સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતની સાતમી એન-જેન પોસ્ટ ઓફિસનું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વાઇસ ચાન્સેલર ડૉ. કિશોર સી. પોરિયા સાથે કર્યું ઉદ્ઘાટન


એન-જેન પોસ્ટઓફિસમાં પોસ્ટલ સેવાઓની સાથે યુવાનો માટે વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઇબ્રેરી અને યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટેડ ઓન: 23 OCT 2026 4:41PM by PIB Ahmedabad

ઈન્ડિયા પોસ્ટની યુવા-કેન્દ્રિત અને આધુનિક સેવાઓ શૈક્ષણિક સંકુલો સુધી પહોંચાડવાની દિશામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના દૃષ્ટિકોણથી પ્રેરિત પહેલ અંતર્ગત, ગુજરાતની સાતમી અને પાટણની પ્રથમ એન-જેન (નેક્સ્ટ જનરેશન) થીમ આધારિત નવીનીકૃત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન 23 ઑક્ટોબર, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વાઇસ ચાન્સેલર ડૉ. કિશોર સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈની સાથે તકતીનું અનાવરણ કરીને તથા રિબીન કાપીને કર્યું. આ પહેલનો ઉદ્દેશ પોસ્ટ ઓફિસને જીવંત, વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અને ટેક્નોલોજી-સક્ષમ સ્થળો તરીકે વિકસાવવાનો છે, જે યુવા પેઢી સાથે સીધું જોડાણ સ્થાપિત કરે. આ પોસ્ટ ઓફિસથી ઈન્ડિયા પોસ્ટની વિશ્વસનીયતા, વ્યાપક પહોંચ, આધુનિક સેવાઓ, યુવાનો સાથેનું જોડાણ અને સમૃદ્ધ વારસાનું સુંદર સંયોજન જોવા મળે છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એનઆઈટી), સુરત, આણંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે એન-જેન પોસ્ટ ઓફિસો શરૂ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં કુલ સાત એન-જેન પોસ્ટ ઓફિસો કાર્યરત થઈ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે એન-જેન પહેલ પરંપરાગત પોસ્ટ ઓફિસોને જીવંત, યુવા-કેન્દ્રિત અને ડિજિટલ રીતે સક્ષમ સેવા કેન્દ્રોમાં પરિવર્તિત કરવાના વ્યાપક વિઝનને પ્રતિબિંબિત કરે છે. એન-જેન પોસ્ટ ઓફિસ યુવાનોને વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ, યુવા-કેન્દ્રિત આરામદાયક બેઠક વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર 10%ની વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, ફિલેટેલી અને પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, પોસ્ટલ જીવન વીમા, આધાર તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી) જેવી નાણાકીય સેવાઓ સહિતની આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા આ એન-જેન પોસ્ટ ઑફિસનને જનરેશન-ઝેડ (જેન-ઝી)ની જીવનશૈલી, રુચિઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને હાઈટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ અને મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 વાઇસ ચાન્સેલર ડૉ. કિશોર સી. પોરિયાએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 1986માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આવી સ્થિતિમાં, યુનિવર્સિટી કેમ્પસમાં એન-જેન પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ઈન્ડિયા પોસ્ટ અને શૈક્ષણિક સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. પોસ્ટ ઓફિસનું આધુનિક અને ટેક્નોલોજી-સક્ષમ વાતાવરણ વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની વધુ સુલભતા સુનિશ્ચિત કરશે.

રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈએ જણાવ્યું કે પોસ્ટ વિભાગની સેવાઓ સાથે આપણા સૌનો લાંબા સમયથી સંબંધ રહ્યો છે. યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા વિવિધ સેમિનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા આવતા પ્રતિનિધિઓને પણ આ પોસ્ટ ઓફિસ દ્વારા દેશ-વિદેશમાં શૈક્ષણિક સામગ્રી મોકલવામાં સરળતા રહેશે.

પાટણ મંડળના અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામીએ જણાવ્યું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને નિવાસીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાજનક, ઝડપી, ટેક્નોલોજી-સક્ષમ અને આધુનિક પોસ્ટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે એન-જેન પોસ્ટ ઓફિસના નવીનીકરણ અને ડિઝાઇનમાં સહયોગ આપવા બદલ પ્રો. મયૂર કુમાર બી. પ્રજાપતિ, પ્રો. અભી શાહ, પ્રો. ભાવિક પટેલ અને પ્રો. મનીષા શર્માનું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામી, સહાયક નિદેશક શ્રી વી. એમ. વ્હોરા, સહાયક અધિક્ષક શ્રી કે. બાલાસુબ્રમણ્યમ, નિરીક્ષક શ્રી શાહનવાઝ ઘાંચી, શ્રી નેહલ પટેલ, શ્રી જિતેન્દ્ર અડાલિયા, પોસ્ટમાસ્ટર શ્રી આર. એલ. પટેલ અને આઇપીપીબી મેનેજર શ્રી વિષ્ણુ વર્ધન સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.


(રીલીઝ આઈડી: 2327408) મુલાકાતી સંખ્યા : 24
આ રીલીઝ વાંચો: English