સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે નવગઠિત અમદાવાદ હેરિટેજ સિટી ડાક મંડળ તથા પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) ઓફિસ નું કર્યું ઉદ્ઘાટન


ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર ગુજરાત સર્કલનું સૌથી મોટું ડાક પરિક્ષેત્ર બન્યું; ભાવનગર અને સુરેન્દ્રનગર ડાક મંડળોનો પણ તેમાં સમાવેશ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક સેવાઓના વિસ્તરણ, વધુ સારા વ્યવસ્થાપન અને બદલાતી જરૂરિયાતોને અનુરૂપ આધુનિક, જવાબદાર અને મજબૂત ડાક નેટવર્કના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

પોસ્ટેડ ઓન: 31 OCT 2026 6:55PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગે સ્પર્ધાત્મક વાતાવરણમાં સેવા વિતરણને વધુ સુદૃઢ બનાવવા, વ્યાપારિક પ્રવૃત્તિઓના વિસ્તરણ, કાર્યક્ષમતામાં વધારો તથા આવકમાં સતત વૃદ્ધિ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે વહીવટી એકમોનું પુનર્ગઠન કર્યું છે. આ જ ક્રમમાં ગુજરાત સર્કલમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ ઉપરાંત સુરત ખાતે નવા ડાક પરિક્ષેત્રની રચના કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ડાક વિભાગે લોજિસ્ટિક્સ વ્યવસાયને પ્રાથમિકતા આપતાં પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ), ગુજરાત સર્કલ તથા નિદેશક (સેલ્સ)ના નવા પદો અને તેમના માટે ઓફિસોની સ્થાપનાને મંજૂરી આપી છે. ગુજરાતમાં પાંચ નવા પોસ્ટલ વિભાગો– અમદાવાદ હેરિટેજ સિટી, અમદાવાદ ઉત્કર્ષ, દાહોદ, સુરત (પૂર્વ) અને ગાંધીધામની રચના કરવામાં આવી છે. વહીવટી પુનર્ગઠનની આ નવી વ્યવસ્થા 1 નવેમ્બર, 2026થી અમલી બનશે.

અમદાવાદ જીપીઓ પરિસરમાં નવસર્જિત અમદાવાદ હેરિટેજ સિટી ડાક મંડળનો શુભારંભ કરતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ડાક વહીવટી વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે હવે ત્રણ ડાક મંડળો – અમદાવાદ સિટી, અમદાવાદ હેરિટેજ સિટી અને અમદાવાદ ઉત્કર્ષ કાર્યરત રહેશે. આ ત્રણેય ડાક મંડળોનાં મુખ્ય મથકો અનુક્રમે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, અમદાવાદ જીપીઓ અને ધોળકા પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. નવસર્જિત અમદાવાદ હેરિટેજ સિટી ડાક મંડળ હેઠળ અમદાવાદ શહેરના પૂર્વીય વિસ્તારની પોસ્ટલ વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવશે. જ્યારે અમદાવાદ ઉત્કર્ષ ડાક મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આવેલા સાણંદ, વિરમગામ, માંડલ, ધોળકા, બાવળા, ધંધુકા અને ધોલેરા તાલુકાઓમાં પોસ્ટલ સેવાઓ તથા વહીવટી પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવશે. આ વ્યવસ્થાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સેવાઓના વધુ સારા સંચાલન, દેખરેખ અને મોનિટરિંગમાં સુવિધા રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ પરિક્ષેત્ર હેઠળ અગાઉ સમાવિષ્ટ ભાવનગર અને સુરેન્દ્રનગર ડાક મંડળોનો હવે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવતાં આ પરિક્ષેત્રમાં ડાક મંડળોની કુલ સંખ્યા વધીને નવ થશે. આ સાથે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર ગુજરાત સર્કલનું સૌથી મોટું ડાક પરિક્ષેત્ર બનશે. તેમાં અમદાવાદ સિટી, અમદાવાદ હેરિટેજ, અમદાવાદ ઉત્કર્ષ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને ભાવનગર ડાક મંડળોનો સમાવેશ થશે. આ ઉપરાંત, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવન ખાતે નવસર્જિત પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) કચેરીનો પણ શુભારંભ કર્યો હતો. પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) કચેરીનું મુખ્ય ધ્યાન મેઇલ્સ, પાર્સલ અને આંતરરાષ્ટ્રીય મેઇલ્સના વ્યવસ્થાપન તથા વિકાસ પર રહેશે. તે મુજબ, ગુજરાતમાં કાર્યરત તમામ રેલવે મેઇલ સર્વિસ કચેરીઓ, ફોરેન પોસ્ટ ઓફિસ, પરિવહન સેવાઓ તેમજ મેઇલ મોટર સર્વિસ આ કચેરીના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્યરત રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, આ પહેલ ગુજરાતમાં પોસ્ટલ સેવાઓના વિસ્તરણ, વધુ સારા વહીવટી સંચાલન અને બદલાતી જરૂરિયાતોને અનુરૂપ આધુનિક, જવાબદાર તથા મજબૂત ડાક નેટવર્કના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સરકારના “મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ”ના અભિગમને અનુરૂપ આ પુનર્ગઠનથી વહીવટી સંકલન, દેખરેખ તથા ડાક સેવાઓના અસરકારક સંચાલનને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે. પોસ્ટ વિભાગ હાલમાં પરિવર્તનના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય તેને ગ્રાહક-કેન્દ્રિત, ટેક્નોલોજી આધારિત, કાર્યકારી દૃષ્ટિએ વધુ કાર્યક્ષમ તથા નાણાકીય રીતે આત્મનિર્ભર સંગઠન તરીકે વિકસાવવાનો છે.

આ પ્રસંગે પ્રવર ડાક અધિક્ષક શ્રી શિશિર કુમાર, એજીએમ, આઈપીપીબી શ્રી સંદીપ કુમાર, ચીફ મેનેજર શ્રી અભિજિત જીભકાટે, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી વારિસ વહોરા, સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, રિતુલ ગાંધી, દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક આર. ટી. પરમાર, જગદીશ જીડ, કે એ રોય, આર એ શૈખ, પરાગ વાસનિક, એસ એન ઘોરી, શ્રી બિરંગ શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ,ડાક નિરીક્ષક દક્ષેશ ચૌહાણ, વિપુલ ચડોતરા, યોગેન્દ્ર રાઠોડ સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


(રીલીઝ આઈડી: 2330970) મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો: English