત્રથી. ગણતંત્ર આપણને તે નિર્ણયોને બંધારણની મર્યાદામાં આગળ વધારવાનો માર્ગ બતાવે છે, બંધારણ આપણને જનતા પ્રત્યે જવાબદેહ રાખે છે, અને એકતા આપણને એક રાષ્ટ્રના રૂપમાં આગળ વધવાની શક્તિ આપે છે. એટલા માટે આપણા દેશમાં હવે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ અને એકતા દિવસ, ત્રણેય રાષ્ટ્રીય પર્વોને પૂરા ઉત્સાહથી મનાવવામાં આવે છે.
સાથીઓ,
અહીં એકતા નગરમાં આજે ફરી એકવાર આપણને ભારતના એકતાના વિરાટ દર્શન થયા છે. આ વર્ષની રાષ્ટ્રીય એકતા પરેડ પણ અદભુત રહી છે. આ પરેડ પોલીસ અને સુરક્ષાબળોના શૌર્ય અને સાહસને સમર્પિત છે. દેશની વિરાસત, દેશની આકાંક્ષાઓ, આજે આ બધું ઝાંખીઓના માધ્યમથી પણ દેશની સામે આવ્યું છે. એટલા માટે એકતા દિવસ હવે માત્ર આયોજનો સુધી સીમિત નથી. આ જન ભાગીદારીથી જન ગૌરવનો ઉત્સવ પણ બની ગયો છે. હું આ અવસર પર તમામ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસના અભિનંદન આપું છું. હું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાભાવ સાથે નમન કરું છું.
સાથીઓ,
સરદાર પટેલ ભારતના ઇતિહાસનું એવું મહાન વ્યક્તિત્વ છે, જેના વિના આજના ભારતની કલ્પના પણ મુશ્કેલ છે. સરદાર પટેલે ભારતના વર્તમાન સ્વરૂપને ઘડ્યું છે. વિભાજન પછી પણ જેમણે હિમાલયથી હિંદ મહાસાગર સુધી ભારતને સુરક્ષિત રાખ્યું, એ સરદાર પટેલ જ હતા.
સાથીઓ,
સરદાર પટેલ આ એટલા માટે કરી શક્યા, કારણ કે તે ભારતના ચરિત્ર અને ચેતનાથી પરિચિત હતા. તે જાણતા હતા કે ભારતની વિવિધતા તેની બાધા નથી, તે જાણતા હતા કે ભારતની વિવિધતા તો તેની એકતાનો વાસ્તવિક આધાર છે. આપણે હજારો વર્ષોથી આ જ રીતે જીવતા આવ્યા છીએ. આપણે આ જ તાકાતથી પ્રગતિ અને સમૃદ્ધિના શિખરોને સ્પર્શ્યા છે.
સાથીઓ,
સરદાર પટેલે ફરી એકવાર એ જ ભારતનો પાયો પ્રશસ્ત કર્યો. તેમણે દેશના ભૂગોળને જ એક ન કર્યું, તેમણે દેશને ભાવનાત્મક એકતાના સૂત્રમાં પણ પરોવ્યું. ગુજરાતમાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણના દ્વારા તેમણે રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરુત્થાનનો પણ શ્રીગણેશ કર્યો.
સાથીઓ,
આ વર્ષે એ મહાન કાર્યને પણ 75 વર્ષ પૂરા થયા છે. જે રીતે તમામ અત્યાચારીઓના ઇરાદાઓને ધ્વસ્ત કરતા, એક હજાર વર્ષથી સોમનાથ મંદિરની ધ્વજા પતાકા પૂરા સ્વાભિમાનથી ફરકી રહી છે. એ જ આત્મગૌરવે આપણને 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની પ્રેરણા આપી, અને આ વર્ષે દેશ આ પર્વને પણ એટલા જ ઉત્સાહથી મનાવી રહ્યો છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આજે રાષ્ટ્રીય એકતાના મોટા-મોટા અનુષ્ઠાનો, વૈશ્વિક મંચ પર ભારતનું વધતું કદ, આપણી આર્થિક પ્રગતિની આ તેઝ રફતાર, અને કાશી વિશ્વનાથથી લઈને રામમંદિર સુધીનું પુનરોદ્ધાર, આજે દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, એ રાહ આપણને સરદાર પટેલે બતાવી છે. અને આના માટે આ દેશ હંમેશાં-હંમેશાં તેમનો ઋણી રહેશે.
સાથીઓ,
ગયા વર્ષે આપણે સરદાર પટેલની એક સો પચાસમી જયંતિ મનાવી હતી. બે વર્ષો સુધી દેશમાં ઉત્સવોનું આયોજન થયું હતું. આપણે દેશ માટે મોટા સંકલ્પ લીધા હતા, તેમને પૂરા કરવાની શપથ લીધી હતી. અને, આજે જ્યારે આપણે સરદાર પટેલનો એક સો એકવનમો જન્મદિવસ મનાવી રહ્યા છીએ, તો આપણે સંતોષ સાથે કહી શકીએ છીએ, દેશે પોતાના સંકલ્પોને આટલા ઓછા સમયમાં પૂરું કરીને બતાવ્યું છે. આ બે વર્ષોમાં દેશે ઘણી અભૂતપૂર્વ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે.
સાથીઓ,
સરદાર પટેલના 150મા જન્મદિવસે, મેં અહીં જ તેમના ચરણોમાં ઊભા રહીને કહ્યું હતું, “જ્યાં સુધી, જ્યાં સુધી દેશ નક્સલવાદ, માઓવાદી આતંકથી પૂરી રીતે મુક્ત થઈ જતો નથી, આપણે શાંતિથી બેસવાના નથી”. અને, બરાબર એક વર્ષ પછી, આજે જ્યારે આપણે અહીં ઉપસ્થિત છીએ, દેશનો એ સંકલ્પ પૂરો થઈ ચૂક્યો છે. આજે દેશમાં નક્સલવાદની કમર ભાંગી નાખવામાં આવી છે. 2015 માં દેશના એક સો છવ્વીસ જિલ્લા વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત હતા. માર્ચ 2026 સુધી દેશમાં એવો કોઈ જિલ્લો રહ્યો નથી, જે હજુ પણ નક્સલવાદથી પ્રભાવિત હોય. દાયકાઓથી હિંસા અને લોહીયાળ સંઘર્ષથી પીડિત આ જિલ્લાઓ, હવે વિકાસની મુખ્યધારાનો હિસ્સો બની રહ્યા છે. આજે આ વિસ્તારોમાં રસ્તાઓનો વિસ્તાર થઈ રહ્યો છે, મોબાઈલ નેટવર્ક પહોંચી રહ્યું છે, શાળાઓ અને સ્વાસ્થ્યની સુવિધાઓ વધી રહી છે. જે યુવાનો સામે ક્યારેય અનિશ્ચિતતા હતી, તેમના માટે શિક્ષણ, રોજગાર અને આગળ વધવાની નવી તકો ખુલી રહી છે.
સાથીઓ,
આ વખતે એકતા દિવસના આ આયોજનમાં, નક્સલ પીડિત વિસ્તારોના પરિવારો અહીં અતિથિ બનીને સામેલ થયા છે. હું તે બધાનું અહીં અભિનંદન કરું છું, તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. હું આજે એ તમામ વીર જવાનોને પણ નમન કરું છું, જેમણે દેશના આ વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
સાથીઓ,
આજે ભારત પહેલાં કરતાં વધુ સુરક્ષિત છે, આજે ભારત વધુ સંકલ્પિત છે, અને આનું એક મોટું કારણ, દેશવાસીઓનો વધેલો આત્મવિશ્વાસ છે. અને આત્મવિશ્વાસ, સિદ્ધિઓથી આવે છે, સરકાર અને વ્યવસ્થાની સંવેદનશીલતાથી આવે છે. આજે આવી જ એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિની ચર્ચા હું જરૂર કરવા માંગું છું.
સાથીઓ,
ભારતમાં ગરીબી હટાવવાની વાતો, આઝાદી પછીથી જ ચાલી આવી રહી છે. ગરીબી હટાવવાના નામે વોટ માંગવામાં આવ્યા. પરંતુ દેશમાં ગરીબીની શું સ્થિતિ રહી, એ આપણે બધા જાણીએ છીએ. જેમણે ગરીબી હટાવોના નારા લગાવ્યા, એ ખુદ અમીર થતા ગયા. હાલતમાં બદલાવ આવવાનું શરૂ થયું, વીતેલા કેટલાક વર્ષોમાં. હમણાં થોડા દિવસો પહેલા જ વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટ જણાવે છે કે 2024 પહેલાના 10-12 વર્ષોમાં, 50 કરોડ ભારતીયોએ ગરીબીને પરાસ્ત કરી છે. એટલે કે પહેલા જ્યાં 100 માંથી 27 લોકો, એક ચોથા ભાગથી પણ વધારે, 100 માંથી 27 લોકો ભીષણ ગરીબીની ચપેટમાં હતા, આજે આ સંખ્યા ઓછી થતા થતા 100 માં માત્ર 3 થી પણ ઓછી રહી ગઈ છે.
સાથીઓ,
પૂરી દુનિયા માની રહી છે કે આ બહુ મોટી સિદ્ધિ છે. પરંતુ આ બધું થયું કેવી રીતે? આ બધું એટલા માટે થયું, કારણ કે છેલ્લા 12 વર્ષોથી દેશ, ગરીબ કલ્યાણ, ગરીબોને સશક્ત કરવાને પ્રાથમિકતા આપી રહ્યો છે. આ 12 વર્ષોમાં, દેશને લીકેજ ફ્રી વ્યવસ્થા મળી. ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)ના માધ્યમથી દિલ્હીથી નીકળેલો એક-એક પૈસો ગરીબ સુધી પહોંચ્યો, મફત રાશને, મફત ઇલાજે, ગરીબોના ખિસ્સામાં પૈસા બચાવ્યા. કરોડો પાકાં ઘરોએ, કરોડો શૌચાલયોએ, ધુમાડા મુક્ત રસોડાએ, ગરીબનું જીવન સરળ બનાવ્યું. કરોડો લોકોને વીમાની સુરક્ષા મળી, જેણે સંકટના સમયમાં કરોડો ભારતીયોને બળ આપ્યું. 2014 પહેલા દેશમાં 25 કરોડ લોકો પાસે પણ સામાજિક સુરક્ષા કવચ ન હતું. આજે દેશના લગભગ 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા કવચથી જોડવામાં આવ્યા છે.
સાથીઓ,
આજે જ્યારે પૂરો દેશ સરદાર સાહેબને યાદ કરી રહ્યો છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે, તેમની આત્મા આપણને જરૂર આશીર્વાદ આપતી હશે. આવા જ પ્રયાસોથી આપણે દેશમાં ગરીબી દૂર કરીને રહીશું, દેશને વિકસિત ભારત બનાવીશું.
સાથીઓ,
દેશની એકતા, દેશની સ્થિરતાની, દેશની સફળતાની ગેરંટી છે. અને આજે જેવી વૈશ્વિક અસ્થિરતામાં, એકતાનું મહત્વ અને વધી ગયું છે. આપ સૌ જાણો છો, આજે દુનિયા અશાંતિની આગમાં સળગી રહી છે. આ સમય વીતેલા કેટલાક દાયકાઓનો સૌથી કઠિન સમય છે. વિશ્વમાં ઘણા દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા છે. મોટા-મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ મુશ્કેલીઓથી ઝઝૂમી રહી છે. સંસાધનોનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. વૈશ્વિક પૂરવઠા શૃંખલાઓ (ગ્લોબલ સપ્લાય ચેઇન્સ) વેર-વિખેર થઈ રહી છે. આવા સમયમાં ભારતની એકતા, આપણે ભારતવાસીઓની એકતા, આપણું બહુ મોટું સંબળ છે. કારણ કે આ જ એકતા આપણને બધા વાવાઝોડાઓમાંથી બહાર કાઢનારી છે.
ભાઈઓ બહેનો,
વીતેલા મહિનાઓમાં આપણે દુનિયાને ઉર્જા સંકટથી ઝઝૂમતા જોયા છે! ઘણા દેશોમાં તો ડીઝલ પેટ્રોલની ખરીદી પર મર્યાદા સુધી લગાવી દીધી. ભારત માટે પણ કહેવામાં આવતું હતું, અહીં એટલી બધી વસ્તી છે. પેટ્રોલિયમનું ઉત્પાદન પણ અહીં થતું નથી. એટલા માટે, સૌથી મોટું સંકટ ભારત સામે ઊભું થશે. આ જ આશંકાઓ વચ્ચે ભારત વિરોધી તાકાતો પણ સક્રિય થઈ ગઈ હતી.
પરંતુ સાથીઓ,
આ ભારતનું સામર્થ્ય છે કે આપણે આ વૈશ્વિક ઉર્જા સંકટનો ઘા આપણા નાગરિકો પર પડવા દીધો નહીં. આ દેશની કૂટનીતિક અને રણનીતિક સફળતા તો છે જ, આમાં આપણા દેશવાસીઓની એકતા અને એકજુટતાની પણ એટલી જ મોટી ભૂમિકા છે. કારણ કે, જ્યારે દેશ બાહ્ય પડકારોના ઉકેલ શોધી રહ્યો હતો, તે સમયે દેશની અંદર પણ કેટલાક તત્વો જૂઠ અને અફવા ફેલાવીને અસ્થિરતા પેદા કરવામાં જોતરાયેલા હતા. પરંતુ, દેશવાસીઓ રાષ્ટ્ર સાથે કદમથી કદમ મિલાવીને ઊભા રહ્યા. આ જ આ દેશની સૌથી મોટી તાકાત છે. આ જ આપણી હિંમતનો સૌથી મોટો આધાર છે.
સાથીઓ,
સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, આવી મહાન વિભૂતિઓએ જ્યારે દેશના બંધારણનું નિર્માણ કર્યું હતું, તો તેમણે સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વ્યવસ્થા બનાવી. આ વ્યવસ્થાનું મહત્વ પણ સમજાવ્યું. લોકતંત્રમાં વિરોધ પક્ષનું દાયિત્વ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું છે, પરંતુ, આ આપણું દુર્ભાગ્ય છે, આ સમયે દેશમાં વિરોધ પક્ષ, પોતાનું કર્તવ્ય ત્યાગીને, વિરોધના બદલે અવરોધ પક્ષ બની ચૂક્યો છે. પોતાની હતાશા અને નિરાશામાં આ લોકો દેશના વિકાસ સામે અવરોધ ઊભા કરી રહ્યા છે. આ વિરોધ નથી, આ અવરોધ છે. તેમણે આને જ પોતાની રાજનીતિ બનાવી લીધી છે. આ લોકો બંધારણની મર્યાદાઓને તાર-તાર કરવામાં લાગ્યા છે.
સાથીઓ,
આ શક્તિઓ સતત દેશમાં વિભાજનના કાવતરાંમાં લાગેલી છે. મા ભારતીની સંતાનોને અંદરોઅંદર વહેંચવાના અને લડાવવાના કુચક્ર રચવામાં આવી રહ્યા છે. એક દાયકાથી અધિકની હતાશા અને નિરાશાના કારણે, આ લોકો હવે ખુલ્લેઆમ સામે આવી ગયા છે. કોણ વિદેશમાં ગુપ્ત રૂપથી કોને મળી રહ્યું છે, ભારત વિરોધી તાકાતો કોને સમર્થન આપી રહી છે, કોણ ભારતના દુશ્મનોની ભાષા બોલી રહ્યો છે, આપણે આ તમામ પેટર્નને ઓળખવા પડશે. આપણે એકજૂટ થઈને તેનો મુકાબલો કરવો પડશે. ખાસ કરીને, સોશિયલ મીડિયાને જે રીતે હથિયારના તોર પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ભારતની છબીને ખરાબ કરવાની કોશિશો થઈ રહી છે, દેશવાસીઓએ સાથે મળીને આનાથી નિપટવું પડશે. આપણે સુદૂર વિસ્તારોમાં નક્સલવાદનો અંત કરી દીધો છે. પરંતુ, હજુ દિમાગી નક્સલનો ખતરો દેશની ઉપરથી ટળ્યો નથી. દેશે આ દિમાગી નક્સલીઓથી હંમેશાં સતર્ક રહેવાનું છે.
સાથીઓ,
પરિસ્થિતિ ભલે ગમે તેટલી પણ કઠિન કેમ ન હોય, રાષ્ટ્રીય એકતાનો આ મહાયજ્ઞ, શક્તિ અને સમર્થ ભારતની આ સંકલ્પ યાત્રા, આપણે તેને રોકવા દેવાની નથી. આ દિશામાં આપણે હવે આગલા મોટા લક્ષ્યો પર કામ કરવાનું છે. આપણે દેશની સીમાઓને પૂરી રીતે સુરક્ષિત કરવાની છે. આપણે ઘૂસણખોરી અને વસ્તી વિષયક (ડેમોગ્રાફી) માં થઈ રહેલા બદલાવોને રોકવાના છે. આપણે સેક્યુલર સિવિલ કોડ (બિનસાંપ્રદાયિક દીવાની સંહિતા) તરફ પણ આગળ વધવાનું છે.
સાથીઓ,
જ્યારે પણ દેશ મોટા સંકલ્પ લેશે, દેશ જ્યારે પણ મોટા નિર્ણયો લેશે, અવરોધો આવશે, અડચણો ઊભી થશે, વાવાઝોડાઓથી પણ મુકાબલો થશે, પરંતુ, ભારત હવે રોકાવાનું નથી. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો મંત્ર અને, વિકસિત ભારતનું લક્ષ્ય, હવે આ ભારતના અટલ સંકલ્પ બની ચૂક્યા છે. આપણે પરિશ્રમની પરાકાષ્ઠા કરીશું, આપણે ઝંઝાવાતોથી દૃઢતાપૂર્વક મુકાબલો કરીશું, પરંતુ, આપણી નજર એક જ ધ્યેય પર રહેશે. 2047 સુધી જ્યારે આઝાદીના 100 વર્ષ થશે, 2047 સુધી શક્ત અને સમર્થ વિકસિત ભારતનું નિર્માણ! આપણા દરેક પ્રયાસમાં, આપણી શ્વાસમાં આ જ જુનૂન હોવું જોઈએ. આ વિચાર આપણા દિલના દરેક ધબકારા સાથે ધબકવો જોઈએ. આ જ સંકલ્પ સાથે, એકવાર ફરી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!
વંદે માતરમ્
વંદે માતરમ્.
વંદે માતરમ્.
ખૂબ-ખૂબ આભાર!
SM/DK/JD