પોસ્ટેડ ઓન:
22 OCT 2026 5:05PM by PIB Ahmedabad
કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડાએ આજે મુંબઈમાં 'ઇન્ડિયા કેમ 2026' ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ અને નીતિ ઘડનારાઓને સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં સરકાર દ્વારા કેમિકલ ક્ષેત્ર માટે સૌથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કેમિકલ ક્ષેત્ર માટેની 'ભવ્ય રસાયણ યોજના' એક ગેમ ચેન્જર સાબિત થશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે 'ભવ્ય રસાયણ યોજના' હેઠળ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કેમિકલ મેન્યુફેક્ચરિંગ હબ વિકસાવવા માટે બંદરો, રેલવે, એરપોર્ટ અને રસ્તાઓ સાથેની કનેક્ટિવિટી તેમજ સંકલિત મૂલ્ય શ્રંખલાઓ મુખ્ય વિચારણાઓ છે.
શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્ર અનિવાર્ય ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું હતું કે આ સ્થાનિક ઉદ્યોગો અને બહુરાષ્ટ્રીય નિગમો બંને માટે એક અદ્ભુત તક રજૂ કરે છે, જેમાંથી ઘણા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમણે જણાવ્યું હતું કે નિઃશંકપણે, એક વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે જીવંત, વિશ્વસ્તરીય કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગની જરૂર છે.

શ્રી નડ્ડાએ 'ઇન્ડિયા કેમ 2026' માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંદેશ પણ વાંચી સંભળાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે વ્યવસાય કરવાની સરળતા સુધારવા અને ભારતના મુક્ત વેપાર કરારોના નેટવર્કને વિસ્તૃત કરવાથી રોકાણ માટે નવા માર્ગો અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ મળી રહી છે. મને વિશ્વાસ છે કે ભારતીય કેમિકલ ઉત્પાદકો વૈશ્વિક પુરવઠા શ્રંખલામાં તેમની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે આ તકોનો લાભ લેશે.
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે 'ઇન્ડિયા કેમ 2026' અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપશે અને એવી ભાગીદારી તરફ દોરી જશે જે આ ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસમાં યોગદાન આપશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ પણ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે ઉદ્યોગ અને વ્યવસાયના અગ્રણીઓને કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રોમાં તમારા રાજ્યોમાં ઉપલબ્ધ રોકાણની તકોનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.
શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે કેમિકલ ઉદ્યોગ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આશરે ત્રણ લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એક રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિ તૈયાર કરી રહ્યું છે જે ભવિષ્યલક્ષી છે અને વ્યવસાય કરવાની સરળતા (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ) પર આધારિત છે.
મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીઓએ ઉદ્યોગોને તેમની વ્યવસાય-મૈત્રીપૂર્ણ રોકાણ નીતિઓ અને કેમિકલ ઉદ્યોગ માટે પૂરા પાડવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવા આમંત્રિત કર્યા હતા.
આ પ્રસંગે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ મૂળભૂત જરૂરિયાતોને સંતોષવામાં અને જીવનની ગુણવત્તા સુધારવામાં મુખ્ય સ્થાન ધરાવે છે.
શ્રીમતી અનુપ્રિયા પટેલે ઉદ્યોગના અગ્રણીઓને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રોત્સાહક રકમ અને તકોનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે સરકારે ત્રણ નવા સમર્પિત કેમિકલ પાર્ક માટે 'ભારત ઉદ્યોગિક વિકાસ યોજના' (ભવ્ય રસાયણ યોજના) શરૂ કરી છે. તેમણે ઉદ્યોગના અગ્રણીઓ તેમજ રાજ્ય સરકારોને ગાઢ રીતે જોડાવા વિનંતી કરી કારણ કે યોજનાને સાકાર કરવામાં અને અમલમાં મૂકવામાં રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ શ્રી તેજવીર સિંહે ઉદ્ઘાટન સમારોહમાં આ ઇવેન્ટના અવકાશની વિગતવાર માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ભારતના કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ ઉપ-ક્ષેત્રોમાં આગળ વધવાના માર્ગ પર કેન્દ્રિત જૂથ ચર્ચાઓ દ્વારા વિચાર-વિમર્શ કરવા માટે પૂરું પાડશે.

શ્રી સિંહે આશા વ્યક્ત કરી હતી કે આગામી 2 દિવસ દરમિયાન ફેલાયેલી ચર્ચાઓ અને વાર્તાલાપ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ક્રિયાપ્રતિક્રિયાઓ માટે એક સંરચિત પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ પ્રસંગે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) અને અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ એક નોલેજ પેપર 'ઇન્ડિયા કેમ 2026' ના ઉદ્ઘાટન સત્ર દરમિયાન બહાર પાડવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી નડ્ડાએ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, નેસ્કો ખાતે આંતરરાષ્ટ્રીય 'ઇન્ડિયા કેમ 2026' પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જે કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને પ્રોસેસ પ્લાન્ટ મશીનરી તથા સાધનોની વિશાળ શ્રેણીના ઉત્પાદનો, તકનીકો, ઉપકરણો અને સેવાઓનું પ્રદર્શન કરે છે.
શ્રી નડ્ડાએ મહાનુભાવો સાથે 'ઇન્ડિયા કેમ 2026' પ્રદર્શનમાં સ્ટેલોની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી.

રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (DCPC) દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) ના ભાગીદારીમાં આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદનો સમાવેશ થાય છે. તે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના મુખ્ય હિતધારકોને એકત્ર કરે છે, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ, રોકાણકારો, સંશોધકો અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ છે.
"એડવાન્ટેજ ભારત: એન ઇમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ" ની થીમ હેઠળ યોજાયેલ, 'ઇન્ડિયા કેમ 2026' જ્ઞાનનું આદાનપ્રદાન કરવા, વ્યૂહાત્મક જોડાણો સ્થાપિત કરવા, રોકાણની સંભાવનાઓનું અન્વેષણ કરવા અને પરસ્પર લાભદાયી વ્યવસાયિક તકોને ઓળખવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને એક સામાન્ય મંચ પૂરો પાડે છે.
ભારત સાથે આર્થિક સહયોગ મજબૂત કરતા, જાપાન 'ઇન્ડિયા કેમ 2026' માટે ભાગીદાર દેશ તરીકે જોડાયું છે, જે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે સહયોગ માટે નવા માર્ગો ખોલે છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ ભાગીદાર રાજ્યો છે, જે ક્ષેત્રના વિકાસ, રોકાણ અને ઔદ્યોગિક વિકાસને આગળ વધારવામાં ભારતીય રાજ્યોની વધતી ભૂમિકાને પ્રકાશિત કરે છે.
14મી આવૃત્તિની એક મુખ્ય નવી વિશેષતા 'ઇન્ડિયા કેમ યુથ ઇનોવેશન ચેલેન્જ' છે, જે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની વિકસતી જરૂરિયાતો સાથે યુવા સંશોધકો, વિદ્યાર્થીઓ અને ઉભરતા સાહસિકોને જોડવાના ઉદ્દેશ્યથી એક પહેલ છે. આ પહેલ ઉદ્યોગના પડકારો માટે નવીન, સંશોધન-આધારિત અને વ્યવહારુ ઉકેલોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે.
ભારતીય કેમિકલ ઉદ્યોગ 2030 સુધીમાં 300 અબજ ડોલર અને 2040 સુધીમાં 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનાઓને વધતી જતી સ્થાનિક માંગ, વિસ્તરતી નિકાસ તકો, ભારતના જનસંખ્યાકીય લાભાંશ, પ્રમાણમાં ઓછા માથાદીઠ વપરાશ અને સક્ષમ સરકારી પહેલો દ્વારા સમર્થન મળે છે.
જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયનના દેશો, લેટિન અમેરિકા, કોરિયા પ્રજાસત્તાક અને આસિયાન દેશો સહિતના અનેક દેશો આ ઇવેન્ટમાં હાજરી આપી રહ્યા છે.
200 થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો, ભારતીય અને વિદેશના 8,000 થી વધુ બિઝનેસ મુલાકાતીઓ, અને 50 અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય સીઈઓ (CEOs) આ ઇવેન્ટનો ભાગ છે.
'ઇન્ડિયા કેમ 2026' વૈશ્વિક નિપુણતાને ભારતની ઉત્પાદન ક્ષમતાઓ, રોકાણની સંભાવનાઓ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડીને "એડવાન્ટેજ ભારત: એન ઇમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ" ના વિઝનને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા છે.
વધુ વિગતો માટે, મુલાકાત લો: www.indiachem.in
આ ઇવેન્ટની યુટ્યુબ લિંક: https://youtube.com/live/qhFqeE7vBSg
SM/BS/JD