પોસ્ટેડ ઓન:
31 OCT 2026 4:36PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગૃહ મંત્રાલય, ભારત સરકાર હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (IICA) સાથે મળીને માસ્ટર્સ ઇન ફાઇનાન્સિયલ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી (MFES)નો બીજો કોહોર્ટ શરૂ કર્યો છે. તેની પ્રથમ બેચના અનુભવ અને પરિણામો પર આધાર રાખીને, નિયમનકારી સંસ્થાઓ, કાયદો અમલીકરણ એજન્સીઓ, પોલીસ સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, કાનૂની ક્ષેત્ર, સાહસિકતા અને અન્ય સંબંધિત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા વ્યાવસાયિકોની ભાગીદારી સાથે આ બીજી બેચ શરૂ થઈ છે.

ખાસ કરીને કાર્યરત વ્યાવસાયિકો માટે ડિઝાઇન કરાયેલ, MFES હાઇબ્રિડ ફોર્મેટમાં પૂરો પાડવામાં આવે છે જે સહભાગીઓને તેમની વ્યાવસાયિક જવાબદારીઓની સાથે અદ્યતન શિક્ષણ મેળવવા સક્ષમ બનાવે છે. આ કાર્યક્રમ ભારતની નાણાકીય અખંડિતતા, આર્થિક સુરક્ષા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે જરૂરી જ્ઞાન અને વ્યવહારુ ક્ષમતાઓથી સજ્જ વ્યાવસાયિકોનું એક વિશિષ્ટ કેડર વિકસાવવાનો પ્રયાસ કરે છે.
નાણાકીય સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા અને ટકાઉ આર્થિક વિકાસનો એક આવશ્યક સ્તંભ બની ગઈ છે. નાણાકીય પ્રણાલીઓની અખંડિતતા જાહેર વિશ્વાસ, જવાબદાર રોકાણ, સ્થિર બજારો અને આર્થિક નીતિના અસરકારક અમલીકરણને ટેકો આપે છે. ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ, મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળ, પ્રતિબંધોની ચોરી, નાણાકીય છેતરપિંડી અને કોર્પોરેટ માળખાનો દુરુપયોગ સંસ્થાઓને નબળી પાડી શકે છે, બજારોને વિકૃત કરી શકે છે અને રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી નાણાકીય અને આર્થિક સુરક્ષાને મજબૂત કરવા માટે નિયામકો, કાયદો અમલીકરણ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ, ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચે સંગઠિત કાર્યવાહીની જરૂર છે.

ઝડપી તકનીકી પરિવર્તન પણ નાણાકીય-સુરક્ષાના પરિદ્રશ્યને નવું રૂપ આપી રહ્યું છે. ડિજિટલ ચૂકવણી, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો, વિકેન્દ્રીય નાણાં અને સરહદ પારના પ્લેટફોર્મ્સનો ઉપયોગ છેતરપિંડી, ગેરકાયદેસર કમાણી છુપાવવા અને ગેરકાયદેસર ભંડોળની હિલચાલ માટે થઈ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યાધુનિક કપટપૂર્ણ ઓળખ (impersonation), ડીપફેક-સક્ષમ કૌભાંડો, ઓટોમેટેડ સાયબર હુમલાઓ અને નાણાકીય માહિતીની ચાલાકીપૂર્વક ગેરરીતિને સક્ષમ કરી શકે છે, જ્યારે જોખમ શોધવા અને તપાસ માટે નવી તકો પણ ઊભી કરી શકે છે. આ વિકાસ એવા વ્યાવસાયિકોની માંગ કરે છે જેઓ અસરકારક રીતે જવાબ આપવા માટે જરૂરી તકનીક અને કાનૂની, નિયમનકારી અને ઓપરેશનલ માળખા બંનેને સમજે છે.
MFES કાર્યક્રમ વ્યવહારુ અને પ્રાયોગિક અભિગમ દ્વારા આ ઉભરતા પડકારોને સંબોધિત કરે છે. શૈક્ષણિક સૂચનાઓની સાથે, તે વ્યવહારુ શિક્ષણ, કેસ સ્ટડીઝ, નિષ્ણાતો સાથેના વાર્તાલાપ અને કેમ્પસ-ઇમર્શન પ્રવૃત્તિઓ પર ભાર મૂકે છે. સહભાગીઓને ભારતની નાણાકીય અને આર્થિક વ્યવસ્થાના મહત્વપૂર્ણ સ્તંભો સમાન સંસ્થાઓ અને સંગઠનો સાથે જોડાવાની તકો પૂરી પાડવામાં આવે છે, જેમાં નિયામકો, તપાસ અને અમલીકરણ એજન્સીઓ, નાણાકીય ક્ષેત્રના મંડળો અને અન્ય હિતધારકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય ધોરણો, ક્રોસ-બોર્ડર સહયોગ, તુલનાત્મક નિયમનકારી અભિગમો અને એન્ટી-મની લોન્ડરિંગ તથા આતંકવાદ-વિરોધી ધિરાણમાં થયેલા વિકાસ સહિત વૈશ્વિક દ્રષ્ટિકોણને પણ આવરી લે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી નાણાકીય તકનીકો સાથેનું તેનું જોડાણ સહભાગીઓને વિકસતા જોખમોનું મૂલ્યાંકન કરવામાં અને નાણાકીય દેખરેખ, અનુપાલન અને અમલીકરણમાં ટેકનોલોજીના જવાબદાર ઉપયોગને સમજવામાં મદદ કરવા માટે છે.
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, પ્રો.(ડૉ.) શ્રી કલ્પેશ વાન્દ્રા, પ્રો. વાઈસ ચાન્સલર, RRU એ હાઇલાઇટ કર્યું કે નાણાકીય સુરક્ષા એ મજબૂત અને આત્મનિર્ભર ભારતનો મુખ્ય સ્તંભ છે. તેમણે નાણાકીય અને આર્થિક સુરક્ષાના વ્યવહારુ પરિમાણોની યોગ્ય સમજ ધરાવતું એક વિશિષ્ટ પ્રોફેશનલ કેડર બનાવવાની અને આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ વચ્ચે સહયોગ મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
શ્રી સુનિલ કવિશ્વર, ડિરેક્ટર, સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરી લો (SCLML), RRU એ ઝડપી તકનીકી પ્રગતિઓથી ઉભરતા પડકારો અને નાણાકીય ગુના, દેખરેખ અને અમલીકરણ માટે તેના પરિણામો વિશે વાત કરી હતી. તેમણે વ્યાવસાયિકો માટે ટેકનોલોજી-સક્ષમ થ્રેટ્સ (જોખમો) ને સમજવા અને તેનો પ્રતિસાદ આપવા માટે સજ્જ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રો.(ડૉ.) નવીન સિરોહી, હેડ, સ્કૂલ ઓફ ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટ, અને ડિરેક્ટર, ફોરમ ઓફ ઇન્ડિયન રેગ્યુલેટર્સ (FOIR) સેન્ટર, IICA એ આર્થિક સુરક્ષા વ્યાવસાયિકોનું નવું કેડર બનાવવા માટે MFES જેવા વિશિષ્ટ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમોની પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત વિઝન માટે માત્ર આર્થિક વિકાસ જ નહીં પરંતુ ગેરકાયદેસર ભંડોળના પ્રવાહ, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, ટેક-સંચાલિત જોખમો અને ભૌગોલિક આર્થિક તણાવ જેવા ઉભરતા જોખમોથી તેનું રક્ષણ કરવાની પણ જરૂર છે.
MFES કાર્યક્રમ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલા 'વિકસિત ભારત @2047' ના વ્યાપક રાષ્ટ્રીય વિઝનમાં પણ યોગદાન આપે છે. એક સુરક્ષિત અને વિશ્વસનીય નાણાકીય ઇકોસિસ્ટમ આ વિઝન માટે મૂળભૂત છે: નાણાકીય અખંડિતતા જાહેર સંસાધનોનું રક્ષણ કરવામાં મદદ કરે છે, રોકાણકારોના વિશ્વાસને પ્રોત્સાહન આપે છે, સમાવેશી વિકાસને ટેકો આપે છે, સંસ્થાઓને મજબૂત કરે છે અને ટકાઉ આર્થિક વિકાસને સક્ષમ બનાવે છે. નાણાકીય જોખમોને રોકવા, શોધવા અને તેનો પ્રતિસાદ આપવા માટે વ્યાવસાયિક ક્ષમતાનું નિર્માણ કરીને, MFES એક સ્થિતિસ્થાપક નાણાકીય પ્રણાલી અને સુરક્ષિત, સમૃદ્ધ ભારતમાં યોગદાન આપવાનો પ્રયાસ કરે છે.
આ બીજો કોહોર્ટ વિવિધ વ્યાવસાયિક પૃષ્ઠભૂમિના સહભાગીઓને એકસાથે લાવે છે, એક આંતરશાખાકીય શિક્ષણ વાતાવરણ ઊભું કરે છે જેમાં નિયમન, કાયદા અમલીકરણ, પોલીસિંગ, ફાઇનાન્સ, કાયદા અને વ્યવસાયના અનુભવો સામૂહિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે. આ સહયોગી અભિગમ દ્વારા, RRU અને IICA સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવા અને નાણાકીય અને આર્થિક સુરક્ષાના બદલાતા પરિમાણોની ઊંડી સમજણને પ્રોત્સાહિત કરવાનો ધ્યેય રાખે છે.