પોસ્ટેડ ઓન:
26 OCT 2026 4:07PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ સંસ્થા (જીઆઈપીસીએ), અમદાવાદના 20 જેલ સહાયક તાલીમાર્થીઓને સુધારાત્મક વહીવટમાં ડિપ્લોમાના અભ્યાસક્રમ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કર્યા. તેઓ 540 ઉત્તીર્ણ તાલીમાર્થીઓના સમૂહનો ભાગ હતા. આરઆરયુ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. જીઆઈપીસીએ ખાતે ચાલતો જેલ સહાયકનો બેઝિક ટ્રેનિંગ કોર્સ હવે યુનિવર્સિટી ડિપ્લોમાનું સ્વરૂપ લેશે. આરઆરયુ અને જીઆઈપીસીએ વચ્ચે ફેબ્રુઆરી 2026માં થયેલા સમજૂતી કરાર હેઠળ તથા યુનિવર્સિટીની સંલગ્નતા અને માન્યતા પ્રક્રિયા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.
_20261026161406_51f34d.jpeg)
આ કાર્યક્રમ સ્કૂલ ઑફ બિહેવિયરલ સાયન્સીસ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ (એસબીએસએફઆઈ)ની ગ્લોબલ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન સ્ટડીઝ (જીસીએએસ) પહેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે, જેને આરઆરયુએ કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલના નેતૃત્વમાં શરૂ કરી છે. આ પહેલ ભારતની સુરક્ષા વ્યવસ્થામાં સુધારા અને આધુનિકીકરણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે, જેમાં સુધારણા, પુનર્વસન અને સમાજમાં પુનઃએકીકરણ પર કેન્દ્રિત જેલ વ્યવસ્થાપનનો પણ સમાવેશ થાય છે. ગુજરાત અને અન્ય રાજ્યોની જેલ તથા સુધારણા સેવાઓના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. તાલીમાર્થીઓએ દિવસ દરમિયાન આરઆરયુની વિવિધ સ્કૂલો અને પ્રયોગશાળાઓની પણ મુલાકાત લીધી.
_20261026161521_c2c246.jpeg)