પોસ્ટેડ ઓન:
30 OCT 2026 3:51PM by PIB Ahmedabad
ભારત માતા કી જય। ભારત માતા કી જય।
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપ-મુખ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવીજી, વિધાનસભા અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી, ગુજરાત સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ, અન્ય જનપ્રતિનિધિઓ, ભાઈઓ અને બહેનો.
આજે ટેકનોલોજીથી પણ આપણી સાથે દેશના તમામ જિલ્લાઓના ખેડૂતો જોડાયેલા છે. આજે ટેકનોલોજીથી આપણી સાથે ગુજરાતના દરેક ગામના ખેડૂતો જોડાયેલા છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, આ બધા આજે ખેડૂતોના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપણી સાથે છે. હું તે બધાનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
આજે બનાસકાંઠાએ પોતાનો રૂઆબ જમાવ્યો છે. હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યો હતો કે કદાચ દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય. દેશના લોકો માટે પણ નાવીન્ય હશે કે આ સભામાં બધા લોકો ખાટલા પર બેઠા છે. આપણા ગામની આ મહાન પરંપરાને આજે આપણા બનાસકાંઠાએ જીવંત કરી દીધી છે. જો કદાચ પહેલેથી તમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાને કહ્યું હોત, તો તેઓ જરૂર આજે એક રેકોર્ડ તરીકે તેને નોંધી લેતાં. હમણાં અહીં ઉલ્લેખ થયો.
આપ લોકોએ મને જે જવાબદારી સોંપી હતી તેને પૂરી કરતા આજે 25 વર્ષ થઈ ગયા છે. અને સંજોગ જુઓ કે 25 વર્ષ પૂરા થયા પછીનું મારું પ્રથમ આગમન આપણા બનાસકાંઠામાં થયું. આપ લોકોને યાદ અપાવી દઉં કે 2001 માં મુખ્યમંત્રી બન્યા પછીનો પહેલો સૌથી મોટો સાર્વજનિક કાર્યક્રમ, મુખ્યમંત્રી બન્યા પછીનો પહેલો કાર્યક્રમ, સાર્વજનિક કાર્યક્રમ, તે ડીસામાં કર્યો હતો, લોક કલ્યાણ મેળો, જે જૂના લોકો હશે તેમને યાદ હશે. અને તે કાર્યક્રમ કદાચ ઐતિહાસિક કાર્યક્રમ રહ્યો, એક જિલ્લામાંથી ત્રણ લાખ લોકો તે કાર્યક્રમમાં હતા, હું નથી માનતો કે તે રેકોર્ડ આજ સુધી કોઈએ તોડ્યો હોય. તે રેકોર્ડ બનાસકાંઠાના ખાતામાં નોંધાયેલો છે. જ્યાંથી યાત્રાની શરૂઆત કરી હતી, ત્યાં 25 વર્ષની સેવા યાત્રાનો હિસાબ આપવાનો મને આજે અવસર મળ્યો છે.
નવરાત્રીના થોડા જ દિવસો પછી માં અંબાની પાવન ભૂમિ પર આવવાનો અવસર મળ્યો છે. હું માં અંબાના ચરણોમાં પ્રણામ કરું છું. થોડી વાર પહેલાં અહીંથી માતૃશક્તિ માટે, બાળકો માટે, ખેડૂતો-પશુપાલકો માટે, અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. દેશના કરોડો નાના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો નવો હપ્તો પણ પહોંચ્યો છે. હું ગુજરાતના લોકોને, દેશવાસીઓને, દેશભરના ખેડૂતોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
એક તો મને ગુજરાતના અને બનાસકાંઠાના લોકો માફ કરે, મારે હિન્દી એટલા માટે બોલવું પડશે, કારણ કે દેશભરના લોકો આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે, તો તમારી પરવાનગી છે ને કે હું હિન્દીમાં બોલું? શાબાશ.
સાથીઓ,
આપણા ખેડૂતો, આપણા અન્નદાતા, વિકસિત ભારતના સૌથી મજબૂત સ્તંભોમાંના એક છે, અને આપણી સરકારે હંમેશાં ખેડૂતોના કલ્યાણને, ખેડૂતોને સશક્ત કરવાને પ્રાથમિકતા આપી છે. 2013-14 ની સરખામણીમાં દેશનું કૃષિ બજેટ હવે 5 ગણાંથી વધુ થઈ ગયું છે. પીએમ કિસાન સન્માન નિધિ, હવે કરોડો નાના ખેડૂતોના જીવનનો હિસ્સો બની ગઈ છે. આજે લગભગ 10 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોને પણ તેનો લાભ મળ્યો છે. તેમના ખાતામાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ જમા થયા છે. અહીં બનાસકાંઠાના લાખો ખેડૂત પરિવારોના ખાતામાં પણ લગભગ 50 કરોડ રૂપિયા પહોંચ્યા છે.
સાથીઓ,
વીતેલા વર્ષોમાં આપણી સરકારની નીતિઓને લીધે 50 લાખ કરોડ રૂપિયાથી વધારે ખેડૂતોને મળ્યા છે અથવા તેમની બચત થઈ છે, 50 લાખ કરોડ રૂપિયા. હું તમને ફક્ત પાંચ યોજનાઓનું ઉદાહરણ આપીશ. પીએમ કિસાન સન્માન નિધિના લગભગ સાડા ચાર લાખ કરોડ રૂપિયા સીધા નાના ખેડૂતોના બેંક ખાતામાં પહોંચ્યા છે. બહેન તમે મને પરાજિત કર્યો, મને હતું કે તું થોડી વારમાં બેસી જઈશ, તારા હાથ દુખતા હશે. આપણા એસપીજીના લોકોને વિનંતી છે કે આ દીકરી સરસ ફોટો બનાવીને લાવી છે, તેની પાસેથી લઈ લો, નહીં તો તે હાથ ઉપર કરીને થાકી જશે. અહીંથી લઈ લઈશું બેટા, અહીંથી ત્યાં આવીશું, તું અહીં જ ઊભી રહે, જરા એસપીજીના લોકો જઈને આને મેળવી લે. આઝાદી પછી ક્યારેય આ નાના ખેડૂતોની જરૂરિયાતોને સમજવામાં આવી નહીં, ક્યારેય તેમને પૂછવામાં આવ્યું નહીં. જ્યારે દેશમાં નાના ખેડૂતોની સંખ્યા 85 ટકા કરતા વધારે છે. આપણા દેશમાં નાના ખેડૂતોની સંખ્યા 85 ટકા છે. આવા નાના ખેડૂતોની આપણી સરકારે જ ચિંતા કરી અને તેમને પીએમ કિસાન સન્માન નિધિથી મદદ પહોંચાડી.
સાથીઓ,
વીતેલા કેટલાક વર્ષોમાં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ખાતરની કિંમતોમાં ખૂબ ઉછાળો આવ્યો, પરંતુ ખેડૂતોને સમર્પિત આપણી સરકારે તેનો બોજ ખેડૂતો પર પડવા દીધો નહીં. આના પર સરકારે લગભગ 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આપ લોકોને ખાતર સસ્તું મળે, એટલા માટે તિજોરીમાંથી 16 લાખ કરોડ રૂપિયા આપવા પડ્યા છે જેથી આપ લોકો પર બોજ ન આવે.
સાથીઓ,
પહેલાની સરકારો એમએસપી (MSP) ને લઈને પણ ખેડૂતોની છેતરપિંડી જ કરી રહી હતી, પરંતુ આ આપણી સરકાર છે, જેણે એમએસપીનું વાયદો પૂરો કર્યોં છે. છેલ્લાં 12 વર્ષોમાં, ઘઉં અને ચોખા, આવા ખેડૂતોને એમએસપીના રૂપમાં 24 લાખ કરોડ રૂપિયા, 24 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ગયા છે.
સાથીઓ,
આપણી સરકારે પીએમ ફસલ વીમા યોજનાનું એક ખૂબ મજબૂત સુરક્ષા કવચ ખેડૂતોને આપ્યું છે. આપણે કિસાન વીમા યોજના શરૂ કરી, મોટા પાયે શરૂ કરી. છેલ્લાં 10-12 વર્ષોમાં ખેડૂતોને પાક વીમાના વળતરમાં પણ 2 લાખ કરોડ રૂપિયાથી વધુ મળી ચૂક્યા છે. ખેતીને નુકસાન થયું, ત્યારે વીમાના રૂપમાં ખેડૂતો પાસે 2 લાખ કરોડ રૂપિયા પહોંચ્યા છે. આપણો સતત પ્રયાસ છે કે સિંચાઈ પર ખેડૂતનો ખર્ચ પણ ઓછો થાય, આમાં પીએમ કુસુમ યોજનાની ભૂમિકા સતત વધી રહી છે. આના અંતર્ગત, અત્યાર સુધી લગભગ 12 લાખ સોલર પંપ આપવામાં આવી ચૂક્યા છે. 12 લાખ સૂર્ય ઉર્જાથી ચાલતા પંપ, પાણી કાઢવા માટે ખેડૂતોને આપવામાં આવ્યા છે, 12 લાખ પંપ. અને તેના કારણે વીજળીની જરૂરિયાત, ડીઝલની જરૂરિયાત બધું થઈ ગયું. જો આ સોલર પંપ ન મળતા, તો 80 કરોડથી વધુ, 80 કરોડ લીટરથી, 80 કરોડ લીટરથી વધુનું ડીઝલ ખેડૂતોએ ખરીદવું પડતું. એટલે કે આમાં જે પૈસા લાગતાં, તે આ લાખો ખેડૂતોની બચત થઈ. અને આનાથી, જે વધારાની વીજળી પેદા થઈ, તે અલગ. એક રીતે જોઈએ, તો ફક્ત આ પાંચ યોજનાઓ અથવા નિર્ણયોને કારણે દેશના ખેડૂતોને 50 લાખ કરોડ રૂપિયાના બરાબરની બચત પણ થઈ છે અથવા તો જમા થયા છે. 50 લાખ કરોડ રૂપિયાનો આંકડો બહુ મોટો છે. આ 50 લાખ કરોડ રૂપિયાએ દેશના ખેડૂતોની આવક વધારી છે, ભારતમાં ખેતીનું સામર્થ્ય વધાર્યું છે.
સાથીઓ,
ખેતી આપણા દેશની પરંપરા પણ છે, ખેતી આપણી સંસ્કૃતિ પણ છે, કૃષિ એ આપણી સંસ્કૃતિ છે. છેલ્લા 12 વર્ષોમાં આપણી સરકારે ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ વ્યાપક સમાવેશ કર્યો છે. આપણે ખેતીને, પશુપાલનને વૈજ્ઞાનિકતા સાથે જોડ્યું છે. સોઇલ હેલ્થ કાર્ડ આનું ઉત્તમ ઉદાહરણ છે. પહેલા ખેડૂતને એ શોધવામાં મુશ્કેલી થતી હતી કે તેના ખેતરને કયું ખાતર જોઈએ, કેટલા પ્રમાણમાં જોઈએ. સોઇલ હેલ્થ કાર્ડએ આ સમસ્યાનું સમાધાન કર્યું છે. આજે 26 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ દેશના ખેડૂતો પાસે છે. આનાથી ખેતીની પદ્ધતિઓમાં આધુનિકતા આવી છે.
સાથીઓ,
ખેડૂત માટે મોસમમાં થઈ રહેલો બદલાવ બહુ મોટો પડકાર છે. એટલા માટે, આપણો પ્રયાસ છે કે ખેડૂતને સતત બીજની નવી જાતો ઉપલબ્ધ થાય, જે બદલાતી આબોહવા અનુકૂળ હોય. વીતેલા વર્ષોમાં બીજની લગભગ ત્રણ હજાર નવી જાતો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સાથીઓ,
પશુપાલન આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ અંગ છે, આમાં આપણી બહેનોની બહુ મોટી ભાગીદારી છે. દાયકા દરમિયાન આપણે પશુપાલન અને ડેરી સેક્ટરમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. કારણ કે પશુની નસલ બેહતર હશે, તો દૂધનું ઉત્પાદન વધશે. હમણાં શંકરભાઈ કહી રહ્યા હતા કે ચાર ગાયથી જેટલું દૂધ મળે છે, આપણે ઈચ્છીએ છીએ કે એક જ ગાયથી તેટલું મળે. સમયસર રસીકરણ અને સારવાર મળશે, તો બિમારીથી થતું નુકસાન ઓછું થશે. એટલે કે, પશુ સ્વસ્થ હશે, તો મારા પશુપાલક ભાઈ-બહેનોની કમાણી પણ વધશે.
સાથીઓ,
તમે રાષ્ટ્રીય ગોકુલ મિશન વિશે જાણો છો. આના અંતર્ગત દેશી નસલોના સંરક્ષણ અને વૈજ્ઞાનિક પ્રજનનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં બનેલું નવું રિસર્ચ સેન્ટર આ મિશનને વધુ મજબૂતી આપશે. અહીં ગીર, સાહીવાલ અને કાંકરેજ જેવી દેશી ગાયો અને મહેસાણા, મુર્રા તથા જાફરાબાદી જેવી ભેંસોની નસલોનું સંરક્ષણ થશે. સાથે જ, તેમની ગુણવત્તા વધારવામાં પણ બહુ મોટું કામ થશે. કાંકરેજ નસલ માટે તો દેશમાં પોતાની રીતની આ પહેલી સુવિધા છે. તેને એક ઉદાહરણથી સમજો, જો કોઈ ખેડૂત પાસે સારી નસલની ગાય છે, જે વધારે દૂધ આપે છે અને ઓછા ખર્ચમાં સ્વસ્થ રહે છે, તો તે ઈચ્છશે કે ગાયની આવનારી પેઢીમાં પણ આ ગુણ બનેલા રહે. IVF જેવી આધુનિક ટેકનોલોજી આમાં મદદ કરે છે. આનાથી સારી નસલના ગુણ આગળની પેઢી સુધી પહોંચવાની સંભાવના વધે છે. તેનો સીધો લાભ પશુપાલકને મળશે.
સાથીઓ,
પશુઓને બિમારીઓથી બચાવવા પણ આપણી પ્રાથમિકતા છે. ખુરપકા અને મોંપકા (એફએમડી) બિમારીથી પશુઓની તબિયત અને દૂધનું ઉત્પાદન, બંને પર અસર પડે છે. એટલા માટે આપણે દેશભરમાં મફત રસીકરણ અભિયાન શરૂ કર્યું. અત્યાર સુધી લગભગ દોઢ સો કરોડ રસી પશુઓને લગાવવામાં આવી ચૂકી છે. 8 કરોડથી વધુ ખેડૂતોના પશુઓને મફત રસી લાગી છે. આનાથી પશુપાલકોનો, તેમનો જે ખર્ચનો બોજ છે, તે પણ ઓછો થયો છે.
સાથીઓ,
આ પ્રયાસોની અસર દૂધ ઉત્પાદનમાં પણ દેખાઈ રહી છે. વર્ષ 2013-14 માં એક ગાય કે ભેંસ, તેનાથી સરેરાશ એક દિવસમાં 5 લીટરથી પણ ઓછું દૂધ મળતું હતું. આપ લોકોએ મને દિલ્હી મોકલ્યો તે સમયનો આ સમાચાર છે. પાંચ લીટરથી પણ ઓછું દૂધ 1 દિવસમાં. આજે આ સરેરાશ વધીને લગભગ 8 લીટર થઈ ગઈ છે, આખા દેશમાં સરેરાશ 8 લીટર. ભારતમાં દૂધ ઉત્પાદનની ઉત્પાદકતા વધવાની ગતિ દુનિયામાં સૌથી ઝડપી છે. દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં નંબર વન છે. તેનો લાભ ગામડાંઓને મળ્યો, ખેડૂત પરિવારોની કમાણી વધી.
સાથીઓ,
અમે ઈચ્છીએ છીએ કે પશુપાલકની દૂધની સાથે છાણથી પણ કમાણી વધે. છાણ અને ખેતીના અવશેષોથી બાયોગેસ, બાયો-સીએનજી (Bio-CNG) અને જૈવિક ખાતર બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આમાં બનાસ ડેરી જેવા સંસ્થાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આજે અહીં બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ પણ થયો છે. આપણું લક્ષ્ય સાફ છે- પશુ સ્વસ્થ હોય, દૂધનું ઉત્પાદન વધે અને છાણનો પણ પૂરેપૂરો ઉપયોગ થાય. આપણે પશુપાલનને માત્ર પરંપરા નહીં, પરંતુ ખેડૂતની આવક વધારવા અને ગામડાંઓને સમૃદ્ધ બનાવવાનું મજબૂત સાધન બનાવી રહ્યા છીએ. હમણાં બધી બહેનો સાથે હું વાત કરી રહ્યો હતો, ત્યારે બહેનોએ કહ્યું કે અમે 2 કરોડ રૂપિયાનું દૂધ ભરીએ છીએ. 2 કરોડ રૂપિયાનું દૂધ અને મેં પૂછ્યું કેટલું ભણી છો? બોલી, 4 ચોપડી, અને 2 કરોડ રૂપિયાનું દૂધ.
સાથીઓ,
વીતેલા વર્ષોમાં આપણે ગામની સમૃદ્ધિ માટે હોલિસ્ટિક એપ્રોચથી કામ કર્યું છે. તમે મત્સ્યપાલનનું જ ક્ષેત્ર જુઓ, કેટલો વિસ્તાર થયો છે. તમને સાંભળીને સારું લાગશે કે ભારતની સી-ફૂડ (દરિયાઈ ખોરાક) નિકાસ બમણાંથી વધુ થઈ ગઈ છે. દરિયામાં આપણા સાગરખેડૂઓ જાય છે અને માછલીઓ અને ઝીંગા પકડે છે, અને વેચે છે. આજે ખૂબ મોટી છલાંગ લગાવી છે, દુનિયાના દેશોમાં તેની માંગ વધી છે. મત્સ્યપાલનના ક્ષેત્રમાં સહકારિતાને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
બીજું એક ક્ષેત્ર છે, જેનાથી આપણા ખેડૂતોને આવકનું બીજું સાધન મળ્યું છે. આ ક્ષેત્ર, મધમાખી પાલનનું છે. છેલ્લાં 12 વર્ષોમાં મધનું ઉત્પાદન બમણું થયું છે. અને મને યાદ છે કે હું બનાસકાંઠામાં આવ્યો, ત્યારે આપ સૌને આહ્વાન કર્યું હતું કે આપણે સ્વીટ રિવોલ્યુશન કરવું છે, મધુર ક્રાંતિ કરવી છે, અને આજે બનાસકાંઠા મધ ઉત્પાદનમાં નવા રેકોર્ડ બનાવવા લાગ્યો છે. આજે બહેનોને મળ્યા, ત્યારે તેમણે કહ્યું કે અમે 35 લાખનું મધ વેચીએ છીએ. તમને જાણીને ગર્વ થશે કે આપણો દેશ પ્રાકૃતિક મધનો બીજો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે, અને આ જે મધ ક્રાંતિ આવી છે, સ્વીટ રિવોલ્યુશન આવ્યું છે, તેમાં આપણી બહેનોના સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ (સ્વસહાય જૂથો) નું યોગદાન પણ વધતું જઈ રહ્યું છે.
સાથીઓ,
થોડા દિવસો પહેલાં જ 7 ઓક્ટોબરે મને સરકારના વડા તરીકે સેવા આપતા 25 વર્ષ પૂરા થયા છે. એવું લાગે છે કે ગઈકાલની જ વાત છે, ઓ હો-હો આ તો ગઈકાલની જ વાત છે. જ્યારે 7 ઓક્ટોબર 2001 ના રોજ મેં પહેલીવાર શપથ લીધા હતા, આપે, તમારા નરેન્દ્રભાઈને ઘણો બધો પ્રેમ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે આપે મને. આજે મને અહીં થોડું અટપટું લાગતું હતું, દેશભરમાં જે ચાલે છે, તે ચાલશે, પણ અહીં આપણા શંકરભાઈએ કહ્યું કે પ્રધાનમંત્રી સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ, આપ જ કહો મારા ગળાની નીચે આ સંબોધન ઉતરશે શું? આપણને તો ટેવ છે કે આપણા નરેન્દ્રભાઈ, કોણ આવ્યું છે ભાઈ, આપણા નરેન્દ્રભાઈ. સારું લાગે કે ન લાગે, એવું બોલવામાં? અરે, પ્રધાનમંત્રી અને સાહેબ તેમાં શું મજા આવશે. અને મને પણ જ્યારે ગુજરાતના મારા ભાઈઓ એવું કહે કે આપણા નરેન્દ્રભાઈ ત્યારે મારી છાતી ગદગદ થાય છે. અને પ્રેમથી પણ વધારે, એક-એક ગુજરાતીએ મને ઘણું બધું શીખવ્યું છે, સાચા રસ્તે જવાનું મારું માર્ગદર્શન કર્યું છે, પ્રેરણા આપી છે. ત્યારે, સરકારી ઓફિસ, સરકાર, ફાઈલો વિશે કંઈ જાણતો ન હતો. એક સામાન્ય પરિવારમાંથી નીકળેલો વ્યક્તિ, જેની પેઢીઓએ ક્યારેય ગામના પ્રધાન બનવાનું સપનું સુધી જોયું ન હતું, તેને આ લાયક સમજ્યો. પહેલા ગુજરાતની અને પછી દેશની સેવા કરવાની જવાબદારી આપી. હમણાં હું બહેનો સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો કે તમને આવા વિચારો કેવી રીતે આવ્યા જ્યોતિગ્રામ, પાણી લાવ્યા, પ્રાકૃતિક ખેતી, પશુઓ માટે આ બધું કર્યું? આ બધું ક્યારે લઈને આવ્યા? કેવી રીતે આવ્યા આ વિચાર? મેં કહ્યું આમાં કોઈ નવું ગણિત નથી, આપ સૌએ શીખવ્યું અને મેં ત્યાં જઈને કર્યું.
સાથીઓ,
હું ફક્ત, બે જ બાબતો જાણતો હતો - જનસેવાથી રાષ્ટ્રસેવા અને ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ. બાકી, કેવી રીતે કરવું, કેવી રીતે આગળ વધવું, એ આર્પે મને શીખવ્યું છે. હું દેશ માટે જે કંઈ પણ કરી શક્યો, તેનો યશ બધા દેશવાસીઓને છે, આપ સૌને પણ છે. આના માટે હું તમારો જીવનભર ઋણી રહીશ, હું જીવનભર તમારો ઋણદાર રહીશ. અને જીવનની અંતિમ ક્ષણ સુધી તમારી સેવામાં જ જોડાયેલો રહીશ. અંતિમ શ્વાસ સુધી સેવા-સેવા-સેવા, દેશવાસીઓની સેવા, આપ સૌની સેવા.
સાથીઓ,
અહીં જે મોટી ઉંમરના સાથીઓ છે, તેમને જૂની વાતો આજે પણ યાદ હશે. 25 વર્ષ પહેલાં જ્યારે હું અહીં આવતો હતો, ત્યારે અહીં વીજળી-પાણીની કેટલી સમસ્યા હતી. હું ત્યારે પણ કહેતો હતો કે આપણે વીજળી અને પાણી બચાવવું પડશે, આ ખેડૂતો મારા વિરુદ્ધ આંદોલન કરતા હતા કે મોદી કોણ હોય છે, અમને કહે છે કે પાણી બચાવો, અને વીજળી નહીં દઉં. હું તમારી સાથે લડતો રહ્યો, આખરે આર્પે મારી વાત માની. અને આજે, આજે જુઓ, આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. આજે તે જૂની સમસ્યાઓ ફક્ત યાદોમાં રહી ગઈ છે. હું આજે તમને ફરી એ જ વાત કહીશ કે પાણી બચાવવું છે, વીજળી પણ બચાવવી છે.
સાથીઓ,
નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક ટેકનોલોજીએ, બનાસકાંઠાની તસવીર બદલી નાખી છે, બનાસકાંઠાની તકદીર બદલી નાખી છે. બનાસકાંઠાના બટાટા આજે વિશ્વ-પ્રસિદ્ધ છે અને કોઈ બનાસકાંઠા વાળાને આવીને નહીં કહે કે હું બટાટાનું સોનું બનાવીશ, તે કહે છે હું પહેલેથી બનાવું છું. અહીં બનાસ ડેરી જેવું સહકારિતાનું બ્રાન્ડ છે, જે કાશી સહિત દેશના અન્ય હિસ્સાઓમાં પણ સહકારિતાના આંદોલનને વિસ્તાર આપી રહી છે. હું બનાસ ડેરીનો વિશેષ રૂપથી આભાર માનું છું, કારણ કે મારી કાશીમાં પણ તમારા અનુભવનો, તમારી સેવાનું લાભ મળી રહ્યો છે. હવે તો ફ્રેન્ચ-ફ્રાઈઝ બનાવતા બટાટા પ્લાન્ટ પણ, તેની ક્ષમતા પણ વધારવામાં આવી છે. આનાથી બટાટાની વધારે ખરીદી સંભવ થઈ શકશે. આ બટાટા ખેડૂતો માટે બહુ મોટી સુવિધા છે.
સાથીઓ,
ફળ અને શાકભાજીની ખેતી, આ કરવાવાળા ખેડૂતો માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આના અંતર્ગત, આજે 12 ક્લસ્ટર સ્વીકૃત કરવામાં આવ્યા છે. આ ક્લસ્ટર, ટામેટા, બટાટા, મરચાં, દ્રાક્ષ, કેળા, ડુંગળી, સંતરા, દાડમ અને કોકો જેવા ફળ-શાકભાજી સાથે જોડાયેલા છે. આના માટે ખેડૂતોને નવા બગીચા વાવવા માટે અને જૂના બગીચાઓના કાયાકલ્પ માટે લોકોને તૈયાર કરીને આગળ લઈ જવામાં આવશે અને આ આખા પ્રોજેક્ટ માટે સબસિડી આપવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં જે બે ક્લસ્ટર મળ્યા છે, આનાથી બનાસકાંઠા અને સાબરકાંઠાના બટાટા ખેડૂતોને ખૂબ લાભ થશે.
સાથીઓ,
આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આજે ગુજરાતને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન, આ બે નવી રેલ સેવાઓ મળી છે, બહુ મહત્વની બંને રેલ કનેક્ટિવિટી છે. આ ઉપરાંત, અમદાવાદ મેટ્રો સેવાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આજે ગિફ્ટ સિટી (GIFT City) અને એરપોર્ટને જોડવા માટે મેટ્રો પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ-મહેસાણા હાઇવે હવે ચાર લેનથી આઠ લેન નો થવા જઈ રહ્યો છે.
સાથીઓ,
આજે ગુજરાતના બાળકો માટે 4 હજારથી વધુ આધુનિક આંગણવાડીઓનો પણ શુભારંભ થઈ રહ્યો છે. આનાથી લગભગ 4 લાખ બાળકોને, સગર્ભા માતાઓને ફાયદો થશે.
સાથીઓ,
વિકાસનો આવો દરેક પ્રયાસ ભારતને વિકસિત બનાવવા માટે છે. આજે દેશનો દરેક ખેડૂત, દરેક નૌજવાન, દરેક બહેન-બેટી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. પરંતુ દુર્ભાગ્યવશ કેટલાક લોકોને આ સારું નથી લાગી રહ્યું, કેટલાક લોકોની સેટ નથી થઈ રહ્યું. અને આ એવા લોકો છે, જે દેશને મુશ્કેલીમાં જોવા માંગે છે. દેશમાં સંકટ હોય, તો તેમને આનંદ મળે છે. જ્યારે દેશ પર સંકટ આવે છે, તો એમને ખુશી મળે છે.
સાથીઓ,
આનું તાજું ઉદાહરણ ઈરાન અને તે ખાડી દેશોની આસપાસ ચાલી રહ્યું છે યુદ્ધ. ભારત, જ્યારે એકજૂટ થઈને તેનો સામનો કરવામાં જોતરાયેલું છે, ત્યારે આ લોકો અફવાઓ ફેલાવવામાં લાગેલા રહ્યા, અફવાઓ ફેલાવવામાં આવી, ખેડૂતોને ખાતર માટે ડરાવવામાં આવ્યા, ખાતર નહીં મળે, કતારો લગાવી દીધી આર્ટિફિશિયલ, વાતાવરણ બગાડી દીધું. બહેનોને ડરાવી દીધી, હવે ગેસ મળવાનો નથી, રસોઈ કેવી રીતે બનાવશો, બાળકો શાળા કેવી રીતે જશે. તેમનો પ્લાન દેશમાં અફરા-તફરી ફેલાવવાનો હતો, જેથી આ મોદીને બદનામ કરી શકે.
સાથીઓ,
હું દેશના ખેડૂત બહેન-ભાઈઓને યાદ અપાવવા માંગું છું, મેં કહ્યું હતું, કે મોદી તમારી સાથે મજબૂતીથી ઊભો રહેશે. અને તમે જુઓ, આ યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે, પરંતુ મોદીએ ખેડૂતો માટે ખાતરની કમી ન થવા દીધી, ખાતર ઓછું ન પડવા દીધું.
સાથીઓ,
આ યુદ્ધના કારણે દુનિયામાં ખાતરની કિંમતો બહુ વધી ગઈ છે. ખાતર બનાવવા માટે જે કેમિકલ લાગે છે, તેની કિંમતો પણ બહુ વધી ગઈ. તેનો બોજ પણ સરકારે ખેડૂતો પર પડવા દીધો નહીં. દુનિયામાં યુરિયાની જે બોરી, દુનિયામાં 3 હજાર રૂપિયામાં ખાતરની બોરી મળે છે, તે જ બોરી ભારતના ખેડૂતોને 300 રૂપિયાથી પણ ઓછીમાં મળે છે, ખાતરની યુરિયાની બોરીની દુનિયામાં ત્રણ હજારની કિંમત છે, આ સારા ભાર સરકાર પોતાના કાંધા પર લે છે અને તમને 300 રૂપિયામાં આપે છે. ડીએપી ખાતરની કિંમત તો, દુનિયામાં પાંચ હજાર રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. પરંતુ ભારતના ખેડૂતોને તે જ, તે જ બોરી, સાડા તેર સો રૂપિયામાં મળી રહી છે. દેશ આ મદદ એટલા માટે કરી રહ્યો છે, જેથી આપણો ખેડૂત સશક્ત થાય, ખેડૂતનું જીવન બેહતર થાય.
સાથીઓ,
અનિશ્ચિતતાથી ભરેલી દુનિયામાં ભારતનો ઝડપી વિકાસ પૂરી દુનિયા માટે નવી આશા છે. એવા સમયે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતના પથ પર સતત આગળ વધવાનું છે. અને કાલે, એટલે કે 31 ઓક્ટોબરે આ સંકલ્પને મજબૂતી આપવાનો દિવસ છે. કાલે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે, રાષ્ટ્રીય એકતા દિવસ છે. કાલે સરદાર સાહેબની જયંતિ છે, પૂરો દેશ રાષ્ટ્રીય એકતા દિવસ મનાવશે. આ દિવસે પૂરા દેશમાં રન ફોર યુનિટી, એકતાની દોડ દેશભરમાં લાગે છે. હમણાં ચારેય તરફથી ખબરો આવી રહી છે કે કેવી રીતે રન ફોર યુનિટી માટે શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. હું તમામ દેશવાસીઓને વિશેષ રૂપથી આપણા યુવા સાથીઓથી આગ્રહ કરીશ કે કાલે સવારે રન ફોર યુનિટીમાં આગળ વધીને ભાગ લો.
સાથીઓ,
દર વર્ષે 31 ઓક્ટોબરની સવારે જ એકતા નગરમાં એકતા પર્વ મનાવવામાં આવતું રહ્યું છે. પરંતુ આ વખતે રન ફોર યુનિટી અને અન્ય કાર્યક્રમોને ધ્યાનમાં રાખતા, હવે આ કાર્યક્રમ સવારની જગ્યાએ, સાંજે થવાનો છે, આમાં બદલાવ પણ છે. એકતા નગરમાં કાલે સાંજે સાડા પાંચ વાગ્યે ધૂમ-ધામથી એકતા પર્વ મનાવવામાં આવશે. કાલે સાંજે સાડા પાંચ વાગ્યે બહુ મોટા પ્રમાણમાં એકતા પર્વ મનાવવાના છીએ. આપ લોકો ટીવી પર જોજો કે ગુજરાતની ધરતી પર એવી પરેડ થશે કે તમને 26 જાન્યુઆરીની યાદ આવી જશે, દિલ્હીની યાદ આવી જશે, આપ જરૂર જોજો. પોલીસ અને સુરક્ષાબળોની પરેડ થશે, ઝાંખીઓ નીકળશે. હું તમામ દેશવાસીઓને કહીશ, કાલે સાંજે આ આયોજનથી પણ જરૂર જોડાવો. કશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કામાખ્યા સુધી, આપણે સૌ, પૂરો દેશ, સરદાર પટેલને નમન કરે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દોહરાવે. આ જ આગ્રહ સાથે એકવાર ફરીથી આપ સૌને વિકાસ કાર્યોની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
ત્યાં પાછળ બેઠેલી બહેનો મારા ઓવારણાં લઈ રહી છે, માતાજી તમારા ચરણ સ્પર્શ કરું છું, આપ ઓવારણાઓ લઈને મને બહુ શક્તિ આપી રહ્યા છો, આપનો ખૂબ-ખૂબ આભાર.
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
SM/DK/JD